Bhagavad Gita: Chapter 3, Verse 35

શ્રેયાન્ સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ ।
સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ॥ ૩૫॥

શ્રેયાન્—શ્રેયસ્કર; સ્વ-ધર્મ:—પોતાના નિયત કર્મો; વિગુણ:—દોષયુક્ત; પર-ધર્માત્—અન્ય માટે નિયત કરેલાં કર્તવ્યો; સુ-અનુષ્ઠિતાત્—સારી રીતે કરેલા; સ્વ-ધર્મે—પોતાના નિયત કરેલા કર્તવ્યોમાં; નિધનમ્—મૃત્યુ; શ્રેય:—વધારે સારું; પર-ધર્મ:—અન્ય માટે નિયત કરેલા કર્તવ્યો; ભય-આવહ—ભયથી ભરપૂર.

Translation

BG 3.35: પોતાના નિયત કરેલાં કર્તવ્યોનું પાલન, ભલે દોષયુક્ત હોય પરંતુ અન્ય માટે નિયત કરેલાં કર્તવ્યોનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયસ્કર છે. વાસ્તવમાં, પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુકત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે.

Commentary

આ શ્લોકમાં ધર્મ  શબ્દનો ઉપયોગ ચાર વખત થયો છે. ધર્મ એ એવો શબ્દ છે, જેનો પ્રાય: હિંદુત્વ અને બૌદ્ધત્વમાં ઉપયોગ થાય છે. પરંતુ અંગેજી ભાષામાં અનુવાદ કરવા માટે આ અતિ કઠિન શબ્દ છે. સત્યવાદીતા, સદાચાર, કર્તવ્યનિષ્ઠા, ઉમદા ગુણો વગેરે જેવા શબ્દો કેવળ તેના અર્થનાં આંશિક ભાગને વર્ણવે છે. ધર્મ  શબ્દ મૂળ શબ્દ ધ્રી  પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે, ધારણ કરવા યોગ્ય અથવા તો “ઉત્તરદાયિત્ત્વ, કર્તવ્યો, વિચારો અને કર્મો જે આપણા માટે ઉચિત છે.” ઉદાહરણ તરીકે, આત્માનો ધર્મ ભગવાનને પ્રેમ કરવાનો છે. આ આપણા અસ્તિત્વનો કેન્દ્રીય સિદ્ધાંત છે.

સ્વ પ્રત્યયનો અર્થ છે, ‘સ્વયં’. આ પ્રમાણે, સ્વ-ધર્મ એ આપણો અંગત ધર્મ છે જે આપણા જીવનના સંદર્ભ, સ્થિતિ, પરિપકવતા અને વ્યવસાયને લાગુ પડે છે. જેમ આપણા જીવનમાં સંદર્ભ બદલાય છે અને આપણે આધ્યાત્મિક વિકાસ સાધીએ છીએ, તેમ આ સ્વ-ધર્મમાં પરિવર્તન આવી શકે છે. અર્જુનને તેના સ્વ-ધર્મનું પાલન કરવાનું કહેતી વખતે શ્રીકૃષ્ણ તેને તેના વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરવાનું કહે છે. અન્ય વ્યક્તિ અલગ ધર્મનું આચરણ કરે છે, તેથી પોતાનો ધર્મ બદલી નાખવાની ના પાડે છે.

કોઈ અન્ય જેવા હોવાનો ઢોંગ કરવા કરતાં પોતાની સહજતામાં રહેવું અધિક આનંદપ્રદ છે. જે કર્તવ્યો આપણી પ્રકૃતિમાંથી જન્મ્યાં છે તેમનું પાલન મનની સ્થિરતા સાથે સરળતાથી થઈ શકે છે. અન્યના કર્તવ્યો દૂરથી કદાચ આકર્ષિત લાગે અને આપણને તેનો અંગીકાર કરવાનો વિચાર પણ આવે, પરંતુ એમ કરવું જોખમકારક છે. જો તે આપણી પ્રકૃતિને પ્રતિકૂળ હશે તો તેઓ આપણા મન, ઇન્દ્રિય અને બુદ્ધિમાં અસામંજસ્ય ઉત્પન્ન કરશે. આ આપણી ચેતના માટે વિઘાતક બની રહેશે અને આધ્યાત્મિક માર્ગ પરની આપણી પ્રગતિમાં બાધક બની રહેશે. શ્રીકૃષ્ણ આ વિષય પર નાટ્યાત્મક શૈલીથી ભાર મૂકતાં કહે છે કે અન્યના કર્તવ્યો કરવાની અપ્રાકૃતિક અવસ્થામાં ફસાવા કરતાં પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા-કરતા મૃત્યુ પામવું અધિક શ્રેયસ્કર છે.