એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે ।
કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨॥
એવમ્—એ રીતે; બહુવિધા:—વિવિધ પ્રકારના; યજ્ઞા:—યજ્ઞો; વિતતા:—વર્ણવ્યા છે; બ્રહ્મણ:—વેદોના; મુખે—મુખ દ્વારા; કર્મ-જાન્—કર્મથી ઉત્પન્ન; વિદ્ધિ—જાણ; તાન્—તેમને; સર્વાન્—સર્વને; એવમ્—એ પ્રમાણે; જ્ઞાત્વા—જાણીને; વિમોક્ષ્યસે—તું મુક્ત થઇ જઈશ.
Translation
BG 4.32: આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ; આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠ કાપી નાખે છે.
Commentary
વેદોની અનેક સુંદર વિશેષતાઓમાંથી એક એ છે કે તે મનુષ્યોની પ્રકૃતિની અનેક વિભિન્નતાઓથી પરિચિત છે અને તદ્નુસાર તેમાં જોગવાઈ કરવામાં આવી છે. વિભિન્ન પ્રકારની રુચિ ધરાવતા સાધકો માટે વિભિન્ન પ્રકારના યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં એકમાત્ર સામાન્ય સિદ્ધાંત એ છે કે તેનું અનુપાલન ભક્તિપૂર્વક ભગવાનને સમર્પિત કરવા થવું જોઈએ. આ જ્ઞાનથી, કોઈ વ્યક્તિ વેદોમાં વર્ણિત બહુવિધ આદેશોને કારણે કિંકર્તવ્યવિમૂઢ થયા વિના પોતાની પ્રકૃતિને અનુરૂપ ચોક્કસ યજ્ઞનું અનુપાલન કરીને, માયિક બંધનોથી મુક્ત થઈ શકે છે.