કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ ।
સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥ ૧૮॥
કર્મણિ—કર્મોના; અકર્મ—અકર્મ; ય:—જે; પશ્યેત્—જોવે છે; અકર્મણિ—અકર્મ; ચ—પણ; કર્મ—કર્મ; ય:—જે; સ:—તે; બુદ્ધિમાન્—બુદ્ધિશાળી; મનુષ્યેષુ—મનુષ્યોમાં; સ:—તે; યુક્ત:—યોગીઓ; કૃત્સ્ન-કર્મકૃત્—સર્વ પ્રકારના કર્મો કરનાર.
Translation
BG 4.18: જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે, તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે. સર્વ પ્રકારનાં કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમનાં સર્વ કર્મોનાં નિષ્ણાત છે.
Commentary
કર્મમાં અકર્મ. એક એવા પ્રકારનું અકર્મ છે, જેમાં લોકો તેમનાં સામાજિક ઉત્તરદાયિત્ત્વને બોજરૂપ ગણે છે અને પ્રમાદી વૃત્તિને કારણે તેનો ત્યાગ કરી દે છે. તેઓ શારીરિક દૃષ્ટિએ તો કર્મનો ત્યાગ કરી દે છે પરંતુ તેમનું મન ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન નિરંતર કર્યા કરે છે. આવી વ્યક્તિઓ નિષ્ક્રિય પ્રતીત થાય છે પરંતુ તેમનાં આ આળસ અને પ્રમાદ વાસ્તવમાં અપરાધયુક્ત કાર્ય છે. જયારે અર્જુને સૂચવ્યું કે તે યુદ્ધ લડવાના તેના કર્તવ્યથી દૂર રહેવા માગે છે ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે આમ કરવું એ પાપ ગણાશે અને આ અકર્મણ્યતાને કારણે તેણે નરકમાં જવું પડશે.
અકર્મમાં કર્મ. કર્મયોગીઓ દ્વારા ભિન્ન પ્રકારનું અકર્મ કરવામાં આવે છે. તેઓ ફળમાં આસક્તિ રાખ્યા વિના તેમનાં સામાજિક ઉત્તરદાયિત્ત્વનું પાલન કરે છે તેમજ તેમનાં કર્મોના ફળ ભગવાનને સમર્પિત કરી દે છે. સર્વ પ્રકારના કર્મોમાં વ્યસ્ત રહેતાં હોવા છતાં તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાં ફસાતા નથી, કારણ કે તેમનો અંગત સુખ માણવાનો કોઈ હેતુ હોતો નથી. ભારતીય ઈતિહાસમાં આવા અનેક મહાન રાજાઓ થઈ ગયા—ધ્રુવ, પ્રહલાદ, યુધિષ્ઠિર, પૃથુ અને અંબરિષ—જેમણે તેમની સર્વોત્કૃષ્ટ પાત્રતાને આધારે રાજકીય કર્તવ્યોનું પાલન કર્યું અને છતાં, કારણ કે, તેમનું મન માયિક વાસનાઓમાં ફસાયેલું ન હતું, તેમના કર્મો અકર્મ કહેવાયા. અકર્મનું બીજું નામ કર્મ યોગ છે જે અંગે અગાઉના બે અધ્યાયમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.