સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે ।
આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે ॥ ૨૭॥
સર્વાંણિ—સર્વ; ઇન્દ્રિય—ઇન્દ્રિયો; કર્માણિ—કાર્યો; પ્રાણ-કર્માણિ—પ્રાણવાયુનાં કાર્યો; ચ—અને; અપરે—અન્ય; આત્મ-સંયમ યોગગ્નૌ—મનોનિગ્રહની યોગાગ્નિમાં; જુહ્યતિ—અર્પણ કરે છે; જ્ઞાનદીપિતે—જ્ઞાનથી પ્રદીપ્ત.
Translation
BG 4.27: કેટલાક , જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે.
Commentary
કેટલાક યોગીઓ જ્ઞાનમાર્ગનું અનુસરણ કરે છે, જ્ઞાનની સહાયથી તેમની ઇન્દ્રિયોને સંસારમાંથી વિરક્ત કરી દે છે. હઠયોગીઓ જડ સંકલ્પ-શક્તિથી ઈન્દ્રિયોનું નિયમન કરવાનો પ્રયાસ કરે છે, જ્ઞાનયોગીઓ જ્ઞાન આધારિત વિવેકનાં પુનરાવર્તિત અભ્યાસ દ્વારા સમાન લક્ષ્ય સિદ્ધ કરે છે. તેઓ સંસારના ભ્રામક સ્વરૂપના ગહન ચિંતનમાં વ્યસ્ત રહે છે તથા ‘સ્વ’ને શરીર, મન, બુદ્ધિ તથા અહમ્ થી ભિન્ન માને છે. ઇન્દ્રિયો સંસારથી વિરક્ત થઈ જાય છે અને મન ‘સ્વ’ના ધ્યાનમાં લીન થઈ જાય છે. આત્મા પરમ ચરમ સત્ય—પરમાત્મા—સમાન છે, એ ધારણા સાથે તેમનું લક્ષ્ય વ્યવહારિક દૃષ્ટિએ સ્વ-જ્ઞાનમાં સ્થિત થવાનું છે. તેમનાં ચિંતનમાં ઉમેરો કરીને તેઓ “તત્ત્વમસિ” “હું તે છું.” (છાંદોગ્ય ઉપનિષદ્ ૬.૮.૭) તથા “અહમ્ બ્રહ્માસ્મિ” “હું પરમ તત્ત્વ છું.” (બૃહદારણ્યક્ ઉપનિષદ્ ૧.૪.૧૦) જેવા સૂત્રોનું રટણ કરે છે.
જ્ઞાનયોગની સાધના એ અતિ કઠિન માર્ગ છે, જેનાં માટે અતિ દૃઢ કૃતનિશ્ચયતા અને બુદ્ધિ કૌશલ્યની આવશ્યકતા રહે છે. શ્રીમદ્ ભાગવતમ્ (૧૧.૨૦.૭) કહે છે: “નિર્વિણ્ણાનાં જ્ઞાનયોગઃ " “જ્ઞાનયોગની સાધનાનું સાફલ્ય કેવળ એ મનુષ્યો માટે સંભવ છે કે જેઓ વૈરાગ્યની ઉન્નત અવસ્થાએ પહોંચી ગયા છે.”