Bhagavad Gita: Chapter 3, Verse 27

પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ ।
અહઙ્કારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ॥ ૨૭॥

પ્રકૃતે:—માયિક પ્રકૃતિનાં; ક્રિયમાણાનિ—ક્રિયાન્વિત કરવું; ગુણૈઃ:—ત્રણ ગુણો દ્વારા; કર્માણિ—કર્મો; સર્વશ:—સર્વ પ્રકારના; અહંકાર-વિમૂઢ-આત્મા—મિથ્યા અહંકારથી મોહિત થઈને સ્વયંને શરીર માનવાની ભૂલ કરતો આત્મા; કર્તા—કર્તા; અહમ્—હું; ઇતિ—એમ; મન્યતે—માને છે.

Translation

BG 3.27: સર્વ ક્રિયાઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા સંપન્ન થાય છે. પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયંને સર્વ કાર્યનો કર્તા માને છે.

Commentary

આપણે જોઈએ છીએ કે વિશ્વની પ્રાકૃતિક ઘટનાઓ આપણા દ્વારા નિર્દેશિત હોતી નથી પરંતુ પ્રકૃતિ દ્વારા થતી હોય છે. હવે, આપણા પોતાના શરીરની પ્રવૃત્તિઓને આપણે સામાન્યત: બે કક્ષામાં વર્ગીકૃત કરીએ છીએ:

૧. પ્રાકૃતિક જૈવીય ક્રિયાઓ, જેવી કે, પાચન, રુધિરાભિસરણ, હૃદયના ધબકારા વગેરે, જેનું સંચાલન આપણે સભાનપણે કરતા નથી પરંતુ તે પ્રાકૃતિક રીતે થાય છે.

૨. બોલવું, સાંભળવું, ચાલવું, સૂવું, કાર્યો કરવાં, વગેરે ક્રિયાઓ, જેનું સંચાલન આપણે માનીએ છીએ કે આપણે કરીએ છીએ.

આ બંને કક્ષાની ક્રિયાઓ મન-શરીર-ઇન્દ્રિયોની માનવ-યંત્રરચના દ્વારા સંચાલિત થાય છે. આ યંત્રરચનાના બધા જ અંગો પ્રકૃતિ એટલે કે માયાશક્તિથી બનેલા હોય છે, જેમાં સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણેય ગુણોનો સમાવેશ થાય છે. જેવી રીતે સમુદ્રનાં તરંગો સમુદ્રથી ભિન્ન હોતાં નથી પરંતુ તેમાં જ સમાવિષ્ટ હોય છે, તેવી જ રીતે શરીર પણ પ્રકૃતિ માતાનું અંગ છે જેના દ્વારા તેનું સર્જન થયું છે. તેથી, પ્રકૃતિ એટલે કે માયા શક્તિ સંસારની સર્વ ક્રિયાઓની કર્તા છે.

તો પછી આત્મા શા માટે સ્વયંને કર્મોનો કર્તા સમજે છે? કારણ એ છે કે મિથ્યાભિમાનની પકડમાં રહેતો આત્મા પોતાને ભ્રમને કારણે શરીર માની લે છે. તેથી, તે કર્તાભાવનાં ભ્રમમાં રાચે છે. દાખલા તરીકે, રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર બે રેલગાડીઓ એકબીજાની બાજુ-બાજુમાં ઉભી છે. એક રેલગાડીમાં બેઠેલો પ્રવાસી અનિમેષ અને સ્થિર દૃષ્ટિથી બીજી રેલગાડી તરફ જોયા કરે છે. જયારે બીજી રેલગાડી ચાલવાની શરુ થાય છે ત્યારે એવું પ્રતીત થાય છે કે પહેલી રેલગાડી ચાલવાની શરુ થઈ છે. એવી જ રીતે, સ્થિર આત્મા પ્રકૃતિની ગતિશીલતા સાથે તાદાત્મ્ય સાધી લે છે. તેથી, તે પોતાને કર્મોનો કર્તા માની લે છે. જે ક્ષણે આત્મા અહંકારનો ત્યાગ કરી દે છે અને ભગવાનની ઈચ્છાને શરણાગત થઈ જાય છે, તે જ ક્ષણે તે સ્વયં અકર્તા હોવાનો અનુભવ કરે છે.

અહીં કોઈ એ પ્રશ્ન કરી શકે કે જો આત્મા વાસ્તવમાં અકર્તા છે તો પછી કર્મોના નિયમ અનુસાર, શરીર દ્વારા કરવામાં આવેલાં કર્મોના બંધન તેણે શા માટે ભોગવવા પડે છે? તેનું કારણ એ છે કે આત્મા સ્વયં કોઈ કર્મ કરતો નથી પરંતુ તે ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કર્મ કરવા નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે, સારથી પોતે રથને ખેંચતો નથી પરંતુ તે ઘોડાઓને નિર્દેશ કરે છે. હવે જો કોઈ અકસ્માત સર્જાય છે તો ઘોડાઓને કોઈ ગુનો લાગુ પડતો નથી પરંતુ સારથી જે તેમને નિર્દિષ્ટ કરતો હતો તેને ગુનેગાર ગણવામાં આવે છે. એ જ પ્રમાણે, આત્મા મન-શરીરયુક્ત માનવરચનાના કાર્યો માટે ઉત્તરદાયી છે, કારણ કે ઇન્દ્રિય-મન અને બુદ્ધિ કર્મ કરવાની પ્રેરણા આત્મા પાસેથી મેળવે છે.