Bhagavad Gita: Chapter 3, Verse 42

ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરં મનઃ ।
મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ ॥ ૪૨॥

ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયોને; પરાણિ—શ્રેષ્ઠ; આહુ—કહેવાય છે; ઇન્દ્રિયેભ્ય:—ઇન્દ્રિયોથી વધારે; પરમ્—શ્રેષ્ઠ; મન—મન; મનસ:—મનથી વધારે; તુ—પણ; પરા—શ્રેષ્ઠ; બુદ્ધિ:—બુદ્ધિ; ય:—જે; બુદ્ધે:—બુદ્ધિથી વધુ; પરત:—શ્રેષ્ઠ; તુ—પરંતુ; સ:—તે (આત્મા).

Translation

BG 3.42: સ્થૂળ શરીર કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન અધિક શ્રેષ્ઠ છે. મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠતર આત્મા છે.

Commentary

નિમ્ન તત્ત્વ, ઉચ્ચ તત્ત્વથી નિયંત્રિત થાય છે. શ્રીકૃષ્ણ, આપણને ભગવાન દ્વારા પ્રદત્ત સાધનોનું શ્રેષ્ઠતાની દૃષ્ટિએ વર્ગીકરણ કરે છે. તેઓ વર્ણન કરતાં કહે છે કે શરીર સ્થૂળ તત્ત્વોનું બનેલું છે; તેનાથી શ્રેષ્ઠતર પાંચ જ્ઞાનેન્દ્રિયો છે (જે સ્વાદ, સ્પર્શ, દૃશ્ય, ગંધ, અને ધ્વનિને ગ્રહણ કરે છે); ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન છે; મન કરતાં બુદ્ધિ-તેની વિવેક શક્તિને  કારણે-અધિક શ્રેષ્ઠ છે; પરંતુ બુદ્ધિથી પણ અધિક શ્રેષ્ઠ અને પરે દિવ્ય આત્મા છે.

આ અધ્યાયના અંતિમ શ્લોકમાં સ્પષ્ટ કર્યા મુજબ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિની શ્રેષ્ઠતાના આ અનુક્રમના જ્ઞાનનો ઉપયોગ કામને મૂળથી નાબૂદ કરવા માટે કરી શકાય.