ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે ।
એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્ ॥ ૪૦॥
ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; અસ્ય—આ; અધિષ્ઠાનમ્—નિવાસસ્થાન; ઉચ્યતે—કહેવાય છે; એતૈ:—આ સર્વ દ્વારા; વિમોહયતિ—મોહિત કરે છે; એષ:—આ; જ્ઞાનમ્—જ્ઞાન; આવૃત્ય—ઢાંકીને; દેહિનમ્—દેહધારીને.
Translation
BG 3.40: ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યનાં જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે.
Commentary
વાસનાઓના નિવાસસ્થાનનું પ્રકટીકરણ કરીને હવે શ્રીકૃષ્ણ તેનું નિયંત્રણ કરવાની પદ્ધતિ અંગે નિર્દેશ કરે છે. શત્રુ પર આક્રમણ કર્યા પૂર્વે તેના ગઢને શોધી લેવો આવશ્યક છે. આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એવાં સ્થાનો છે, જ્યાં વાસનાઓ આત્મા પર આધિપત્ય મેળવવા કવાયત કરે છે. કામનાઓના પ્રભાવમાં વિષયભોગોની ઇન્દ્રિયો દ્વારા કામના કરવામાં આવે છે, ઇન્દ્રિય મનને મોહિત કરે છે, મન બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે અને બુદ્ધિ તેની વિવેકશક્તિ ગુમાવી દે છે. જયારે બુદ્ધિ ગ્રસિત થઈ જાય છે ત્યારે જીવાત્મા ભ્રમિત થઈને વાસનાઓનો ગુલામ બની જાય છે અને તેની તૃપ્તિ માટે કંઈ પણ કરે છે.
આ સાધનો—ઇન્દ્રિય, મન અને બુદ્ધિ—સ્વયં જરા પણ ખરાબ હોતા નથી. ભગવદ્-પ્રાપ્તિના આશયથી તે આપણને પ્રદાન કરવામાં આવ્યાં છે, પરંતુ આપણે વાસનાઓને તેના વિવિધ રૂપમાં ઇન્દ્રિય, મન, બુદ્ધિને ગ્રસિત કરી લેવાની અનુમતિ આપી દીધી છે. હવે, આપણે આ જ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો સદુપયોગ આપણી ઉન્નતિ માટે કરવાનો છે. આ કેવી રીતે કરવું, તે શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં સ્પષ્ટ કરે છે.