Bhagavad Gita: Chapter 4, Verse 38

ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે ।
તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ॥ ૩૮॥

ન—નહીં; હિ—નિશ્ચિત; જ્ઞાનેન—જ્ઞાનથી; સદૃશમ્—સરખામણી; પવિત્રમ્—પવિત્ર; ઈહ—આ લોકમાં; વિદ્યતે—છે; સ્વયમ્—પોતે જ; યોગ—યોગસાધના; સંસિદ્ધ:—પરિપકવ થયેલો; કાલેન—યથા સમયે; આત્મનિ—અંત:કરણમાં; વિન્દતિ—આસ્વાદન કરે છે.

Translation

BG 4.38: આ સંસારમાં દિવ્યજ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. જે દીર્ઘકાલીન યોગસાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે, તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે.

Commentary

જ્ઞાનમાં મનુષ્યને પવિત્ર કરવાની, ઉન્નત કરવાની, મુક્ત કરવાની તથા ભગવાન સાથે જોડવાની શક્તિ હોય છે. એથી તે સર્વોત્કૃષ્ટ અને પવિત્ર છે. પરંતુ જ્ઞાનને બે પ્રકારની શ્રેણીઓમાં વિભાજીત કરવું આવશ્યક છે—સૈદ્ધાંતિક જ્ઞાન તથા વ્યાવહારિક જ્ઞાન.

એક પ્રકારનું જ્ઞાન છે જે શાસ્ત્રોનું પઠન કરીને તેમજ ગુરુ પાસેથી શ્રવણ કરીને મેળવવામાં આવે છે. સૈદ્ધાંતિક જ્ઞાન પોતે અપર્યાપ્ત છે. આ તો એવું છે કે, કોઈ પાકશાસ્ત્રનું પુસ્તક ગોખી લે પરંતુ ક્યારેય રસોઈઘરમાં પ્રવેશ પણ ન કર્યો હોય. રસોઈનું આવું સૈદ્ધાંતિક જ્ઞાન કદાપિ વ્યક્તિની ક્ષુધા તૃપ્ત કરવામાં સહાય કરી શકતું નથી. એ જ પ્રમાણે, કોઈ ગુરુ પાસેથી આત્મા, પરમાત્મા, માયા, કર્મ, જ્ઞાન, અને ભક્તિ સંબંધિત વિષયોનું સૈદ્ધાંતિક જ્ઞાન અર્જિત કરી લે પરંતુ આવું જ્ઞાન પોતે મનુષ્યને ભગવદ્-પ્રાપ્તિ કરાવી શકતું નથી. જયારે મનુષ્ય તે સિદ્ધાંતોને અનુસરીને સાધના કરે છે ત્યારે પરિણામ સ્વરૂપે અંત:કરણ શુદ્ધ થઈ જાય છે. પશ્ચાત્, વ્યક્તિ અંદરથી આત્માનું સ્વરૂપ અને તેના ભગવાન સાથેના સંબંધની અનુભૂતિ કરે છે. મહર્ષિ પતંજલિ કહે છે:

           શ્રુતાનુમાનપ્રજ્ઞાભ્યામ્ અન્યવિષયા વિશેષાર્થત્વાત્ (યોગ દર્શન ૧.૪૯)

“યોગ સાધના દ્વારા અંદરથી અનુભૂતિ કરીને પ્રાપ્ત કરેલું જ્ઞાન શાસ્ત્રોના સૈદ્ધાંતિક જ્ઞાન કરતા અનેકઘણું શ્રેષ્ઠ છે.” આવા આત્મિક અનુભૂતિજન્ય જ્ઞાનની શ્રીકૃષ્ણ દ્વારા સૌથી પવિત્ર અને ઉદાત્ત તત્ત્વના રૂપે પ્રશંસા થઈ છે.