Bhagavad Gita: Chapter 3, Verse 1-2

અર્જુન ઉવાચ ।
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન ।
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ॥ ૧॥
વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે ।
તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ॥ ૨॥

અર્જુન ઉવાચ—અર્જુને કહ્યું; જ્યાયસી—શ્રેષ્ઠ; ચેત્—જો; કર્મણ:—સકામ કર્મ; તે—તમારા વડે; મતા—માનવામાં આવી છે; બુદ્ધિ:—બુદ્ધિ; જનાર્દન—શ્રી કૃષ્ણ, લોકોનું પાલન કરનારા; તત્—ત્યારે; કિમ્—શા માટે; કર્મણિ—કર્મ; ઘોરે—ભયંકર; મામ્—મને; નિયોજયસિ—તમે વ્યસ્ત કરો; કેશવ—કૃષ્ણ, કેશી અસુરના સંહારક; વ્યામિશ્રેણ ઈવ—સંદિગ્ધ લાગતા; વાક્યેન્—વચનો; બુદ્ધિમ્—બુદ્ધિ; મોહયસિ—હું મોહિત થઇ રહ્યો છું; ઈવ—જાણે; મે—મારી; તત્—માટે; એકમ્—એકમાત્ર; વદ—કૃપા કરીને કહો; નિશ્ચિત્ય—નિશ્ચયાત્મક રીતે; યેન્—જેના વડે; શ્રેય:—ઉચ્ચ કલ્યાણ; અહમ્—હું; આપ્નુયામ્—મેળવી શકું.

Translation

BG 3.1-2: અર્જુને કહ્યું: હે જનાર્દન!  જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો? આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહ્વળ ગઈ છે. કૃપા કરીને નિશ્ચિયપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય.

Commentary

પ્રથમ અધ્યાયમાં પાર્શ્વભૂમિનો પરિચય આપવામાં આવ્યો, જેમાં અર્જુનની અંદર ઉત્પન્ન થયેલાં શોક અને વિષાદ, શ્રી કૃષ્ણ માટે આધ્યાત્મિક ઉપદેશ આપવા માટે કારણભૂત બન્યાં. દ્વિતીય અધ્યાયમાં ભગવાને પ્રથમ અવિનાશી આત્માના જ્ઞાનનું વર્ણન કર્યું. તત્પશ્ચાત્ તેમણે અર્જુનને યોદ્ધા તરીકેના તેનાં કર્તવ્યનું સ્મરણ કરાવ્યું અને કહ્યું કે તેનું પાલન કરવાના ફળસ્વરૂપે યશ અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. અર્જુનને તેના ક્ષત્રિય તરીકેના શારીરિક ધર્મનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા પશ્ચાત્ શ્રી કૃષ્ણે કર્મયોગના વિજ્ઞાનનો શ્રેષ્ઠ સિદ્ધાંત પ્રગટ કર્યો અને અર્જુનને કર્મનાં ફળોથી વિરક્ત રહેવાનો ઉપદેશ આપ્યો. આ રીતે, બંધનયુકત કર્મો, બંધનમુક્ત કર્મોમાં પરિવર્તિત થઇ જાય છે. તેમણે ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવાના વિજ્ઞાનને બુદ્ધિયોગ તરીકે પરિભાષિત કર્યો. આ દ્વારા તેમનું તાત્પર્ય એ હતું કે, દૃઢ બુદ્ધિથી નિયંત્રિત કરીને મનને સાંસારિક પ્રલોભનોથી અનાસક્ત કરવું જોઈએ; અને આધ્યાત્મિક જ્ઞાનનાં સંવર્ધન દ્વારા બુદ્ધિ સ્થિર થયેલી હોવી જોઈએ. તેમણે કર્મનો ત્યાગ કરવાનું સૂચન કર્યું નથી પરંતુ કર્મ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. 

અર્જુન, શ્રી કૃષ્ણના આ ઉદ્દેશ અંગેની ગેરસજૂતીને કારણે વિચારે છે કે જો જ્ઞાન કર્મથી શ્રેષ્ઠ છે તો પછી શા માટે આ ભયાનક યુદ્ધમાં ભાગ લેવાના કર્તવ્યનું તે પાલન કરે? તેથી તે કહે છે, “આવા વિરોધાભાસી કથનો કરીને તમે મારી મતિને ભ્રમિત કરી રહ્યા છો. હું જાણું છું કે તમે કરુણાનિધાન છે અને તમારી ઈચ્છા મને નિષ્ફળ કરવાની નથી. તેથી કૃપા કરીને મારો સંશય દૂર કરો.”