Bhagavad Gita: Chapter 4, Verse 1

શ્રીભગવાનુવાચ ।
ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ ।
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેઽબ્રવીત્ ॥ ૧॥

શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ બોલ્યા; ઈમમ્—આ; વિવસ્વતે—સૂર્યદેવને; યોગમ્—યોગનું વિજ્ઞાન; પ્રોક્તવાન્—ઉપદેશ આપ્યો; અહમ્—હું; અવ્યયમ્—અવિનાશી; વિવસ્વાન્—સૂર્યદેવ; મનવે—મનુને, મનુષ્યજાતિના મૂળ પૂર્વજ; પ્રાહ—કહ્યું; મનુ:—મનુ; ઈશ્વાકવે—ઈશ્વાકુને, સૂર્યવંશના પ્રથમ રાજા; અબ્રવીત્—કહ્યું.

Translation

BG 4.1: પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા: મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, જેમણે તે મનુને અને પશ્ચાત્ મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો.

Commentary

કોઈ મનુષ્યને કેવળ અમૂલ્ય જ્ઞાન પ્રદાન કરવું પર્યાપ્ત નથી. આ જ્ઞાનને ગ્રહણ કરનાર વ્યક્તિમાં તે જ્ઞાનનાં મૂલ્યો પ્રત્યે આદર અને તેની પ્રમાણભૂતતામાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. તો જ તેઓ તેમના જીવનમાં તેનો વ્યાવહારિક દૃષ્ટિએ અમલ કરવા માટે આવશ્યક પ્રયત્નો કરશે. શ્રી કૃષ્ણ અર્જુનને આપેલા આધ્યાત્મિક જ્ઞાનની વિશ્વસનીયતા અને મહત્તા પ્રતિપાદિત કરે છે. શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે જે જ્ઞાનનો તેને ઉપદેશ પ્રદાન કરી રહ્યા છે તે અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવાની અનુકૂળતા ખાતર નવીનતાથી ઘડી કાઢવામાં આવ્યું નથી. આ એ જ શાશ્વત યોગ-વિજ્ઞાન છે, જેનો ઉપદેશ તેમણે સૌ પ્રથમ વિવસ્વાન અર્થાત્ સૂર્યદેવને આપ્યો હતો અને સૂર્યદેવે તે મનુષ્યજાતિના મૂળ પૂર્વજ મનુને આપ્યો; મનુએ તે ઉપદેશ સૂર્યવંશના પ્રથમ રાજા ઈશ્વાકુને આપ્યો. આ જ્ઞાનની પરંપરાગત-અવતરણ-પદ્ધતિ છે, જેમાં જ્ઞાનનો પૂર્ણ અધિકારી, આ જ્ઞાનને એવી વ્યક્તિને પ્રસારિત કરે છે કે જે વાસ્તવિક જિજ્ઞાસુ છે.

તેનાથી વિપરીત, જ્ઞાનપ્રાપ્તિની વ્યાવહારિક પ્રક્રિયા છે; જેમાં વ્યક્તિ સ્વ-સહાય દ્વારા તેની સમજની સીમાઓ વિસ્તારવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયા શ્રમસાધ્ય, અપૂર્ણ અને સમય માંગી લે તેવી છે. ઉદાહરણ તરીકે, જો આપણે ભૌતિક વિજ્ઞાન શીખવા ઈચ્છતા હોઈએ તો કાં તો આપણે આ વ્યાવહારિક પ્રક્રિયા દ્વારા પ્રયાસ કરી શકીએ કે જેમાં આપણે પોતાની બુદ્ધિથી તેના સિદ્ધાંતો અંગે અનુમાન કરીને નિષ્કર્ષ સુધી પહોંચીએ; અથવા આપણે પરંપરાગત પ્રક્રિયા દ્વારા પ્રયાસ કરી શકીએ. જેમાં આ વિષયના નિપુણ શિક્ષકનો સંપર્ક કરીએ. વ્યાવહારિક પ્રક્રિયા અત્યાધિક સમય માંગી લે તેવી છે અને શક્ય છે કે જીવનપર્યંત આપણા પ્રશ્નોનું સમાધાન ન મેળવી શકીએ. આપણે તારવેલા નિષ્કર્ષોની યથાર્થતા અંગે પણ નિશ્ચિત ખાતરી આપી શકતા નથી. તેની તુલનામાં, પરંપરાગત પદ્ધતિ આપણને ભૌતિક વિજ્ઞાનના ગહન રહસ્યોની સમજનો શીઘ્ર માર્ગ ખોલી આપે છે. જો આપણા શિક્ષકને ભૌતિક શાસ્ત્ર અંગેનું પૂર્ણ જ્ઞાન હોય તો તેમની પાસેથી આ વિજ્ઞાન સમજવું અને તે જે કહે છે તે પચાવવું બંને અતિ સહજ અને સરળ બની જાય છે. જ્ઞાન ગ્રહણ કરવાની આ અવતરણાત્મક પદ્ધતિ સરળ પણ છે અને દોષરહિત છે.

પ્રતિ વર્ષ, સ્વ-સહાય અંગેનાં હજારો પુસ્તકો બજારમાં પ્રકાશિત થાય છે, જે જીવનમાં ઉદ્ભવેલી સમસ્યાઓ અંગે લેખકના ઉકેલો પ્રસ્તુત કરે છે. આ પુસ્તકો મર્યાદિત પ્રમાણમાં કદાચ ઉપયોગી થતાં હશે, પરંતુ તેઓ જ્ઞાનપ્રાપ્તિની વ્યાવહારિક પ્રક્રિયા પર આધારિત હોવાના કારણે અપૂર્ણ છે. અમુક ચોક્કસ વર્ષો બાદ નવીન સિદ્ધાંત પ્રસ્તુત થતાં જ તે વર્તમાનના સિદ્ધાંતોને બાજુ પર ફગાવી દે છે. આ વ્યાવહારિક પદ્ધતિ પરમ સત્યને જાણવા માટે અનુચિત છે. દિવ્ય જ્ઞાન સ્વ-પ્રયત્નોથી પ્રકટ કરવું આવશ્યક નથી. તે ભગવાનની શક્તિ છે અને જ્યારથી ભગવાન અસ્તિત્વમાન છે, ત્યારથી જ તે પણ અસ્તિત્વમાન છે. જેવી રીતે, ગરમી અને પ્રકાશ- અગ્નિ જેટલા જ પુરાણા છે, જેમાંથી તેઓ ઉત્પન્ન થાય છે.

ભગવાન અને આત્મા બંને શાશ્વત છે અને તેથી યોગ-વિજ્ઞાન કે જે આત્મા અને પરમાત્માનું ઐક્ય સાધે છે, તે પણ સનાતન છે. આ અંગે કોઈ નવીન અનુમાન કરવાની કે સૂત્રો ઘડવાની આવશ્યકતા નથી. આ સત્યવાદીતાનું વિસ્મયકારક સમર્થન સ્વયં ભગવદ્ ગીતા  કરે છે, જે તેના સર્વકાલીન જ્ઞાનની વિચક્ષણતાથી લોકોને નિરંતર આશ્ચર્યચકિત કરે છે અને આજથી પચાસ શતાબ્દીઓ પૂર્વે જેનું ગાન થયા પશ્ચાત્ પણ આપણા દૈનિક જીવન માટે પ્રસ્તુત છે. શ્રી કૃષ્ણ જણાવે છે કે, અર્જુન સમક્ષ પ્રકટ કરવામાં આવી રહેલું યોગનું જ્ઞાન સનાતન છે અને તે પ્રાચીન કાળથી પરંપરાગત પદ્ધતિ દ્વારા ગુરૂ-શિષ્ય પરંપરાથી પ્રસારિત કરવામાં આવ્યું હતું.