નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન ।
ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ ॥ ૧૮॥
ન—નહીં; એવ—નિશ્ચિત; તસ્ય—તેનું; કૃતેન—કર્તવ્ય પાલનથી; અર્થ:—પ્રાપ્તિ; ન—નહીં; અકૃતેન—કર્તવ્ય પાલન ન કરવાથી; ઇહ—અહીં; કશ્ચન—કંઈ પણ; ન—કદાપિ નહીં; ચ—અને; અસ્ય—તે મનુષ્યનું; સર્વ-ભૂતેષુ—સર્વ પ્રાણીઓમાં; કશ્ચિત્—કોઈ પણ; અર્થ—આવશ્યકતા; વ્યપાશ્રય:—નો આશ્રય લેવાનો.
Translation
BG 3.18: આવા આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમનાં કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ન તો તેમને તેમની સ્વાર્થપૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે.
Commentary
આવી આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલી વિભૂતિઓ આત્માની અલૌકિક અવસ્થામાં સ્થિત હોય છે. તેમની પ્રત્યેક પ્રવૃત્તિઓ ભગવદ્-સેવામાં દિવ્ય બની જાય છે. અત: સાંસારિક મનુષ્યો માટે શારીરિક અવસ્થાએ વર્ણાશ્રમ ધર્મને અનુરૂપ નિયત કરેલાં કર્મો તેમને લાગુ પડતા નથી.
અહીં, કર્મ અને ભક્તિ વચ્ચેનો તફાવત સમજવો આવશ્યક છે. અગાઉ, શ્રીકૃષ્ણ કર્મ (નિયત સાંસારિક કર્તવ્યો) અંગે ઉપદેશ આપી રહ્યા હતા કે, ભગવાનને સમર્પિત કરીને તેમનું પાલન કરવું જોઈએ. આ મનની શુદ્ધિ માટે આવશ્યક છે તેમજ સાંસારિક વિકારોથી ઉપર ઊઠવામાં સહાયતા કરે છે. પરંતુ, આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલ આત્માઓ ભગવાનમાં તન્મય થઈ ગયા હોય છે અને પરિણામે મનની શુદ્ધિનો વિકાસ પણ કરી ચૂક્યા હોય છે. આવા પ્રબુદ્ધ સંતો ધ્યાન, પ્રાર્થના, કીર્તન, ગુરૂ-સેવા જેવી શુદ્ધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અર્થાત્ ભક્તિમાં પ્રત્યક્ષ રીતે વ્યસ્ત રહે છે. જો આવા આત્માઓ તેમના સાંસારિક કર્તવ્યોથી વિમુખ રહે છે તો તેને પાપ માનવામાં આવતું નથી. જો તેઓ ઈચ્છે તો સાંસારિક કર્તવ્યોનું પાલન કરવાનું ચાલુ રાખી શકે છે, પરંતુ તે માટે તેઓ બાધિત હોતા નથી.
ઐતિહાસિક રીતે, સંતો બે પ્રકારના હોય છે.
૧.પ્રહલાદ્, ધ્રુવ, અંબરીષ, પૃથુ, અને વિભીષણ કે જેમણે ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કર્યા પશ્ચાત્ પણ તેમના સાંસારિક કર્તવ્યોનું પાલન કરવાનું ચાલુ રાખ્યું. આ કર્મયોગીઓ હતા—બાહ્ય રીતે તેઓ શરીરથી તેમનાં કર્તવ્યોનું પાલન કરતા હતાં અને આંતરિક રીતે તેમનું મન ભગવાનમાં અનુરક્ત રહેતું.
૨. શંકરાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ કે જેમણે સાંસારિક કર્તવ્યોનો અસ્વીકાર કર્યો અને વિરક્ત જીવનનો સ્વીકાર કર્યો હતો. તેઓ કર્મ સંન્યાસી હતા, જેઓ આંતરિક અને બાહ્ય બંને દૃષ્ટિએ, શારીરિક અને માનસિક બંને રીતે ભગવદ્-ભક્તિમાં પરાયણ હતા. આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, આત્મ-સાક્ષાત્કાર થયેલ સંત માટે બંને વિકલ્પો અસ્તિત્વમાન છે. હવે તેઓ આગામી શ્લોકમાં સ્પષ્ટ કરે છે કે તેઓ આ બંનેમાંથી કયા વિકલ્પની પસંદગી કરવાની અર્જુનને ભલામણ કરશે.