Bhagavad Gita: Chapter 4, Verse 6

અજોઽપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોઽપિ સન્ ।
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સમ્ભવામ્યાત્મમાયયા ॥ ૬॥

અજ:—અજન્મા; અપિ—જો કે; સન્—હોવા છતાં; અવ્યય-આત્મા—અવિનાશી પ્રકૃતિનો; ભૂતાનામ્—સર્વ પ્રાણીઓના; ઈશ્વર:--પરમેશ્વર; અપિ—જો કે; સન્—હોવાથી; પ્રકૃતિમ્—પ્રકૃતિ; સ્વામ્—મારી; અધિષ્ઠાય—સ્થિત; સમ્ભવામિ—હું અવતરું છે, આત્મ-માયયા—મારી યોગમાયા શક્તિથી.

Translation

BG 4.6: યદ્યપિ હું અજન્મા છું, સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું, તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું.

Commentary

કેટલાક લોકો આ મતનો વિરોધ કરે છે કે ભગવાન શરીર ધારણ કરે છે. તેઓને ભગવાનનું નિરાકાર સ્વરૂપ અધિક માન્ય છે કે જે સર્વ-વ્યાપક, અમૂર્ત અને સૂક્ષ્મ છે. ભગવાન અવશ્ય અમૂર્ત તથા નિરાકાર છે પરંતુ તેનો કોઈપણ અર્થ એવો નથી થતો કે તેઓ એકસાથે સાકાર અને નિરાકાર સ્વરૂપમાં રહી શકતા નથી. ભગવાન સર્વ-શક્તિમાન હોવાથી તેમની પાસે શક્તિ છે કે તેઓ ઈચ્છિત આકારમાં પ્રગટ થઈ શકે છે. જો કોઈ એવી કલ્પના કરે કે ભગવાનનું સાકાર રૂપ હોઈ શકે નહીં તો તેનો એ અર્થ છે કે તે વ્યક્તિ ભગવાનને સર્વ-સમર્થ માનતી નથી. તેથી એમ કહેવું કે, ‘ભગવાન નિરાકાર છે’, તે અપૂર્ણ કથન છે. બીજી બાજુ, એમ કહેવું કે, ‘ભગવાન સાકાર રૂપમાં પ્રગટ થાય છે’, તે પણ આંશિક સત્ય છે. સર્વ-શક્તિમાન ભગવાનનાં દિવ્ય વ્યક્તિત્ત્વના બે પાસાં છે—સાકાર સ્વરૂપ તથા નિરાકાર સ્વરૂપ. તેથી, બૃહદારણ્યક ઉપનિષદ્દ કહે છે:

                                           દ્વે વાવ બ્રહ્મણો રૂપે મૂર્તં ચૈવ અમૂર્તં ચ (૨.૩.૧)

“ભગવાન બંને રૂપમાં પ્રગટ થાય છે—નિરાકાર બ્રહ્મ તરીકે તથા સાકાર ભગવાન તરીકે.” આ બંને તેમના વ્યક્તિત્ત્વનાં પરિમાણો છે.

વાસ્તવમાં, જીવાત્માના અસ્તિત્વના પણ આ બંને પરિમાણો છે. તે નિરાકાર હોવાથી તે જયારે મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરે છે ત્યારે તેને જોઈ શકાતું નથી. તેમ છતાં, તે શરીર ધારણ કરે છે—કેવળ એક વખત નહીં, અસંખ્ય વખત—તે એક જન્મથી બીજા જન્મમાં શરીર બદલતો રહે છે. જો અણુ સમાન આત્મા શરીર ધારણ કરી શકે તો શું સર્વ-સમર્થ ભગવાન સાકાર સ્વરૂપ ધારણ ન કરી શકે? કે પછી ભગવાન કહે કે, “મારામાં સાકાર સ્વરૂપે પ્રગટ થવાની શક્તિ નથી, તેથી હું કેવળ નિરાકાર પ્રકાશસ્વરૂપ છું.” સામર્થ્ય અને પૂર્ણતાના દિવ્ય ગુણોથી પરિપૂર્ણ હોવા માટે તેમના સાકાર તથા નિરાકાર બંને સ્વરૂપ હોવા આવશ્યક છે.

કેવળ અંતર એ છે કે આપણું સ્વરૂપ માયાની પ્રાકૃત શક્તિથી રચાયેલું છે, જયારે ભગવાનનું સ્વરૂપ તેમની દિવ્ય યોગમાયા શક્તિથી સર્જાય છે. તેથી તે માયિક વિકારોથી પરે અને દિવ્ય છે. આ અંગે પદ્મ પુરાણમાં સુંદર વર્ણન છે:

                                   યસ્તુ નિર્ગુણ ઇત્યુક્તઃ શાસ્ત્રેષુ જગદીશ્વરઃ

                                   પ્રાકૃતૈર્હેય સંયુક્તૈર્ગુણૈર્હીન ત્વમુચ્યતે

“જયારે વૈદિક ગ્રંથો કહે છે કે ભગવાનનું સાકાર સ્વરૂપ નથી હોતું ત્યારે તેઓ એમ સૂચિત કરે છે કે તેમનું સ્વરૂપ માયિક વિકારોને આધીન નથી; પરંતુ તે દિવ્ય સ્વરૂપ છે.”