કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્ભવમ્ ।
તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ્ ॥ ૧૫॥
કર્મ—કર્મ; બ્રહ્મ—વેદોમાંથી; ઉદ્ભવમ્—પ્રગટ થાય છે; વિદ્ધિ—તારે જાણવું જોઈએ; બ્રહ્મ—વેદો; અક્ષર—અવિનાશી પરબ્રહ્મમાંથી; સમુદ્ભવમ્—સાક્ષાત પ્રગટ થયેલ; તસ્માત્—માટે; સર્વ-ગતમ્—સર્વવ્યાપી; બ્રહ્મ—બ્રહ્મ; નિત્યમ્—શાશ્વત રીતે; યજ્ઞે—યજ્ઞમાં; પ્રતિષ્ઠિતમ્—અવસ્થિત.
Translation
BG 3.15: વેદોમાં મનુષ્યો માટેનાં કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે. તેથી, સર્વ-વ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે.
Commentary
વેદો ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા છે:
અસ્ય મહતો ભૂતસ્ય નિઃશ્વસિતમેતદ્યદૃગ્વેદો યજુર્વેદઃ સામવેદોઽથવઙ્ગિરસઃ (બૃહદારણ્યક્ ઉપનિષદ્ ૪.૫.૧૧)
“ચાર વેદો—ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ—આ સર્વ પરમ દિવ્ય પરમેશ્વરના શ્વાસમાંથી પ્રગટ થયા છે.” આ શાશ્વત વેદોમાં, સ્વયં ભગવાને મનુષ્યો માટેના કર્મો નિર્ધારિત કરેલાં છે. આ કર્મોનું આયોજન એ પ્રકારે કરવામાં આવ્યું છે કે તેનું પાલન કરવાથી માયામાં તલ્લીન મનુષ્ય ધીમે-ધીમે પોતાની કામનાઓને નિયંત્રિત કરતાં શીખે તથા ધીમે-ધીમે પોતાનો તમોગુણમાંથી રજોગુણમાં અને રજોગુણમાંથી સત્ત્વગુણની દિશામાં ઉત્કર્ષ કરે. આ કર્તવ્યોને યજ્ઞ સ્વરૂપે ભગવાનને અર્પિત કરવાની આજ્ઞા આપવામાં આવી છે. આ રીતે, ભગવાનને યજ્ઞના રૂપમાં પવિત્ર થયેલાં કર્મો અર્પિત કરવાથી તે નિ:શંક ભગવદ્-રૂપ બની જાય છે, ભગવદ્ પ્રકૃતિની સમાન બની જાય છે અને ભગવાનથી અભિન્ન બની જાય છે.
તંત્ર સારમાં યજ્ઞને સ્વયં પરમ પુરુષોત્તમ ભગવાન કહેવામાં આવ્યા છે:
યજ્ઞો યજ્ઞ પુમાંશ્ ચૈવ યજ્ઞશો યજ્ઞ યજ્ઞભાવનઃ
યજ્ઞભુક્ ચેતિ પઞ્ચાત્મા યજ્ઞેષ્વિજ્યો હરિઃ સ્વયં
ભાગવતમ્ માં (૧૧.૧૯.૩૯), શ્રીકૃષ્ણ ઉદ્ધવને ઉપદેશ આપતાં કહે છે કે, યજ્ઞોઽહં ભગવત્તમઃ, “હું, વાસુદેવનો પુત્ર, યજ્ઞ છું.” વેદો કહે છે: યજ્ઞો વૈ વિષ્ણુઃ “યજ્ઞ વાસ્તવમાં સ્વયં ભગવાન વિષ્ણુ છે.” આ સિદ્ધાંતની પુનરૂક્તિ કરતાં આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે ભગવાન સનાતન રીતે યજ્ઞ-કર્મમાં ઉપસ્થિત હોય છે.