Bhagavad Gita: Chapter 3, Verse 30

મયિ સર્વાણિ કર્માણિ સન્ન્યસ્યાધ્યાત્મચેતસા ।
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ ॥ ૩૦॥

મયિ—મારામાં; સર્વાંણિ—સર્વ; કર્માણિ—કર્મો; સન્ન્યસ્ય—સર્વથા પરિત્યાગ કરીને; અધ્યાત્મ-ચેતસા—ભગવાનમાં સ્થિત ભાવનાથી; નિરાશી:—કર્મોના ફળોની લાલસાથી મુક્ત; નિર્મમ:—સ્વામીત્વની ભાવનાથી રહિત; ભૂત્વા—થઈને; યુદ્ધસ્વ—યુદ્ધ કર; વિગત-જવર:—માનસિક તાપ વિના.

Translation

BG 3.30: સર્વ કર્મોને મને સમર્પિત કરીને, નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને, યુદ્ધ કર!

Commentary

તેમની વિલક્ષણ શૈલીમાં શ્રીકૃષ્ણ સમગ્ર વિષયની છણાવટ કરે છે અને પશ્ચાત્ નિષ્કર્ષ પ્રસ્તુત કરે છે. અધ્યાત્મ ચેતસા  અર્થાત્ ‘ભગવાનમાં સ્થિત ભાવના સાથે’, સંન્યસ્ય અર્થાત્ ‘ભગવાનને સમર્પિત ન હોય એવી સર્વ પ્રવૃત્તિઓનો પરિત્યાગ’, નિરાશી: અર્થાત્ ‘કર્મના ફળોની લાલસાથી રહિત’. સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરવાની ચેતનાના વિકાસ માટે સ્વામીત્વના દાવાનો પરિત્યાગ અને અંગત લાભ પ્રાપ્ત કરવાની કામના, લાલસા તેમજ શોકનો ત્યાગ કરવો આવશ્યક છે.

અગાઉના શ્લોકના ઉપદેશનો સારાંશ એ છે કે મનુષ્યે અતિ શ્રદ્ધાપૂર્વક મનન કરવું જોઈએ કે, “મારો આત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણનો એક અતિ સૂક્ષ્મ અંશ છે. તેઓ સર્વના સ્વામી અને ભોક્તા છે. મારાં પ્રત્યેક કર્મો તેમના સુખના નિમિત્તે છે અને આ પ્રમાણે, મારે મારાં કર્તવ્યોનું પાલન તેમને સમર્પિત યજ્ઞ કે ત્યાગની ભાવનાથી કરવું જોઈએ. તેઓ દ્વારા પ્રદાન થયેલી શક્તિથી હું યજ્ઞનું કાર્ય સંપન્ન કરું છું. તેથી, મારા દ્વારા થયેલાં કાર્યો માટે હું યશનો અધિકારી નથી.”