Bhagavad Gita: Chapter 3, Verse 11

દેવાન્ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ ।
પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ ॥ ૧૧॥

દેવાન્—દેવોને; ભાવયતા—પ્રસન્ન કરીને; અનેન—આ (યજ્ઞો) દ્વારા; તે—તેઓ; દેવા:—દેવો; ભાવયન્તુ—પ્રસન્ન થશે; વ:—તમને; પરસ્પરમ્—અરસપરસ; ભાવયન્ત:—એકબીજાને પ્રસન્ન કરીને; શ્રેય:—સમૃદ્ધ; પરમ્—સર્વોપરી; અવાપ્સ્યથ—પ્રાપ્ત કરશે.

Translation

BG 3.11: તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

Commentary

સ્વર્ગના દેવતાઓ બ્રહ્માંડના પ્રશાસનનું અધિકારી તરીકે સંચાલન કરે છે. પરમપિતા પરમેશ્વર બ્રહ્માંડના વ્યવસ્થાપનનું કાર્ય તેમના દ્વારા કરે છે. આ દેવતાઓ માયિક જગતની અંતર્ગત ઉચ્ચ લોક જેને સ્વર્ગલોક કહે છે, તેમાં નિવાસ કરે છે. આ દેવતાઓ ભગવાન નથી; તેઓ આપણી સમાન આત્માઓ જ છે. તેઓ આ વિશ્વનું સંચાલન કરવા માટે આવશ્યક વિશિષ્ટ પદો સંભાળે છે. રાષ્ટ્રની સંઘીય સરકારના ઉદાહરણથી આ સમજી શકાશે. જેમાં રાજ્ય સચિવ, કોષાધ્યક્ષ, સંરક્ષણ સચિવ, એટર્ની જનરલ જેવા અનેક હોદ્દા હોય છે. આ હોદ્દાઓ પર જેમની નિમણૂક થાય છે, તેઓ સીમિત કાર્યકાળ માટે તેમના હોદ્દાનું સ્થાન ગ્રહણ કરે છે. કાર્યકાળ સમાપ્ત થતાં સરકારનું પરિવર્તન થાય છે અને પરિણામે પદાધિકારીઓ પણ બદલાઈ જાય છે. આ જ રીતે, સંસારના પ્રશાસન સંબંધી વિષયો માટે વિવિધ હોદ્દા છે, જેવા કે, અગ્નિદેવ (અગ્નિના દેવતા), વાયુદેવ (વાયુના દેવતા), વરુણદેવ (જળના દેવતા), ઈન્દ્રદેવ (સ્વર્ગ દેવતાઓના રાજા), વગેરે. પૂર્વ જન્મોના ગુણો, સંસ્કારો અને કર્મોને આધારે જીવાત્માઓ આ સ્થાનો નિશ્ચિત સમયાવધિ માટે ગ્રહણ કરે છે અને બ્રહ્માંડના શાસનનું સંચાલન કરે છે. આ સ્વર્ગના દેવતાઓ છે.

વેદોમાં સ્વર્ગીય દેવતાઓની તુષ્ટિ અને પ્રસન્નતા માટે અનેક કર્મકાંડો અને ધાર્મિક વિધિ-વિધાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના વળતર સ્વરૂપે આ દેવતાઓ ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. જો કે, જયારે આપણે આપણા યજ્ઞરૂપી કર્મોનું પાલન ભગવાનની સંતુષ્ટિ અને પ્રસન્નતા માટે કરીએ છીએ ત્યારે સ્વર્ગીય દેવતાઓ સ્વત: પ્રસન્ન થઈ જાય છે. જેવી રીતે, આપણે વૃક્ષના મૂળમાં જળ પીવડાવીએ છીએ તો ત્યારે તે જળ નિશ્ચિત રીતે તેનાં ફળ, ફૂલ, પર્ણ,અને ડાળીઓમાં પહોંચી જાય છે. સ્કંદ પુરાણ કહે છે:

                        અર્ચિતે દેવ દેવેશે શઙ્ખ ચક્ર ગદાધરે

                       અર્ચિતાઃ સર્વે દેવાઃ સ્યુર્ યતઃ સર્વ ગતો હરિઃ

“પરમાત્મા શ્રી વિષ્ણુની ઉપાસના કરવાથી સ્વત: સર્વ સ્વર્ગીય દેવતાઓની ઉપાસના થઈ જાય છે, કારણ કે તેઓ બધા તેમને આવશ્યક શક્તિઓ શ્રી હરિમાંથી જ મેળવે છે.” આમ, યજ્ઞરૂપી કર્મો કરવાથી સ્વાભાવિક રીતે જ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે; જેઓ માયિક પ્રકૃતિના તત્ત્વોનું અનુકૂળ સમાયોજન કરીને જીવો માટે સમૃદ્ધિની વ્યવસ્થા કરે છે.