Bhagavad Gita: Chapter 4, Verse 5

શ્રીભગવાનુવાચ ।
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન ।
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરન્તપ ॥ ૫॥

શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા બોલ્યા; બહૂનિ—અનેક; મે—મારા; વ્યતીતાનિ—પસાર થયા છે; જન્માનિ—જન્મો; તવ—તારા; ચ—અને; અર્જુન—અર્જુન; તાનિ—તેમના; અહમ્—હું; વેદ—જાણું; સર્વાણિ—સર્વ; ન—નહીં; ત્વમ્—તું; વેત્થ—જાણે છે; પરન્તપ—અર્જુન, શત્રુઓનું દમન કરનાર.

Translation

BG 4.5: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન! તારા અને મારા બંનેનાં અનંત જન્મો થઈ ચૂક્યા છે. તું એ ભૂલી ગયો છે, જયારે હે પરંતપ! મને એ સર્વનું સ્મરણ છે.

Commentary

શ્રી કૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે તેઓ માનવ રૂપમાં અર્જુનની સમક્ષ ઊભા છે, કેવળ તે કારણથી તેમની તુલના સાધારણ મનુષ્ય સાથે ન કરવી જોઈએ. કેટલીક વખત રાષ્ટ્રનાં રાષ્ટ્રપતિ કારાવાસની મુલાકાત લેવાનો નિર્ણય કરે છે પરંતુ તેમને કારાવાસમાં ઉપસ્થિત જોઈને ભૂલથી પણ આપણે એવું તારણ કાઢતાં નથી કે તેઓ પણ ગુનેગાર છે. આપણે જાણીએ છીએ કે તેઓ કારાવાસમાં કેવળ નિરીક્ષણ માટે આવ્યા છે. એ જ પ્રમાણે, ભગવાન ક્યારેક માયિક સંસારમાં અવતરિત થાય છે, પરંતુ તેઓ તેમનાં દિવ્ય ગુણો અને સામર્થ્યનો કદાપિ ત્યાગ કરતા નથી.

આ શ્લોક પરના તેમનાં ભાષ્યમાં શંકરાચાર્યે કહ્યું છે: યા વાસુદેવે અનીશ્વરાસર્વજ્ઞાશઙ્કા મૂર્ખાણાં તાં પરિહરન્ શ્રીભગવાન્ ઉવાચ (શ્લોક ૪.૫ પરનું શારીરક ભાષ્ય) “આ શ્લોકનું ગાન કરીને શ્રી કૃષ્ણે એ મૂર્ખ લોકોનું ખંડન કર્યું છે, જેઓને સંદેહ છે કે શ્રીકૃષ્ણ ભગવાન નથી.” અશ્રદ્ધાળુઓ તર્ક કરે છે કે શ્રીકૃષ્ણે પણ આપણા બધાની જેમ જન્મ લીધો હતો અને તેમણે આપણી સમાન જ ભોજન કર્યું, જળ વગેરે ગ્રહણ કર્યું, આપણી જેમ જ નિદ્રાધીન થયા અને તેથી તેઓ ભગવાન હોઈ શકે નહીં. અહીં, શ્રી કૃષ્ણ જીવાત્મા અને પરમાત્મા મધ્યેનાં ભેદ ઉપર ભાર મૂકે છે અને કહે છે કે તેઓ આ સંસારમાં અસંખ્ય વખત અવતરિત થયા છે છતાં પણ તેઓની સર્વજ્ઞતા અકબંધ રહે છે, જયારે આત્માનું જ્ઞાન સીમિત હોય છે.

જીવાત્મા તથા પરમાત્મામાં કેટલીક સામ્યતા રહેલી છે—બંને સત્ ચિત્ આનંદ (શાશ્વત, ચેતન અને આનંદી) છે. આમ છતાં, તેમનામાં અનેક તફાવતો પણ રહેલા છે. ભગવાન સર્વ-વ્યાપક છે, જયારે જીવાત્મા કેવળ તે જેમાં નિવાસ કરે છે, તે જ દેહમાં વ્યાપ્ત રહે છે; ભગવાન સર્વશક્તિમાન છે, જયારે ભગવદ્ કૃપા વિના જીવાત્મામાં સ્વયંને માયાથી મુક્ત કરવાની શક્તિ પણ હોતી નથી; ભગવાન સૃષ્ટિના નિયમોના રચયિતા છે, જયારે જીવાત્મા આ નિયમોને આધીન છે; ભગવાન સમગ્ર સૃષ્ટિના નિયંત્રક છે, જ્યારે જીવાત્મા તેમનાં નિયંત્રણમાં છે; ભગવાન સર્વજ્ઞ છે, જયારે જીવાત્માને એક વિષયનું પણ પૂર્ણ જ્ઞાન હોતું નથી.

શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને ‘પરંતપ’ તરીકે સંબોધન કરે છે. જેનો અર્થ છે, ‘શત્રુઓનું દમન કરનાર’. તેઓ માર્મિક રીતે સંકેત કરે છે કે, “અર્જુન, તું પરાક્રમી યોદ્ધા છો, જેણે અતિ બળવાન શત્રુઓનો સંહાર કર્યો છે. હવે, તારા મનમાં પ્રવિષ્ટ થઇ ચૂકેલા આ સંશયની સામે પરાજયનો સ્વીકાર ન કર. મેં પ્રદાન કરેલા જ્ઞાનની તલવારનો ઉપયોગ કરીને તું તેનો વધ કર અને દિવ્યજ્ઞાનમાં સ્થિત થા.”