Bhagavad Gita: Chapter 4, Verse 2

એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ ।
સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ ॥ ૨॥

એવમ્—આ રીતે; પરંપરા—ગુરૂ-શિષ્ય પરંપરા; પ્રાપ્તમ્—મળેલું; ઈમમ્—આ (વિજ્ઞાન); રાજ-ઋષય:—સાધુચરિત રાજાઓએ; વિદુ:—જાણ્યું; સ:—તે; કાલેન—કાળાંતરે; ઇહ—આ લોકમાં; મહતા—મહાન; યોગ:—યોગનું વિજ્ઞાન; નષ્ટ:—વિલુપ્ત થયું; પરન્તપ—અર્જુન, શત્રુઓનું દમન કરનાર.

Translation

BG 4.2: હે શત્રુઓનું દમન કરનાર! આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરૂ-શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું. પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું.

Commentary

દિવ્ય જ્ઞાન ગ્રહણ કરવાની પરંપરાગત પદ્ધતિ અંતર્ગત શિષ્ય ભગવદ્-પ્રાપ્તિનું વિજ્ઞાન તેના ગુરુ પાસેથી પ્રાપ્ત કરે છે, જે તેમણે તેમનાં ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું હોય છે. આ પરંપરાથી નિમિ અને જનક જેવા રાજર્ષિઓએ યોગ-વિજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરી. આ પરંપરાનો પ્રારંભ સ્વયં ભગવાનથી થયો છે, જેઓ આ વિશ્વના પ્રથમ ગુરુ છે.

                            તેને બ્રહ્મ હૃદા ય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ (ભાગવતમ્ ૧.૧.૧)

સૃષ્ટિના પ્રારંભે, ભગવાને આ જ્ઞાન પ્રથમ જન્મેલા બ્રહ્માના હૃદયમાં પ્રકટ કર્યું અને બ્રહ્માથી આ પ્રથા નિરંતર ચાલતી રહી. શ્રીકૃષ્ણે અગાઉના શ્લોકમાં જણાવ્યું કે તેમણે પણ આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાન સમક્ષ પ્રકટ કર્યું, જેમના દ્વારા આ પરંપરા અવિરત ચાલતી રહી. આમ છતાં, આ માયિક સંસારની પ્રકૃતિ એવી છે કે કાળાંતરે આ જ્ઞાન વિલુપ્ત થઈ ગયું. માયિક મનોવૃત્તિ ધરાવતા નિષ્ઠાહીન શિષ્યો આ વિદ્યાનું અર્થઘટન તેમના વિકૃત પરિપ્રેક્ષ્ય અનુસાર કરતા રહ્યા. પરિણામે થોડી જ પેઢીઓ પશ્ચાત્ તેની નૈસર્ગિક પવિત્રતા દૂષિત થઈ ગઈ. જયારે આવું થાય છે ત્યારે ભગવાન તેમની અકારણ કૃપાથી મનુષ્યજાતિનાં કલ્યાણ માટે આ પરંપરા પુન: સ્થાપિત કરે છે. તેઓ આ માટે કાં તો વિશ્વમાં સ્વયં અવતાર ધારણ કરીને આવે છે અથવા તો આ કાર્ય તેઓ આ પૃથ્વી પર ભગવદ્-કાર્યના વાહક બનીને આવેલા ભગવદ્-પ્રાપ્ત મહાન સંતો દ્વારા પૂરૂં કરે છે.

જગદ્ગુરૂ શ્રી કૃપાળુજી મહારાજ કે, જેઓ ભારતીય ઈતિહાસમાં પંચમ મૂળ જગદ્દગુરુ છે. તેઓ એવા ભગવદ્દ-પ્રેરિત સંત છે કે જેમણે પ્રાચીન જ્ઞાનને આધુનિક સમયમાં પુન: પ્રસ્થાપિત કર્યું છે. પવિત્ર કાશી નગરીની ૫૦૦ વૈદિક વિદ્વાનોથી બનેલી કાશી વિદ્વત્ત પરિષતે કેવળ ૩૪ વર્ષની આયુએ તેમને જગદ્દગુરુની પદવીથી સન્માનિત કર્યા હતા. જગદ્દગુરુ શંકરાચાર્ય, જગદ્દગુરુ નિમ્બાર્કાચાર્ય, જગદ્દગુરુ રામાનુજાચાર્ય તથા જગદ્દગુરુ માધવાચાર્ય પશ્ચાત્ ભારતીય ઇતિહાસમાં તેઓ પાંચમાં એવા સંત બન્યા કે જેમણે મૂળ જગદ્દગુરુ તરીકેની પદવી ધારણ કરી હોય. ભગવદ્ ગીતા પરનું આ ભાષ્ય તેમણે મારી સમક્ષ પ્રકટ કરેલ ગહન જ્ઞાન અને સમજનાં આધાર પર લખાઈ રહ્યું છે.