યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ ।
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ ૧૭॥
ય:—જે; તુ—પરંતુ; આત્મરતિ:—આત્મામાં જ આનંદ માણતો; એવ—નિશ્ચિત; સ્યાત્—છે; આત્મતૃપ્ત:—આત્મસંતુષ્ટ; ચ—અને; માનવ:—મનુષ્ય; આત્મનિ—પોતાની અંદર; એવ—નિશ્ચિત; ચ—અને; સંતુષ્ટ:—પૂર્ણપણે સંતુષ્ટ; તસ્ય—તેનું; કાર્યમ્—કર્તવ્ય; ન—નથી; વિદ્યતે—રહેતું.
Translation
BG 3.17: પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મ-પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મ-સંતુષ્ટ હોય છે, તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી.
Commentary
કેવળ એ લોકો જેમણે બાહ્ય પદાર્થની કામનાઓ ત્યાગી દીધી છે, તેઓ જ આનંદિત અને આત્મ-સંતુષ્ટ રહી શકે છે. સાંસારિક કામનાઓ બંધનનું મૂળ છે, “આ થવું જોઈએ, આ ના થવું જોઈએ.” શ્રીકૃષ્ણ આ અધ્યાયમાં આગળ (૩.૩૭માં) થોડું વિસ્તારથી સમજાવે છે કે કામનાઓ બધા પાપનું કારણ છે; તેથી તેનો ત્યાગ કરી દેવો જોઈએ. પૂર્વે (૨.૬૪નાં ભાવાર્થમાં) સમજાવ્યું છે તેમ, મનમાં સદૈવ ધ્યાન રહે કે જયારે-જયારે શ્રીકૃષ્ણ ઉપદેશ આપે છે કે, આપણે કામનાઓનો ત્યાગ કરવો જોઈએ, ત્યારે તેમનું તાત્પર્ય સાંસારિક કામનાઓ અંગે છે અને આધ્યાત્મિક ઉન્નતિની મહત્વાકાંક્ષા કે ભગવદ્-પ્રાપ્તિની ઈચ્છા અંગે નથી.
સૌ પ્રથમ સાંસારિક કામનાઓ શા માટે ઉત્પન્ન થાય છે? જયારે આપણે સ્વયંને શરીર માનીએ છીએ, ત્યારે આપણે શરીર અને મનની ઉત્કંઠાઓને આત્માની કામના માનવાની ભૂલ કરી લઈએ છે અને આ ધારણા આપણને માયાના ક્ષેત્રમાં ધકેલી દે છે. સંત તુલસીદાસ કહે છે:
જિબ જિબ તે હરિ તે બિલગાનો તબ તે દેહ ગેહ નિજ માન્યો,
માયા બસ સ્વરૂપ બિસરાયો તેહિ ભ્રમ તે દારુણ દુઃખ પાયો.
“જયારે આત્મા પોતાને ભગવાનથી વિમુખ કરે છે ત્યારે માયાશક્તિ તેને ભ્રમનાં આવરણથી ઢાંકી દે છે. આ જ ભ્રમના કારણે, તે સ્વયંને શરીર માનવાનું આરંભ કરે છે અને ત્યારથી સ્વના વિસ્મરણને કારણે તેણે દારુણ દુ:ખ સહન કરવું પડે છે.”
જેઓ જ્ઞાની છે તેઓ અનુભવ કરે છે કે સ્વનું સ્વરૂપ માયિક નથી, પરંતુ દિવ્ય છે અને તેથી તે અવિનાશી છે. સંસારના નશ્વર પદાર્થો અવિનાશી આત્માની પિપાસાને સંતુષ્ટ કરી શકતા નથી અને તેથી જ, આ ઇન્દ્રિયજન્ય વિષયોની ઝંખના સેવવી એ મૂર્ખાઈ છે. આ પ્રમાણે, આત્મજ્ઞાની મનુષ્ય તેમની ચેતનાનો ભગવાન સાથે એકાકાર કરતાં શીખે છે તેમજ તેમની અંદર જ ભગવાનના અસીમ આનંદની અનુભૂતિ કરે છે.
જે કર્મો માયાબદ્ધ જીવાત્મા માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે તે આવા સિદ્ધાવસ્થા પ્રાપ્ત મનુષ્યને લાગુ પડતા નથી, કારણ કે તેઓ આ કર્મોથી પ્રાપ્ત થતા ધ્યેયને પાર કરી ચૂક્યા હોય છે. ઉદાહરણ તરીકે, જ્યાં સુધી કોઈ કૉલેજનો વિદ્યાર્થી હોય ત્યાં સુધી તેણે વિશ્વવિદ્યાલયના નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે; પરંતુ જયારે તે ગ્રેજ્યુએટ થઈને ડીગ્રી મેળવી લે છે તત્પશ્ચાત્ તેના માટે આ નિયમ અસંગત બની જાય છે. આવાં મુક્ત આત્માઓ માટે કહેવાય છે કે, “બ્રહ્મવિત્ શ્રુતિ મૂર્ધ્ની” અર્થાત્, “જેમણે ભગવાન સાથે સ્વયંનું ઐક્ય સ્થાપિત કરી લીધું છે, તેઓ વેદોના માથા પર ચાલે છે.” એટલે કે હવે તેમને વેદોનાં નિયમોનું પાલન કરવું આવશ્યક હોતું નથી.
વેદોનું લક્ષ્ય આત્માનું ભગવાન સાથે જોડાણ સાધવાનું હોય છે. એક વખત આત્મા ભગવદ્-પ્રાપ્ત થઈ જાય છે, તત્પશ્ચાત્ વેદોનાં નિયમો કે જે આત્માને આ નિર્ધારિત સ્થાન સુધી પહોંચવામાં સહાયરૂપ થયા હતા, હવે તેને લાગુ પડતા નથી; આત્મા તેમનાં આ ક્ષેત્રાધિકારને પાર કરી લે છે. ઉદાહરણ તરીકે, ગોર-મહારાજ એક પુરુષ અને સ્ત્રીને લગ્નવિધિથી લગ્ન-બંધનમાં બાંધે છે. લગ્નવિધિ પૂર્ણ થતાં જ તે કહે છે, “હવે તમે પતિ-પત્ની છો, હું જાઉં છું.” તેમનું કાર્ય પૂર્ણ થઈ ગયું. જો પત્ની કહે કે, “પંડિતજી, તમે લગ્નવિધિ દરમ્યાન અમારી પાસે જે વચનો લેવડાવ્યાં હતાં, તેનું પાલન મારા પતિ કરતા નથી. પંડિતજી ઉત્તર આપે છે કે, તે મારા અધિકારક્ષેત્રમાં નથી. મારું કર્તવ્ય તમને બંનેને લગ્નવિધિથી જોડવાનું હતું અને તે કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે.” એ જ પ્રમાણે, વેદો આત્માનું પરમાત્મા સાથે જોડાણ કરવા માટે સહાયરૂપ થાય છે. જયારે ઈશ્વર-સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે વેદોનું કાર્ય સંપન્ન થઈ જાય છે. આવો પ્રબુદ્ધ આત્મા વૈદિક કર્તવ્યોનું પાલન કરવા બાધિત રહેતો નથી.