Bhagavad Gita: Chapter 3, Verse 10

સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ ।
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોઽસ્ત્વિષ્ટકામધુક્ ॥ ૧૦॥

સ:—ની સાથે; યજ્ઞ:—યજ્ઞ; પ્રજા:—સંતાનો; સૃષ્ટ્વા—સર્જન કરીને; પુરા—પ્રાચીન કાળમાં; ઉવાચ—બોલ્યા; પ્રજાપતિ:—બ્રહ્મા; અનેન—આના વડે; પ્રસવિષ્યધ્વમ્—અધિક સમૃદ્ધ થવું; એષ:—આ; વ:—તમારું; અસ્તુ—થાવ; ઇષ્ટ-કામ-ધૂક્—સર્વ ઈચ્છિત વસ્તુઓ આપનાર.

Translation

BG 3.10: સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યોનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું, “આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છશો, તે પ્રદાન કરશે.”

Commentary

આ પ્રકૃતિના સર્વ તત્ત્વો ભગવાનના સર્જનની યોજનાના અભિન્ન અંગો છે. આ સમગ્ર યોજનાના સર્વ તત્ત્વો સ્વાભાવિક રીતે સંપૂર્ણતામાંથી કંઈક લે છે અને ફરીથી તેને પાછું આપે છે. સૂર્ય પૃથ્વીને સ્થિરતા બક્ષે છે અને જીવનના નિર્વાહ અર્થે ઉષ્મા અને પ્રકાશની વ્યવસ્થા કરે છે. પૃથ્વી માટીમાંથી આપણા પોષણ માટે અન્નનું સર્જન કરે છે અને તેના ગર્ભમાં સુસંસ્કૃત જીવનશૈલી માટે આવશ્યક ખનીજો ધારણ કરે છે. વાયુ આપણા શરીરમાં જીવનશક્તિનો સંચાર કરે છે અને ધ્વનિ-શક્તિના પ્રસારણને શક્ય બનાવે છે. આપણે મનુષ્યો પણ ભગવાનના સર્જનની સમગ્ર યોજનાનું અભિન્ન અંગ છીએ. જે વાયુ આપણે શ્વસીએ છીએ, ધરતી-જેના પર આપણે ચાલીએ છીએ, જે જળ આપણે પીએ છીએ, પ્રકાશ-જે આપણા દિવસને અજવાળે છે, આ સર્વ સૃષ્ટિએ આપણને આપેલી બક્ષિસો છે. જે રીતે આપણે નિર્વાહ અર્થે આ સર્વ ઉપહારોનો ઉપયોગ કરીએ છીએ તે રીતે, તે અભિન્ન યોજના પ્રત્યે આપણી પણ કેટલીક ફરજો છે. શ્રીકૃષ્ણ કહે છે કે, ભગવાનની સેવા કરવા માટે આપણે આપણા નિયત કાર્યોના પાલન દ્વારા પ્રકૃતિની સર્જનાત્મક શક્તિઓમાં ભાગ લેવા માટે કૃતજ્ઞ છીએ. તેઓ આપણી પાસે એવા યજ્ઞની અપેક્ષા રાખે છે.

અહીં હાથનું ઉદાહરણ યથાર્થ રીતે લાગુ પડે છે. તે શરીરનો અભિન્ન ભાગ છે. તે તેનું પોષણ—રક્ત,પ્રાણવાયુ,પોષક્દ્રવ્યો વગેરે—શરીરમાંથી મેળવે છે અને વળતરરૂપે તે શરીર માટે આવશ્યક કાર્યો કરે છે. જો હાથ આ સેવાને બોજારૂપ માને અને નિર્ણય કરે કે, તે પોતાનો શરીરથી વિચ્છેદ કરી દેશે, તો તે પોતે થોડી ક્ષણો માટે પણ જીવિત નહિ રહી શકે. શરીર પ્રત્યેના આ યજ્ઞનું પાલન કરવામાં જ હાથની પોતાની સ્વાર્થપૂર્તિ થાય છે. બરાબર આવી જ રીતે, આપણે જીવાત્માઓ પરમાત્માના અતિ સૂક્ષ્મ અંશો છીએ અને આપણા બધાની આ ભવ્ય યોજનામાં એક ચોક્કસ ભૂમિકા રહેલી છે. જયારે આપણે યજ્ઞ તરીકે આપણા સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરીએ છીએ, તો સ્વાભાવિકરૂપે આપણા સ્વાર્થની તુષ્ટિ થાય છે.

સામાન્ય રીતે, હવનકુંડમાં પ્રજ્વલિત અગ્નિને યજ્ઞ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં, વર્ણિત “યજ્ઞ”માં એ સર્વ શાસ્ત્રોમાં વર્ણિત સર્વ નિયત કર્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપણે ભગવાનને સમર્પિત કરવાની ભાવના સાથે કરીએ છીએ.