દણ્ડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ્ ।
મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહમ્ ॥૩૮॥
દંડ:—દંડ; દમયતામ્—અરાજકતાનાં સાધનોમાં; અસ્મિ—હું છું; નીતિ:—નૈતિકતા; અસ્મિ—હું છું; જિગીષતામ્—વિજય ઈચ્છનારાઓમાં; મૌનમ્—મૌન; ચ—અને; એવ—તેમજ; અસ્મિ—હું છું; ગુહ્યાનામ્—રહસ્યોમાં; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞાન-વતામ્—જ્ઞાનીજનોમાં: અહમ્—હું.
Translation
BG 10.38: અરાજકતાને અટકાવવા માટેનાં માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે, તેઓમાં નીતિ છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું.
Commentary
માનવીય પ્રકૃતિ એવી છે કે લોકોમાં સદાચારનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે કેવળ ઉપદેશો પર્યાપ્ત નથી. સમાપ, સમયસરનો તથા ન્યાયોચિત દંડ એ લોકોના પાપયુક્ત વર્તનની સુધારણા માટે તથા તેમને ઉચિત નીતિનું પ્રશિક્ષણ આપવા માટે અતિ અગત્યનું ઉપકરણ છે. તેના ધ્યેયોમાંથી એક અનૈતિક કર્મ કરવાની રુચિ ધરાવતા લોકોને અટકાવવાનું છે. દુરાચાર માટે એક ક્ષણનો ન્યાયોચિત દંડ તથા સદાચાર માટે એક ક્ષણનું પ્રોત્સાહન કેવી રીતે લોકોના વર્તનમાં સુધારણા લાવી શકે છે તે અંગે આધુનિક પ્રબંધન સિદ્ધાંત અતિ ઉપયુક્ત વર્ણન કરે છે.
વિજયની અભિલાષા એ સાર્વભૌમિક છે, પરંતુ જેમનું ચારિત્ર્ય મજબૂત છે તેઓ વિજય પ્રાપ્તિ માટે સિદ્ધાંતો અને નીતિમત્તાનો ત્યાગ કરવા ઈચ્છતા નથી. ધર્મના માર્ગનું અનુસરણ કરીને પ્રાપ્ત કરેલો વિજય ભગવાનની શક્તિનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્યથી જનસાધારણની જાણકારીથી જેને ગુપ્ત રાખવામાં આવે તેને રહસ્ય કહે છે. અંગ્રેજીમાં કહેવત છે: “જે રહસ્ય એક વ્યક્તિ જાણે, તેને રહસ્ય કહેવાય; જે રહસ્ય બે વ્યક્તિ જાણે, તે ગોપનીય રહેતું નથી; અને જે રહસ્ય ત્રણ વ્યક્તિ જાણે, તે શેષ વિશ્વ માટે ઘોષણાપૂર્ણ સમાચાર બની જાય છે.” આમ, સૌથી ગૂઢ રહસ્ય એ છે કે જે મૌનમાં ગોપનીય રહે છે.
મનુષ્યમાં વાસ્તવિક જ્ઞાન આત્મ-સાક્ષાત્કાર તેમજ ભગવદ્-સાક્ષાત્કાર દ્વારા આધ્યાત્મિક જ્ઞાનની પરિપક્વતાથી પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ આધ્યાત્મિક જ્ઞાનથી સંપન્ન હોય છે તે સર્વ પરિસ્થિતિઓને, મનુષ્યોને તથા વિષયોને તેમનાં ભગવાન સાથેના સંબંધના પ્રકાશમાં જ જોવાનો દૃષ્ટિકોણ વિકસિત કરે છે. આવું જ્ઞાન મનુષ્યને પરિશુદ્ધ, સંતુષ્ટ તથા ઉન્નત કરે છે. તે જીવનને દિશા આપે છે તથા તેનાં અંતરાયોનો સામનો કરવાની ક્ષમતા અને અંત સુધી ક્રિયાશીલ રહેવાની દૃઢતા પ્રદાન કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ એવું જ્ઞાન છે, જે જ્ઞાનીજનોમાં પ્રગટ થાય છે.