ધૂમેનાવ્રિયતે વહ્નિર્યથાદર્શો મલેન ચ ।
યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ્ ॥ ૩૮॥
ધૂમેન—ધુમાડાથી; આવ્રિયતે—ઢંકાઈ જાય છે; વહ્નિ—અગ્નિ; યથા—જેમ; આદર્શ:—દર્પણ; મલેન—ધૂળથી; ચ—અને; યથા—જેમ; ઉલ્બેન—ગર્ભાશય દ્વારા; આવૃત:—ઢંકાયેલો હોય છે; ગર્ભ:—ભ્રુણ; તથા—તેવી રીતે; તેન—તે (કામના) દ્વારા; ઈદમ્—આ; આવૃતમ્—ઢંકાયેલું છે.
Translation
BG 3.38: જેવી રીતે અગ્નિ ધૂમાડાથી આવૃત હોય છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભૃણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે.
Commentary
શું ઉચિત છે અને શું અનુચિત છે, તેના જ્ઞાનને વિવેક કહેવાય છે. આ વિવેક, બુદ્ધિમાં નિવાસ કરે છે. પરંતુ કામ એ એક એવો પ્રચંડ પ્રતિસ્પર્ધી છે કે તે બુદ્ધિની વિવેકક્ષમતાને ઘેરી વળે છે. શ્રીકૃષ્ણ આ વિભાવનાને સમજાવવા ત્રણ શ્રેણીનાં ઉદાહરણો આપે છે. અગ્નિ, જે પ્રકાશનો સ્ત્રોત છે, તે ધૂમાડાથી ઢંકાઈ જાય છે. આ આંશિક આચ્છાદિતતા એ સાત્વિક કામનાઓને કારણે સર્જાતા પાતળા વાદળ સમાન છે. દર્પણ, જે સ્વાભાવિક રીતે જ પ્રતિબિંબાત્મક હોય છે, તે ધૂળથી ઢંકાઈ જાય છે. આ અર્ધ અપારદર્શકતા એ બુદ્ધિ પર રાજસિક કામનાઓના મહોરાની અસર સમાન છે અને ભૃણ ગર્ભાશયથી આવૃત હોય છે. આ સંપૂર્ણ અપારદર્શકતા એ તામસિક કામનાઓના પરિણામે થતા વિવેકબુદ્ધિના વિધ્વંસ સમાન છે. તેવી જ રીતે, આપણી કામનાઓ જે શ્રેણીમાં હોય છે તે પ્રમાણે આપણા સાંભળેલા કે વાંચેલા આધ્યાત્મિક જ્ઞાન ઉપર તેનું આવરણ આવી જાય છે.
આ વિષયને સમજાવવા માટે એક અતિ સુંદર પ્રતીકાત્મક કથા છે. એક માણસને સંધ્યા સમયે જંગલના રસ્તે ચાલવા નીકળવાની આદત હતી. એક સાંજે, તેણે જંગલમાં ફરવા જવાનો નિશ્ચય કર્યો. તે થોડાક માઈલ ચાલ્યો હશે, ત્યાં સૂર્યાસ્ત થવા લાગ્યો અને પ્રકાશ ઝાંખો પડવા લાગ્યો. તે જંગલમાંથી બહાર નીકળી જવા માટે પાછો ફર્યો, પણ તેના બદનસીબે તેણે જોયું કે બીજી બાજુ પ્રાણીઓ એકત્રિત થયેલાં હતાં. આ વિકરાળ પ્રાણીઓએ તેનો પીછો કરવાનું શરુ કર્યું અને તેમનાથી બચવા તે જંગલમાં અધિક અંદર તરફ દોડવા લાગ્યો. દોડતાં દોડતાં તેણે જોયું તો એક ડાકણ હાથ ફેલાવીને તેને બાથ ભીડવા માટે ઊભી હતી. તેનાથી બચવા તેણે દિશા બદલી નાખી અને પ્રાણીઓ તથા ડાકણ સિવાયની ત્રીજી દિશામાં દોડવા લાગ્યો. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું. જોવાની અક્ષમતાને કારણે તે વૃક્ષ પર લટકતી વેલીઓથી આચ્છાદિત એક ખાડા તરફ ભાગ્યો અને તેમાં પડયો. તેનું માથું ભટકાયું અને તેના પગ વેલીઓમાં ફસાઈ ગયા. પરિણામે, તે ખાડા ઉપર ઊંધો લટકવા લાગ્યો. થોડી ક્ષણો પશ્ચાત્ જયારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે જોયું કે એક સાપ ખાડાના તળિયે બેઠો છે અને જો તે નીચે પડે તો તેને ડંખવાની પ્રતીક્ષા કરે છે. એ દરમ્યાન બે ઉંદરો દૃશ્યમાન થયા—એક શ્વેત અને એક શ્યામ—અને તેઓ એ ડાળને ખોતરવા લાગ્યા જેની સાથે તે લટકતો હતો તે વેલ બંધાયેલી હતી. તેની આ મુશ્કેલીમાં ઉમેરો કરવા કેટલીક ભમરીઓ ભેગી થઈને તેના ચહેરા પર ડંખવા લાગી. આવી ભયજનક પરિસ્થિતમાં, જોવા મળ્યું કે તે માણસ હસતો હતો. કેટલાંક તત્ત્વજ્ઞાનીઓ ત્યાં એ જાણવા એકત્રિત થયા કે તે આવા દારુણ સંકટમાં કેવી રીતે હસી શકતો હતો? તેમણે ઉપર જોયું તો એક મધપૂડો હતો, જેમાંથી મધ તેની જીહ્વા ઉપર ટપકી રહ્યું હતું. તે આ મધ ચાટી રહ્યો હતો અને વિચારતો હતો કે આ કેટલું સુખપ્રદ છે? તે પ્રાણીઓ, ડાકણ, સાપ, ઉંદરો અને ભમરીઓ બધાને ભૂલી ગયો હતો.
આ કથાનો માણસ આપણને ગાંડો લાગે. પરંતુ, આ કથા કામનાઓના પ્રભાવ હેઠળ રહેલા બધા મનુષ્યોની સ્થિતિ દર્શાવે છે. જંગલ કે જેમાં તે માણસ ફરી રહ્યો હતો તે આ માયિક સંસારનું પ્રતિક છે જ્યાં દરેક પગલે ભય છે. જે પ્રાણીઓ તેનો પીછો કરી રહ્યાં હતાં તે રોગોના દ્યોતક છે, જે આપણા જીવનમાં પ્રવેશે છે અને પશ્ચાત્ મૃત્યુ સુધી આપણને કષ્ટ પ્રદાન કરે છે. ડાકણ વૃદ્ધાવસ્થાનું પ્રતિક છે, જે સમયાંતરે આપણને બાથ ભીડવાની પ્રતિક્ષા કરી રહી છે. ખાડાના તળિયે બેઠેલો સાપ એ અનિવાર્ય મૃત્યુ સમાન છે, જે આપણા સૌની પ્રતિક્ષા કરી રહ્યું છે. સફેદ અને કાળો ઉંદર જે ડાળીને કોતરી રહ્યા હતા તે દિવસ અને રાત્રિના પ્રતિક છે, કે જે નિયમિત આપણું આયુષ્ય ઓછું કરી રહ્યા છે અને આપણને મૃત્યુની સમીપ લઈ જઈ રહ્યા છે. ચહેરા પર ડંખતી ભમરીઓ અસંખ્ય કામનાઓ સમાન છે, જે મનમાં ઉત્પન્ન થાય છે, તેને વ્યાકુળ કરી દે છે અને જેને કારણે આપણે પીડા અને દુ:ખ ભોગવીએ છીએ. મધ સંસારના ઇન્દ્રિય વિષયસુખ સમાન છે, જે આપણી બુદ્ધિની વિવેકક્ષમતાને ધૂંધળી કરી દે છે. આમ, આપણી ભયજનક દુર્દશાનું વિસ્મરણ કરીને આપણે ઇન્દ્રિય વિષયોના અલ્પકાલીન સુખો ભોગવવામાં લીન રહીએ છીએ. શ્રીકૃષ્ણ કહે છે કે આ પ્રકારની વાસનાયુક્ત કામના, આપણી વિવેકક્ષમતા પર આચ્છાદિત થઈને તેને ધૂંધળી કરી દેવા માટે ઉત્તરદાયી છે.