તસ્માદજ્ઞાનસમ્ભૂતં હૃત્સ્થં જ્ઞાનાસિનાત્મનઃ ।
છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ॥ ૪૨॥
તસ્માત્—તેથી; અજ્ઞાન-સમ્ભૂતમ્—અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા; હૃત્-સ્થમ્—હૃદયમાં સ્થિત; જ્ઞાન—જ્ઞાનરૂપી; અસિના—તલવારથી; આત્મન:—પોતાનાં; છિત્વા—કાપીને; એનમ્—આ; સંશયમ્—સંદેહ; યોગમ્—કર્મયોગમાં; આતિષ્ઠ—સ્થિત થા; ઉત્તિષ્ઠ—ઊભો થા; ભારત—અર્જુન, ભરતવંશી.
Translation
BG 4.42: તેથી, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હે ભરતવંશી! પોતાને કર્મયોગમાં સ્થિત કર. ઊઠ, ઊભો થા અને યુદ્ધ કર!
Commentary
અહીં, હૃદય શબ્દનો અર્થ વક્ષ:સ્થળમાં સ્થિત શારીરિક યંત્ર નથી કે જે શરીરમાં રુધિરનું પરિભ્રમણ કરે છે. વેદો કહે છે કે મનુષ્યનું શારીરિક મગજ મસ્તિષ્કમાં રહે છે પરંતુ સૂક્ષ્મ મન હૃદયના પ્રદેશમાં હોય છે. તે જ કારણે પ્રેમ અને દ્વેષમાં વ્યક્તિને હૃદયમાં પીડાની અનુભૂતિ થાય છે. આ અર્થ પ્રમાણે, હૃદય એ કરુણા, પ્રેમ, સહાનુભૂતિ અને સર્વ પ્રકારની શુભ ભાવનાઓનો સ્ત્રોત છે. તેથી, જયારે શ્રીકૃષ્ણ હૃદયમાં ઉત્પન્ન થયેલા સંશયોનો ઉલ્લેખ કરે છે ત્યારે તેમનું તાત્પર્ય તે મનમાં ઉત્પન્ન થયેલા સંશયો અંગે છે, જે સૂક્ષ્મ યંત્ર હૃદયના પ્રદેશમાં સ્થિત છે.
અર્જુનના આધ્યાત્મિક ગુરુ તરીકેની ભૂમિકામાં પરમાત્માએ તેમના શિષ્યને કર્મયોગની સાધના દ્વારા જ્ઞાનયુક્ત આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રાપ્ત કરવી તેનો જ્ઞાનોપદેશ કર્યો છે. તેઓ હવે અર્જુનને ઉપદેશ આપે છે કે તે જ્ઞાન અને શ્રદ્ધા બંનેનો ઉપયોગ કરીને તેના મનમાંથી સંશયોનો નાશ કરે. પશ્ચાત્, તેઓ કર્મનું આહ્વાન કરીને અર્જુનને કહે છે કે, ઊઠ અને કર્મયોગની ભાવનાથી તારા કર્તવ્યનું પાલન કર.
કર્મનો ત્યાગ અને કર્મનું પાલન—આવો દ્વિઅર્થી ઉપદેશ હજી અર્જુનના મનમાં મૂંઝવણ ઉત્પન્ન કરે છે, જે તે આવનારા અધ્યાયનાં પ્રારંભમાં વ્યક્ત કરે છે.