પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ॥ ૮॥
પરિત્રાણાય—રક્ષા કરવા; સાધૂનામ્—ભક્તોના; વિનાશાય—નાશ માટે; ચ—અને; દુષ્કૃતામ્—દુષ્ટોના; ધર્મ—સનાતન ધર્મ; સંસ્થાપન-અર્થાય—પુન: સ્થાપન કરવા માટે; સમ્ભવામિ—પ્રગટ થાઉં છું; યુગે યુગે—દરેક યુગમાં.
Translation
BG 4.8: ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મનાં સિદ્ધાંતોની પુન: સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાઉં છું.
Commentary
અગાઉના શ્લોકમાં ભગવાન સંસારમાં અવતરે છે, એમ જણાવીને હવે શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર ધારણ કરવા અંગેનાં ત્રણ કારણોનું વર્ણન કરે છે. ૧. દુષ્ટોનો નાશ કરવા, ૨. પવિત્રજનોની રક્ષા કરવા, ૩. ધર્મની સ્થાપના કરવા. જો કે, આપણે આ ત્રણેય કારણોનો ગહન અભ્યાસ કરીએ તો આ ત્રણમાંથી એક પણ કારણ અધિક વિશ્વસનીય પ્રતીત થતું નથી:
ભક્તોની રક્ષા કરવા. ભગવાન તેના ભક્તોનાં હૃદયમાં બિરાજમાન હોય છે અને અંદરથી તેમનું સદા રક્ષણ કરે છે. આ આશયથી અવતાર ધારણ કરવાની કોઈ આવશ્યકતા નથી.
દુષ્ટોનો નાશ કરવા. ભગવાન સર્વ શક્તિમાન છે, અને દુષ્ટનો સંહાર કેવળ સંકલ્પ માત્રથી કરી શકે તેમ છે. તેમણે આ કાર્યની પૂર્તિ હેતુ શા માટે અવતાર ધારણ કરવો પડે?
ધર્મનું સંસ્થાપન કરવા. વેદોમાં ધર્મનું સનાતન વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન તેનું પુન: સ્થાપન તેમના સંતો દ્વારા પણ કરાવી શકે તેમ છે; આ કાર્યની પૂર્તિ માટે પણ તેમણે સ્વયં સાકાર રૂપમાં અવતરવાની આવશ્યકતા નથી.
તો પછી આ શ્લોકમાં વર્ણિત કારણોને આપણે કઈ રીતે સમજી શકીએ? ચાલો, આપણે શ્રી કૃષ્ણના કથનોને ગ્રહણ કરવા અધિક ગહનતાથી વિચાર કરીએ.
આત્મા ભક્તિમાં તલ્લીન થાય એ સર્વોત્કૃષ્ટ ધર્મ છે. તેથી જ ભગવાન અવતાર ધારણ કરીને તેને શક્તિ પ્રદાન કરે છે. જયારે ભગવાન આ સંસારમાં અવતરે છે ત્યારે તેમના દિવ્ય સ્વરૂપો, નામો, ગુણો, લીલાઓ, ધામો અને પરિકરોનું પણ પ્રાગટ્ય કરે છે. તેને કારણે આત્માને ભક્તિ માટેનો સરળ આધાર પ્રાપ્ત થાય છે. મનને ધ્યાન કેન્દ્રિત કરવા અને સંપર્ક સાધવા માટે આકારની આવશ્યકતા રહેતી હોવાના કારણે ભગવાનનું નિરાકાર પાસું ભક્તિ માટે અતિ કઠિન બની રહે છે. બીજી બાજુ, ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ લોકોને મનથી ગ્રહણ કરવામાં સહેલી, સાધના કરવામાં સરળ તથા તલ્લીન થવા માટે મધુર અને રુચિકર બની રહે છે.
આ પ્રમાણે, પાંચ હજાર વર્ષો પૂર્વે થયેલા શ્રી કૃષ્ણનાં અવતારથી અનેક લોકોએ તેમની દિવ્ય લીલાઓને પોતાની ભક્તિ માટેનો આધાર બનાવ્યો અને સરળતા અને આનંદપૂર્વક તેમના મનનું શુદ્ધિકરણ કર્યું. એ જ પ્રકારે, અસંખ્ય સદીઓથી રામાયણ પણ જીવાત્માઓને ભક્તિ માટેનો લોકપ્રિય આધાર પ્રદાન કરે છે. જયારે રામાયણનો ટી.વી. શો રવિવારના પ્રાત:કાળમાં રાષ્ટ્રીય ટેલીવિઝન પરથી પ્રસારિત થતો ત્યારે ભારતની પ્રત્યેક શેરીઓ ખાલી થઈ જતી. શ્રી રામની લીલાઓનું એટલું આકર્ષણ હતું કે તે લીલાઓ ટેલિવિઝનના પડદા પર જોવા માટે લોકો ટેલિવિઝન સેટ સામે ચીટકી જતા. આ દર્શાવે છે કે, શ્રી રામના અવતારે ઈતિહાસમાં અનેક જીવાત્માઓને ભક્તિ કરવા માટે આધાર પ્રદાન કર્યો. રામાયણ કહે છે:
રામ એક તાપસ તિય તારી, નામ કોટિ ખલ કુમતિ સુધારી.
“તેમના અવતાર કાળમાં શ્રી રામે કેવળ એક અહલ્યા (ગૌતમ ઋષિની પત્ની, જેને રામે શિલારૂપી દેહમાંથી મુક્ત કરી)ને સહાય કરી. પરંતુ, તત્પશ્ચાત્ રામના દિવ્ય નામનું રટણ કરીને લાખો પતિત જીવાત્માઓએ પોતાનો ઉદ્ધાર કર્યો.” આ શ્લોકની ગહન સમજૂતી આ પ્રમાણે છે:
ધર્મ સંસ્થાપન માટે: ભગવાન અવતાર ધારણ કરીને જીવાત્માને તેમનાં નામો, રૂપો, લીલાઓ, ગુણો, ધામો, અને પરિકરો પ્રદાન કરે છે, જેમની સહાયતાથી તેઓ ભક્તિમાં તલ્લીન થઈને મનને શુદ્ધ કરી શકે છે.
દુષ્ટોનો નાશ કરવા: ભગવાનની દિવ્ય લીલાઓને સુગમ બનાવવા માટે કેટલાક જીવનમુક્ત સંતો પણ તેમની સાથે અવતરે છે અને ખલનાયક તરીકેનો અભિનય કરે છે. ઉદાહરણ તરીકે, રાવણ અને કુંભકર્ણ જય અને વિજય હતા, જેઓ ભગવાનના દિવ્ય લોકમાંથી અવતર્યા હતા. તેમણે દૈત્ય તરીકે અભિનય કર્યો અને રામ સાથે શત્રુતા કરીને તેમની સાથે યુદ્ધ કર્યું. તેમનો સંહાર અન્ય કોઈથી થઇ શકે તેમ ન હતો કારણ કે તેઓ દિવ્ય પુરુષો હતા. તેથી, ભગવાને તેમની લીલાના ભાગરૂપે તેમનો સંહાર કર્યો. પશ્ચાત્ તેમને પોતાના દિવ્ય લોકમાં મોકલી દીધા, જ્યાંથી તેઓ પહેલાં આવ્યા હતા.
ધર્મની રક્ષા કરવા: ઘણાં જીવાત્માઓએ સાધના કરીને ભગવાનના સાક્ષાત્કાર માટે પર્યાપ્ત પાત્રતા પ્રાપ્ત કરી હોય છે. જયારે શ્રીકૃષ્ણ સંસારમાં અવતાર ધારણ કરીને આવ્યા, ત્યારે આ પાત્ર જીવાત્માઓને તેમની દિવ્ય લીલાઓમાં ભાગ લેવાનો પ્રથમ સુઅવસર પ્રાપ્ત થયો. ઉદાહરણ તરીકે, કેટલીક ગોપીઓ (વૃંદાવનની ગોવાલણો, જ્યાં શ્રીકૃષ્ણે સ્વયંની દિવ્ય લીલાઓ પ્રગટ કરી) જીવનમુક્ત આત્માઓ હતા, જેઓ શ્રીકૃષ્ણની લીલાઓમાં સહાયરૂપ બનવા દિવ્ય લોકમાંથી અવતર્યા હતા. અન્ય ગોપીઓ કે જે માયાબદ્ધ આત્માઓ હતા, તેમને ભગવાનના મિલનનો, તેમની સેવાનો અને તેમની લીલાઓમાં ભાગ લેવાનો પ્રથમ સુઅવસર પ્રાપ્ત થયો. આ પ્રમાણે, શ્રીકૃષ્ણ આ સંસારમાં અવતાર ધારણ કરીને આવ્યા, તો આવા પાત્ર જીવાત્માઓને ભગવાનની લીલાઓમાં પ્રત્યક્ષ ભાગ લઈને પોતાની ભક્તિ પૂર્ણતા સિદ્ધ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો.
આ શ્લોકનો આ ગૂઢાર્થ છે. આમ છતાં, કોઈને આ શ્લોક અધિક સાહિત્યિક રીતે કે રૂપાત્મક દૃષ્ટિએ સમજવો હોય તો તેમાં કંઈ ખોટું નથી.