એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના ।
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ॥ ૪૩॥
એવમ્—આ રીતે; બુદ્ધે:—બુદ્ધિથી; પરમ્—શ્રેષ્ઠ; બુદ્ધ્વા—જાણીને; સંસ્તભ્ય—સ્થિર કરીને; આત્માનમ્—ઇન્દ્રિય, મન, બુદ્ધિ; આત્મના—આત્મા દ્વારા; જહિ—વધ કરવો; શત્રુમ્—શત્રુને; મહાબાહો—બળવાન ભુજાઓવાળા; કામરૂપમ્—કામરૂપી; દુરાસદમ્—દુર્જય.
Translation
BG 3.43: હે મહાબાહુ અર્જુન! આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વ (ઇન્દ્રિય,મન અને બુદ્ધિ)ને સ્વ (આત્માની શક્તિ) દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જેય શત્રુનો વધ કર.
Commentary
ઉપસંહાર કરતાં, શ્રી કૃષ્ણ ભાર મૂકે છે કે આપણે ‘સ્વ’નું જ્ઞાન મેળવીને આ કામ નામના શત્રુનો વધ કરવો જોઈએ. કારણ કે આત્મા ભગવાનનો અંશ છે તેથી તે પ્રાકૃતિક રીતે દિવ્ય છે. આથી, જે દિવ્યાનંદ માટે એ ઉત્કંઠા સેવે છે તે કેવળ દિવ્ય વિષયથી જ પ્રાપ્ત થશે, જયારે સંસારના બધા વિષયો માયિક છે. આ માયિક વિષયો કદાપિ આત્માની જન્મગત મહેચ્છાને પૂર્ણ કરી શકશે નહીં અને તેથી જ તેમના અંગે કામનાઓ ઉત્પન્ન કરવી નિરર્થક છે. આપણે બુદ્ધિને આ પ્રમાણે ક્રિયાશીલ કરીને કેળવવી જોઈએ અને પશ્ચાત્ તેનો ઉપયોગ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા કરવો જોઈએ.
આ વિષય કઠોપનિષદ્ માં એક રથના પ્રતિક દ્વારા અતિ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે:
આત્માનઁ રથિનં વિદ્ધિ શરીરઁ રથમેવ તુ
બુદ્ધિં તુ સારથિં વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ
ઇન્દ્રિયાણિ હયાનાહુર્વિષયાઁ સ્તેષુ ગોચરાન્
આત્મેન્દ્રિયમનોયુક્તં ભોક્તેત્યાહુર્મનીષિણઃ (૧.૩.૩–૪)
ઉપનિષદ્ કહે છે કે એક રથ છે, જેને પાંચ ઘોડાઓ ખેંચી રહ્યા છે; ઘોડાઓના મુખ પર લગામ બાંધેલી છે, જે સારથિના હાથમાં છે; પ્રવાસી રથના પાછળના ભાગમાં બેઠો છે. વાસ્તવમાં, પ્રવાસીએ સારથિને સૂચના આપવી જોઈએ; જે એ પ્રમાણે લગામનું નિયંત્રણ કરે અને ઘોડાઓને ઉચિત દિશામાં જવા માટે માર્ગદર્શન આપે. પરંતુ, અહીં, પ્રવાસી નિદ્રાધીન છે અને તેથી ઘોડાઓ સ્વયં નિયંત્રણ કરી રહ્યા છે.
આ સાદૃશ્યમાં શરીર એ રથ છે; ઘોડાઓ પાંચ ઇન્દ્રિયો છે; ઘોડાઓના મુખમાં રહેલી લગામ એ મન છે, સારથિ બુદ્ધિ છે અને પાછળ બેઠેલો પ્રવાસી એ શરીરમાં નિવાસ કરતો આત્મા છે. ઇન્દ્રિયો (ઘોડાઓ) સુખપ્રદ વિષયોની કામના કરે છે. મન (લગામ) ઇન્દ્રિયો (ઘોડાઓ)ને નિયંત્રિત કરવા અભ્યસ્ત નથી. બુદ્ધિ (સારથિ) મનને (લગામ) આત્મસમર્પણ કરી દે છે. તેથી આ માયાબદ્ધ અવસ્થામાં, સંમોહિત થયેલો આત્મા બુદ્ધિને ઉચિત દિશામાં જવા માટે નિર્દેશ કરતો નથી. તેથી, ઇન્દ્રિયો નિર્ણય લે છે કે સારથિએ કઈ દિશામાં જવું જોઈએ. આત્મા, કાલ્પનિક રીતે ઇન્દ્રિયોના સુખોની અનુભૂતિ કરે છે પરંતુ, તે તેને તૃપ્ત કરતા નથી. રથમાં બેઠેલો આ આત્મા, અનંત સમયથી આ માયિક જગતમાં ભ્રમણ કર્યા કરે છે.
પરંતુ, જો આત્મા તેની ઉચ્ચતર પ્રકૃતિ (દિવ્યતા) પ્રત્યે જાગૃત થઈ જાય અને સક્રિય ભૂમિકા ભજવવાનો નિશ્ચય કરે તો તે બુદ્ધિને ઉચિત દિશામાં લઈ જઈ શકે. તત્પશ્ચાત્ બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોનું નિયમન કરશે અને રથ શાશ્વત કલ્યાણની દિશામાં ગતિમાન થશે. આ પ્રમાણે, ઉચ્ચ સ્વ (આત્મા) દ્વારા નિમ્ન સ્વ (ઇન્દ્રિય,મન અને બુદ્ધિ)નું નિયંત્રણ થવું જોઈએ.