Bhagavad Gita: Chapter 4, Verse 7

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥ ૭॥

યદા યદા—જયારે જયારે; હિ—નિશ્ચિત; ધર્મસ્ય—ધર્મની; ગ્લાનિ:—હ્રાસ,પતન; ભવતિ—છે; ભારત—અર્જુન,ભરતવંશી; અભ્યુત્થાનમ્—વૃદ્ધિ; અધર્મસ્ય—અધર્મની; તદા—ત્યારે; આત્માનમ્—પોતાને; સૃજામિ—પ્રગટ કરું છું; અહમ્—હું.

Translation

BG 4.7: જયારે જયારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, હે અર્જુન! ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું.

Commentary

વસ્તુત: ધર્મ એ નિયત કર્મ છે, જે આપણા આધ્યાત્મિક ઉત્થાન અને પ્રગતિ માટે સહાયક બની રહે છે; તેનાથી વિપરીત અધર્મ છે. જયારે અધર્મનું વર્ચસ્વ વધી જાય છે ત્યારે સંસારના સર્જક અને શાસક, ભગવાન અવતરણ કરીને હસ્તક્ષેપ કરે છે તથા ધર્મનું પુન: સ્થાપન કરે છે. ભગવાનના આવા અવતરણને અવતાર કહે છે. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી અંગ્રેજી ભાષામાં લેવામાં આવ્યો છે અને સામાન્ય રીતે તેનો ઉપયોગ પ્રસાર માધ્યમો દ્વારા લોકમાનસ પર ભગવાનની મહત્તા દર્શાવવા કરવામાં આવે છે. આ સંદર્ભ અનુસાર, આપણે તેનો ઉપયોગ તેના મૂળ સંસ્કૃત સૂચિતાર્થ પ્રમાણે ભગવાનનું દિવ્ય અવતરણ દર્શાવવા કરીશું. શ્રીમદ્ ભાગવતમ્ માં આવા ચોવીસ અવતારોની યાદી સૂચવવામાં આવી છે. જો કે, વૈદિક ગ્રંથો પ્રમાણે ભગવાનના અસંખ્ય અવતારો થયા છે.

                                            જન્મકર્માભિધાનાનિ સન્તિ મેઽઙ્ગ સહસ્રશઃ

                                            ન શક્યન્તેઽનુસઙ્ખ્યાતુમનન્તત્વાન્મયાપિ હિ (ભાગવતમ્ ૧૦.૫૧.૩૭)

“શાશ્વતતાના પ્રારંભથી ભગવાનના અનંત અવતારોની ગણના કોઈપણ કરી શકે તેમ નથી.” આ અવતારોને નિમ્નલિખિત ચાર શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે:

૧. આવેશાવતાર—જયારે ભગવાન તેમની દિવ્ય શક્તિ કોઈ જીવાત્મામાં પ્રગટ કરીને તેના માધ્યમથી કાર્ય કરે છે. નારદ મુનિ આવેશાવતારનું દૃષ્ટાંત છે. આ ઉપરાંત, બુદ્ધ પણ આવેશાવતારનું ઉદાહરણ છે.

૨. પ્રભવાવતાર—આ ભગવાનના સાકાર સ્વરૂપના અવતારો છે, જેમાં તેઓ તેમની કેટલીક દિવ્ય શક્તિઓનું પ્રદર્શન કરે છે. પ્રભવાવતાર બે પ્રકારના હોય છે.

અ. જેમાં ભગવાન થોડીક ક્ષણો માટે સ્વયંને પ્રગટ કરે છે, તેમનું કાર્ય સંપન્ન કરે છે અને વિદાય લે છે. હંસાવતાર આનું ઉદાહરણ છે, જેમાં ભગવાન ચાર કુમારો સમક્ષ પ્રગટ થયા, તેમના પ્રશ્નોનાં ઉત્તર આપ્યા અને જતા રહ્યા.

બ. જેમાં અવતાર ધારણ કરીને ભગવાન આ પૃથ્વી પર અનેક વર્ષો સુધી રહે છે. વેદ વ્યાસ જેમણે અઢાર પુરાણો અને મહાભારતનું લેખન કર્યું તથા વેદોને ચાર વિભાગોમાં વિભાજીત કર્યા, તેઓ આ અવતારનું ઉદાહરણ છે.

૩. વૈભવાવતાર—જયારે ભગવાન દિવ્ય રૂપમાં અવતરીને તેમની દિવ્ય શક્તિઓનું પ્રાગટ્ય કરે છે. મત્સ્યાવતાર, કૂર્માવતાર, વરાહાવતાર આ સર્વ વૈભવાવતારનાં ઉદાહરણો છે.

૪. પરાવસ્થાવતાર—જયારે ભગવાન તેમની સર્વ દિવ્ય શક્તિઓનું તેમના દિવ્ય સાકાર સ્વરૂપમાં પ્રાગટ્ય કરે છે. શ્રી કૃષ્ણ, શ્રી રામ અને નૃસિંહ અવતાર આ સર્વ પરાવસ્થાવતાર ઉદાહરણો છે.

આ વર્ગીકરણનું તાત્પર્ય એ નથી કે કોઈ એક અવતાર અન્ય અવતારથી મહાન છે. વેદ વ્યાસ કે જેઓ સ્વયં અવતાર છે, તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે: સર્વે પૂર્ણાઃ શાશ્વતાશ્ચ દેહાસ્તસ્ય પરમાત્મનઃ (પદ્મ પુરાણ) “ભગવાનના સર્વ અવતારો સર્વ દિવ્ય શક્તિઓથી પરિપૂર્ણ છે; તે સર્વસમર્થ અને પૂર્ણ છે.” તેથી આપણે એક અવતાર મોટો અને એક અવતાર નાનો છે, એવો ભેદ કરવો જોઈએ નહીં. જો કે, પ્રત્યેક અવતારમાં ભગવાન તેમની દિવ્ય શક્તિઓનું પ્રાગટ્ય તેમના ચોક્કસ અવતાર દરમ્યાન સંપન્ન કરવાના કાર્યોને  આધારે કરે છે. શેષ શક્તિઓ તે અવતાર દરમ્યાન સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેથી, ઉપરોક્ત વર્ગીકરણ કરવામાં આવ્યું છે.