Bhagavad Gita: Chapter 4, Verse 10

વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ ।
બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ ॥ ૧૦॥

વીત—મુક્ત; રાગ—આસક્તિ; ભય—ભય; ક્રોધા:—ક્રોધ; મત્-મયા—મારામાં સંપૂર્ણ રીતે લીન; મામ્—મારામાં; ઉપાશ્રિતા:—આશ્રિત; બહવ:—અનેક; જ્ઞાન—જ્ઞાનની; તપસા—જ્ઞાનની અગ્નિ દ્વારા; પૂતા:—પવિત્ર થયેલાં; મત્-ભાવમ્—મારો દિવ્ય પ્રેમ; આગતા:—પ્રાપ્ત થયેલા.

Translation

BG 4.10: આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને, અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા  જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે.

Commentary

અગાઉના શ્લોકમાં શ્રી કૃષ્ણે કહ્યું કે જે તેમનાં જન્મ તથા લીલાઓના દિવ્ય સ્વરૂપને સાચી રીતે જાણે છે, તેઓ તેમને પ્રાપ્ત કરે છે. હવે તેઓ એ વાતની પુષ્ટિ કરે છે કે દરેક યુગમાં અસંખ્ય મનુષ્યોએ આ સાધનથી ભગવદ્-પ્રાપ્તિ કરી. તેઓએ ભક્તિથી તેમનાં અંત:કરણની શુદ્ધિ કરીને આ પરમ લક્ષ્ય પ્રાપ્ત કર્યું. શ્રી અરબિંદોએ આ જ સત્ય અતિ સુંદર રીતે વ્યક્ત કર્યું છે: “જો તમે જીવંત વિદ્યમાનતાનું સ્થાપન કરવા ઈચ્છતા હો તો તમારે પોતાનું હૃદયરૂપી મંદિર શુદ્ધ રાખવું જ જોઈએ.” બાઈબલ કહે છે: “શુદ્ધ હૃદય ધરાવનારા ધન્ય છે, કારણ કે તેઓ ભગવાનને જોઈ શકે છે.” (મેથ્યુ ૫.૮)

હવે મન કેવી રીતે શુદ્ધ થાય? આસક્તિ, ભય અને ક્રોધનો ત્યાગ કરીને તથા મનને ભગવાનમાં લીન કરીને અંત:કરણ શુદ્ધ થાય છે. વાસ્તવમાં, ભય અને ક્રોધનું કારણ આસક્તિ છે. જે વિષય પ્રત્યે આપણને આસક્તિ છે તે છીનવાઈ જવાના સંશયમાંથી ભય ઉત્પન્ન થાય છે અને આપણી આસક્તિના વિષયની પ્રાપ્તિમાં આવતા વિઘ્નોથી ક્રોધ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે, આસક્તિ મનને ગંદુ થવાનું મૂળ કારણ છે.

માયાનો આ સંસાર ત્રણ માયિક પ્રકૃતિનાં ગુણોથી બનેલો છે—સત્ત્વ, રજસ અને તમસ. આ સંસારનાં સર્વ વિષયો અને મનુષ્યો આ ત્રણ ગુણોના ક્ષેત્રમાં છે. જયારે આપણે આપણા મનને માયિક વ્યક્તિ કે વિષય પ્રત્યે અનુરક્ત કરીએ છીએ ત્યારે આપણું મન પણ ત્રણ ગુણોથી પ્રભાવિત થાય છે. તેના બદલે, જયારે આપણે મનને માયિક પ્રકૃતિથી પરે એવા ભગવાનમાં અનુરક્ત કરીએ છીએ, ત્યારે આવી ભક્તિ મનને પવિત્ર કરે છે. તેથી, મનને વાસના, ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને મોહના વિકારોથી શુદ્ધ કરવાની સર્વોત્કૃષ્ટ પદ્ધતિ તેને સંસારથી વિરક્ત કરીને પરમેશ્વરમાં અનુરક્ત કરવાની છે. તેથી, રામાયણ કહે છે;

                      પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ, અભિઅંતર મલ કબહુઁ ન જાઈ

“પ્રભુ પ્રત્યેની પ્રેમાભક્તિ વિના અંત:કરણનો મેલ કદાપિ ધોઈ શકાતો નથી.”

જ્ઞાન યોગનાં પ્રખર પ્રચારક શંકરાચાર્યે પણ કહ્યું:

                 શુદ્ધયતિ હિ નાન્તરાત્મા કૃષ્ણપદામ્ભોજ ભક્તિમૃતે (પ્રબોધ સુધાકર)

“શ્રીકૃષ્ણનાં ચરણ કમળની ભક્તિમાં લીન થયા વિના અંતરાત્મા શુદ્ધ થશે નહિ.”

અગાઉનો શ્લોક વાંચીને એ પ્રશ્ન ઉદ્ભવી શકે કે શું શ્રી કૃષ્ણ માયિક જીવાત્માઓની વિરુદ્ધ પક્ષપાત કરીને કેવળ તેમનાં ભક્તો ઉપર તેમની કૃપાવર્ષા કરે છે? પરમેશ્વર આગામી શ્લોકમાં આની સ્પષ્ટતા કરે છે.