Bhagavad Gita: Chapter 4, Verse 14

ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા ।
ઇતિ માં યોઽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ॥ ૧૪॥

ન—નહીં; મામ્—મને; કર્માણિ—સર્વ પ્રકારના કર્મો; લિમ્પન્તિ—દૂષિત કરે છે; ન—નથી; મે—મારી; કર્મ-ફલે—કર્મના ફળમાં; સ્પૃહા—આકાંક્ષા; ઈતિ—એ રીતે; મામ્—મને; ય:—જે; અભિજાનાતિ—જાણે છે; કર્મભિ:—કર્મફળથી; ન—કદી નહીં; સ:—તે; બધ્યતે—બદ્ધ થાય છે.

Translation

BG 4.14: મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મનાં ફળની આકાંક્ષા છે. જે મારાં આ સ્વરૂપને જાણે છે, તે કદાપિ કર્મફળના બંધનમાં બંધાતો નથી.

Commentary

ભગવાન પૂર્ણ શુદ્ધ છે અને તેઓ જે કંઈ પણ કરે છે, તે પણ શુદ્ધ અને માંગલિક થઈ જાય છે. રામાયણ વર્ણવે છે:

                         સમરથ કહુઁ નહિં દોષુ ગોસાઈં। રબિ પાવક સુરસરિ કી નાઈં।।

“સૂર્ય, અગ્નિ અને ગંગાની જેમ પવિત્ર વિભૂતિઓ, અપવિત્ર પરિસ્થિતિ કે વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ કદાપિ વિકારોથી દૂષિત થતી નથી.” સૂર્યપ્રકાશ મૂત્રના ખાબોચીયા પર પડે છે છતાં સૂર્ય દૂષિત થતો નથી. સૂર્ય તે ગંદા ખાબોચિયાને શુદ્ધ કરીને પણ પોતાની પવિત્રતા જાળવી રાખે છે. એ જ પ્રમાણે, આપણે અગ્નિમાં અશુદ્ધ પદાર્થ નાખીએ તો પણ તેની પવિત્રતા જળવાઈ રહે છે—અગ્નિ પવિત્ર છે અને તેમાં જે કંઈ નાખવામાં આવે છે તે પણ પવિત્ર થઇ જાય છે. એ જ પ્રમાણે, વરસાદી પાણીની નહેરો ગંગામાં ઠલવાય છે, પરંતુ તેને કારણે ગંગા ગટર બની જતી નથી—ગંગા પવિત્ર છે અને તે ગંદી નહેરો પણ ગંગામાં ભળી જવાથી પરિવર્તન પામીને પવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે, ભગવાન તેમણે કરેલા કર્મો દ્વારા દૂષિત થતા નથી.

મનુષ્યને પ્રવૃત્તિઓ ત્યારે કાર્મિક ફળોના બંધનમાં બાંધે છે જયારે તે કર્મો ફળના આસ્વાદન કરવાની મનોવૃત્તિ સાથે કરવામાં આવ્યા હોય. ભગવાનના કાર્યો સ્વાર્થ પ્રેરિત હોતા નથી; તેમનું પ્રત્યેક કર્મ આત્મા પ્રત્યેની કરુણાથી પ્રેરિત હોય છે. તેથી, તેઓ વિશ્વનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંચાલન કરતા હોવા છતાં, અને તેની કાર્યવાહી સંબંધિત સર્વ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાં કર્મફળથી કદાપિ દૂષિત થતા નથી.

સંતો કે જેઓ ભગવદ્-ચેતનામાં સ્થિત થઈ ગયા છે તેઓ પણ માયિક શક્તિથી ગુણાતીત થઈ જાય છે. તેમના પ્રત્યેક કર્મ ભગવદ્-પ્રેમથી પ્રભાવિત હોવાના કારણે આવા પવિત્ર અંત:કરણ ધરાવતાં સંતો કર્મફળની પ્રતિક્રિયાઓથી બંધાતા નથી. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણન છે:

                              યત્પાદ પંકજ પરાગ નિષેવ તૃપ્તા

                             યોગ પ્રભાવ વિધુતાખિલ કર્મ બન્ધાઃ

                            સ્વૈરં ચરન્તિ મુનયોઽપિ ન નહ્યમાના-

                           સ્તસ્યેચ્છયાઽઽત્ત વપુષઃ કુત એવ બન્ધઃ (૧૦.૩૩.૩૫)

“માયિક પ્રવૃત્તિઓ એવા ભગવદ્ ભક્તો કે જેઓ ભગવાનના ચરણ-કમળ-રજની સેવાથી પૂર્ણ તૃપ્ત થયેલા છે, તેમને ક્યારેય દૂષિત કરતી નથી. માયિક શક્તિ એવા જ્ઞાની સાધુઓને પણ દૂષિત કરતી નથી કે જેઓએ સ્વયંને યોગશક્તિ દ્વારા કર્મફળની પ્રતિક્રિયાઓના બંધનોથી મુક્ત કરી લીધા હોય છે. તો પછી સ્વયં ભગવાન જેઓ તેમની મધુર ઈચ્છા અનુસાર દિવ્ય અલૌકિક સ્વરૂપ ધારણ કરે છે, તેમને બંધનયુક્ત થવાનો પ્રશ્ન જ ક્યાં છે?