તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ ।
પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ્ ॥ ૪૧॥
તસ્માત્—માટે; ત્વમ્—તું; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયોને; આદૌ—પ્રારંભથી; નિયમ્ય—નિયમનમાં રાખીને; ભરત-ઋષભ—અર્જુન, ભરતવંશીઓમાં શ્રેષ્ઠ; પાપ્માનમ્—પાપી; પ્રજહિ—દમન; હિ—નિશ્ચિત; એનમ્—આ; જ્ઞાન—જ્ઞાન; વિજ્ઞાન—શુદ્ધ આત્માનું વાસ્તવિક જ્ઞાન; નાશનમ્—નાશ કરનાર.
Translation
BG 3.41: આથી, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઈન્દ્રિયોનું નિયમન કરીને આ કામનારૂપી શત્રુનો વધ કરી દે, જે પાપનું પ્રતિક છે અને જ્ઞાન તથા આત્મ-સાક્ષાત્કારનો વિનાશ કરે છે.
Commentary
હવે, શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ દુષ્ટતાના મૂળ સમાન કામ પર કેવી રીતે વિજય મેળવવો, જે માનવ ચેતના માટે અતિ વિનાશક છે. કામનાના ભંડારની ઓળખ આપીને શ્રીકૃષ્ણ અર્જુનને પ્રારંભથી જ ઇન્દ્રિયોની કામનાઓને નિયંત્રિત કરવાનું કહે છે. તેનાં ઉદ્ભવની અનુમતિ આપવી એ આપણા દુઃખોનું કારણ છે, જયારે તેને દૂર કરવી એ શાંતિનો માર્ગ છે.
એક ઉદાહરણ દ્વારા આ વિષય સમજીએ. રમેશ અને દિનેશ નામના બે વિદ્યાર્થીઓ છાત્રાલયના એક જ ઓરડામાં રહેતા હતા. રાત્રિના દસ વાગે રમેશને ધૂમ્રપાન કરવાની ઈચ્છા જાગૃત થઈ. તેણે કહ્યું, “મને ધૂમ્રપાન કરવાની તીવ્ર ઈચ્છા થઇ છે.” દિનેશે ઉત્તર આપ્યો, “અત્યારે ઘણી મોડી રાત થઇ ગઈ છે. ધૂમ્રપાન કરવાનું ભૂલીને સૂઈ જા.” “ના...ના...હું ત્યાં સુધી સૂઈ નહીં શકું, જ્યાં સુધી હું એક સિગરેટનો એક કશ નહીં લઉં.” રમેશે કહ્યું. દિનેશ નિદ્રાધીન થઈ ગયો અને રમેશ સિગરેટની શોધમાં બહાર નીકળ્યો. સમીપની જે દુકાન હતી, તે બંધ થઈ ગઈ હતી. બે કલાકના અંતે તે સિગારેટ લઈને છાત્રાલયમાં પાછો ફર્યો અને ધૂમ્રપાન કર્યું.
સવારે, દિનેશે તેને પૂછયું, “રમેશ, તું રાત્રે ક્યારે સૂતો?” “અડધી રાતે.” “ખરેખર! એનો અર્થ કે તું ધૂમ્રપાન માટે બે કલાક સુધી વ્યાકુળ રહ્યો અને જયારે તે ધૂમ્રપાન કર્યું ત્યારે તું તારી એ જ મનોદશા સાથે પાછો ફર્યો, જે મનોદશા ૧૦ વાગ્યે હતી.” “ તારો કહેવાનો અર્થ શું છે?” રમેશે પૂછયું. “જો, દસ વાગ્યે તને ધૂમ્રપાનની કોઈ ઈચ્છા ન હતી અને તું સ્વસ્થ હતો. પશ્ચાત્ તે પોતે આ કામના ઉદ્દીપ્ત કરી. દસ વાગ્યાથી અડધી રાત્રિ સુધી તું ધૂમ્રપાન કરવા માટે તડપતો રહ્યો. અંતે, જયારે તે ધૂમ્રપાન કર્યું, જે રોગ તે પોતે ઉત્પન્ન કર્યો હતો, તે શાંત થયો ત્યારે તું સૂઈ શક્યો. બીજી બાજુ, મેં કોઈ ઈચ્છા ઉત્પન્ન કરી જ ન હતી અને તેથી દસ વાગ્યે જ શાંતિથી સૂઈ ગયો.”
આ પ્રમાણે, આપણે શરીરની ઇન્દ્રિયોના વિષય ભોગની કામનાઓ ઉત્પન્ન કરીએ છીએ અને પશ્ચાત્ તેના માટે વ્યાકુળ થઈ જઈએ છીએ. જયારે આપણને આ કાલ્પનિક વિષયની પ્રાપ્તિ થાય છે ત્યારે સ્વયં આપણે ઉત્પન્ન કરેલો મનોરોગ નાબૂદ થાય છે અને આપણે તેને સુખ માની લઈએ છીએ. જો આપણે આપણી જાતને આત્મા માનતા હોઈએ અને આપણો એકમાત્ર ઉદ્દેશ્ય આત્માનું સુખ હોય તો આવી સાંસારિક કામનાઓનો ત્યાગ કરવો સરળ બની જાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને તેમાં નિવાસ કરતા કામનો સંહાર કરવાનું કહે છે. આગામી શ્લોકમાં જણાવ્યા અનુસાર, આમ કરવા માટે આપણે ભગવાન દ્વારા પ્રદત્ત ઉચ્ચતર સાધનોનો ઉપયોગ કરવો પડશે.