યદૃચ્છાલાભસન્તુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સરઃ ।
સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥ ૨૨॥
યદૃચ્છા—સ્વ-પ્રયત્નોથી પ્રાપ્ત; લાભ—લાભ; સંતુષ્ટ:—સંતુષ્ટ; દ્વંદ્વ—દ્વૈતથી; અતીત:—પર; વિમત્સર:—ઈર્ષ્યારહિત; સમ:—સમત્વ; સિદ્ધૌ—સફળતામાં; અસિદ્ધૌ—નિષ્ફળતામાં; ચ—પણ; કૃત્વા—કરીને; અપિ—પણ; ન—કદી નહીં; નિબધ્યતે—બદ્ધ થાય છે.
Translation
BG 4.22: જે મનુષ્ય સ્વત: પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે, ઈર્ષ્યાથી મુક્ત રહે છે, તેઓ જીવનના દ્વન્દ્વથી રહિત છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપિ બદ્ધ થતા નથી.
Commentary
જેવી રીતે સિક્કાની બે બાજુઓ હોય છે તે જ પ્રમાણે ભગવાને પણ આ સૃષ્ટિનું સર્જન અનેક દ્વૈતતાયુક્ત કર્યું છે—રાત્રિ અને દિવસ, મધુર અને ખાટું, ગરમી અને ઠંડી, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ, વગેરે. ગુલાબના છોડમાં સુંદર પુષ્પ પણ હોય છે તો અણગમતા કાંટા પણ હોય છે. જીવન પણ અનેક દ્વૈતતાઓ લઈને આવે છે—સુખ અને દુઃખ, વિજય અને પરાજય, કીર્તિ અને અપકીર્તિ. સ્વયં રામને તેમની દિવ્ય લીલાઓના ભાગરૂપે, અયોધ્યાનાં રાજા તરીકેના રાજ્યાભિષેકની પૂર્વે વનવાસ આપવામાં આવ્યો હતો.
આ સંસારમાં રહીને કોઈપણ વ્યક્તિ દ્વૈતતાને નિષ્પ્રભાવી કરીને કેવળ સુખદ્દ અનુભવોની આશા રાખી શકે નહીં. તો આપણા જીવનમાં ઉદ્ભવતી દ્વૈતતાઓનો આપણે સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરવો? આનું નિવારણ એ છે કે આ દ્વૈતતાઓથી ઉપર ઊઠીને, તેમની પ્રત્યે સર્વ પ્રકારની પરિસ્થિતિઓમાં સમત્વ રાખવાનું શીખીને, તેની પાર જવું. આ ત્યારે સંભવ બને જયારે આપણે આપણા કર્મોના ફળો પ્રત્યે વિરક્તિની ભાવના વિકસિત કરીએ અને ફળોની ઈચ્છાઓથી રહિત થઈને જીવનમાં કેવળ પોતાનાં કર્તવ્યોનું પાલન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. જયારે આપણે ભગવાનની પ્રસન્નતા મારે કર્મ કરીએ છીએ ત્યારે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનાં ફળને ભગવાનની ઈચ્છા તરીકે સહર્ષ સ્વીકારીએ છીએ.