અપાને જુહ્વતિ પ્રાણં પ્રાણેઽપાનં તથાપરે ।
પ્રાણાપાનગતી રુદ્ધ્વા પ્રાણાયામપરાયણાઃ ॥ ૨૯॥
અપરે નિયતાહારાઃ પ્રાણાન્પ્રાણેષુ જુહ્વતિ ।
સર્વેઽપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષાઃ ॥ ૩૦॥
અપાને—અંદર આવતો શ્વાસ; જુહ્વતિ—અર્પિત કરે છે; પ્રાણમ્—બહાર નીકળતો શ્વાસ; પ્રાણે—બહાર જતા શ્વાસમાં; અપાનમ્—અંદર આવતો શ્વાસ; તથા—એમજ; અપરે—અન્ય; પ્રાણ—બહાર જતા શ્વાસની; અપાન—અંદર આવતા શ્વાસની; ગતિ—ગતિ; રુદ્ધ્વા—રોકીને; પ્રાણ-આયામ—શ્વાસનું નિયંત્રણ; પરાયણા:—પૂર્ણપણે સમર્પિત; અપરે—અન્ય; નિયત—સંયમિત કરેલા; આહારા:—આહારવાળા; પ્રાણાન્—પ્રાણવાયુ; પ્રાણેષુ—જીવન શક્તિ; જુહ્વતિ—આહુતિ અર્પે છે; સર્વ—સર્વ; અપિ—પણ; એતે—આ; યજ્ઞવિદ:—યજ્ઞ કરવાના હેતુથી પરિચિત; યજ્ઞ-ક્ષપિત—યજ્ઞ કરવાથી શુદ્ધ થયેલા; કલ્મષા:—પાપ કર્મમાંથી.
Translation
BG 4.29-30: વળી, અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે, જયારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે. કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ-ઉચ્છ્વાસને નિયંત્રિત કરીને, જીવન શક્તિના નિયમનમાં પૂર્ણતયા મગ્ન થઇ જાય છે. જયારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞરૂપે જીવન-શક્તિમાં અર્પિત કરે છે. આ સર્વ યજ્ઞને જાણનારાઓ, આવા યજ્ઞના પરિણામસ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે.
Commentary
કેટલાક લોકો પ્રાણાયામનો અભ્યાસ કરવા પ્રત્યે આકર્ષિત થાય છે, જેને સરળ શબ્દોમાં ‘શ્વાસ પર નિયંત્રણ’ તરીકે ભાષાંતરિત કરવામાં આવે છે. તેમાં નિમ્ન-લિખિત ક્રિયાઓનો સમાવેશ થાય છે.
પૂરક—ફેફસામાં શ્વાસ ભરવાની ક્રિયા.
રેચક—ફેફસામાંથી શ્વાસ બહાર કાઢવાની ક્રિયા.
આંતર કુંભક—શ્વાસ લીધા પશ્ચાત્ શ્વાસને ફેફસામાં રોકી રાખવો. આમાં, શ્વાસને નિલંબિત અવધિ માટે ઉચ્છ્વાસમાં સ્થગિત કરવામાં આવે છે.
બાહ્ય કુંભક—ઉચ્છ્વાસ પશ્ચાત્ ફેફસાને ખાલી રાખવામાં આવે છે. આમાં, શ્વાસને નિલંબિત અવધિ માટે ઉચ્છ્વાસમાં સ્થગિત કરવામાં આવે છે.
બંને પ્રકારના કુંભક કઠિન ક્રિયાઓ છે અને તેથી યોગ્ય પ્રશિક્ષકના નિરીક્ષણ હેઠળ તેનો અભ્યાસ કરવો જોઈએ, અન્યથા તેને કારણે ક્ષતિ પહોંચી શકે છે. જે યોગીઓ પ્રાણાયામના અભ્યાસ પ્રત્યે રુચિ ધરાવે છે, તેઓ શ્વાસ નિયંત્રણની પદ્ધતિનો ઉપયોગ ઇન્દ્રિયોને વશ કરવા તેમજ મનને કેન્દ્રિત કરવા માટે કરે છે. પશ્ચાત્, તેઓ આ નિયંત્રિત મનને યજ્ઞ-આહુતિના ભાવથી પરમેશ્વરને અર્પિત કરે છે.
પ્રાણ, એ વાસ્તવમાં શ્વાસ નથી; તે સૂક્ષ્મ જીવનદાયિની શક્તિ છે, જે શ્વાસમાં તેમજ વિવિધ ચેતન-અચેતન પદાર્થોમાં વ્યાપ્ત હોય છે. વૈદિક શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં પ્રાણોનું વર્ણન છે—પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન—જે વિવિધ ભૌતિક શરીરની ક્રિયાઓનું નિયમન કરવામાં સહાય કરે છે. આમાંથી સમાન એ શરીરમાં પાચનક્રિયાનું ઉત્તરદાયિત્ત્વ નિભાવે છે. કેટલાક લોકો ઉપવાસ કરવામાં પણ રુચિ ધરાવતા હોય છે. આહારના ચારિત્ર્ય અને વ્યવહાર પર પડતા પ્રભાવથી જ્ઞાત હોવાના કારણે તેઓ તેમનો આહાર ઘટાડી દે છે. ભારતમાં આ પ્રકારના ઉપવાસ આધ્યાત્મિક સાધન તરીકે પ્રાચીનકાળથી ઉપયોગમાં લેવામાં આવ્યા છે તથા અહીં તેને યજ્ઞના રૂપમાં સ્વીકારવામાં આવે છે. જયારે આહાર ઘટી જાય છે, ત્યારે ઇન્દ્રિયો શિથિલ થઇ જાય છે અને પાચન માટે ઉત્તરદાયી સમાનપ્રાણ સ્વત: નિષ્પ્રભાવી થઇ જાય છે. કેટલાક લોકો દ્વારા કરવામાં આવતા યજ્ઞનું આ સ્વરૂપ છે.
લોકો આ વિવિધ પ્રકારની તપસ્યાઓ શુદ્ધિકરણનાં આશયથી કરે છે. મન તથા ઇન્દ્રિયોની તુષ્ટિકરણ માટેની કામનાઓ અંત:કરણને અશુદ્ધ કરે છે. આ સર્વ તપશ્ચર્યાઓનો ઉદ્દેશ્ય ઇન્દ્રિયો અને મનની માયિક પદાર્થોમાંથી સુખ-પ્રાપ્તિની તૃષ્ણા જેવી પ્રાકૃતિક વૃત્તિને ઓછી કરવાની છે. જયારે આ તપશ્ચર્યા પરમાત્માને સમર્પિત યજ્ઞ રૂપે થાય છે ત્યારે તેના પરિણામસ્વરૂપે અંત:કરણની શુદ્ધિ થઇ જાય છે. (અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ, ‘અંત:કરણ’ શબ્દનો ઉપયોગ મન તથા બુદ્ધિનાં આંતરિક તંત્ર માટે થાય છે.)