Bhagavad Gita: Chapter 6, Verse 1

શ્રીભગવાનુવાચ ।
અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ ।
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ ॥૧॥

શ્રી ભગવાન ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; અનાશ્રિત:—અનિચ્છા; કર્મ-ફલમ્—કર્મફળ; કાર્યમ્—કર્તવ્ય; કર્મ—કર્મ; કરોતિ—કરે છે; ય:—જે; સ:—તે; સંન્યાસી—સંન્યાસી; ચ—અને; યોગી—યોગી; ચ—અને; ન—નહીં; નિ:—રહિત; અગ્નિ:—અગ્નિ; ન—નહીં; ચ—પણ; અક્રિય:—કર્તવ્યવિહીન

Translation

BG 6.1: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા: જે મનુષ્યો કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યોનું પાલન કરે છે, તેઓ વાસ્તવિક સંન્યાસી (વૈરાગી) અને યોગી છે; નહિ કે એ જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે કે તેના શારીરિક કર્તવ્યોનો ત્યાગ કરી દીધો છે.

Commentary

વેદોમાં વર્ણિત ધાર્મિક કર્મકાંડોમાં યજ્ઞો જેવા કે અગ્નિહોત્ર યજ્ઞનો પણ સમાવેશ થાય છે. જે લોકો વૈરાગ્ય ધારણ કરીને સંન્યાસ અવસ્થામાં પ્રવેશ કરે છે, તેમના માટે નિયમ છે કે તેમણે કોઈપણ પ્રકારના ધાર્મિક કર્મકાંડ જેવી ક્રિયાઓ કરવી જોઈએ નહીં; વાસ્તવમાં તેમણે અગ્નિને સ્પર્શ પણ કરવો જોઈએ નહિ, રસોઈના આશયથી પણ નહીં. અને તેમણે ભિક્ષા માંગીને નિર્વાહ કરવો જોઈએ. આમ છતાં, શ્રીકૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે કેવળ અગ્નિ સંબંધિત યજ્ઞોનો પરિત્યાગ કોઈ મનુષ્યને સંન્યાસી (વૈરાગી) બનાવી દેતો નથી.

વાસ્તવિક યોગી કોણ છે અને વાસ્તવિક સંન્યાસી  કોણ છે? આ અંગે અનેક ગેરમાન્યતાઓ છે. લોકો કહે છે: “આ સ્વામીજી ફળાહારી છે (જે કેવળ ફળનો જ આહાર કરે છે અને તે સિવાય અન્ય કંઈ પણ લેતા નથી) અને તેથી તેઓ નિશ્ચિત સિદ્ધ યોગી હશે.” “આ બાબાજી (વિરક્ત) દૂધાહારી છે (કેવળ દૂધ પર જીવન નિર્વાહ કરનાર) અને તેથી તેઓ નિશ્ચિત મહાયોગી હશે.” “આ ગુરુજી પવનાહારી છે (કંઈ પણ આહાર લીધા વિના કેવળ શ્વાસની હવા પર જીવનનિર્વાહ કરનાર), તેથી તેઓ નિશ્ચિત ભગવદ્-પ્રાપ્ત હશે.” “આ સાધુ નાગા બાવા છે (વૈરાગી જે વસ્ત્રો ધારણ કરતા નથી) અને તેથી એ પૂર્ણ વિરક્ત છે.” જો કે શ્રીકૃષ્ણ આ સર્વ માન્યતાઓને રદિયો આપે છે. તેઓ કહે છે કે આવી બાહ્ય વિરક્ત ક્રિયાઓથી કોઈ સંન્યાસી કે યોગી બની શકતું નથી. તે મનુષ્યો કે જેઓ તેમના કર્મોના ફળો ભગવાનને સમર્પિત કરીને તેનો પરિત્યાગ કરે છે, તે વાસ્તવિક વિરક્ત કે યોગી છે.

આજકાલ પાશ્ચાત્ય જગતમાં ‘યોગા’ શબ્દ ખૂબ પ્રચલિત છે. વિશ્વના પ્રત્યેક રાષ્ટ્રોમાં અનેક યોગ કેન્દ્રો ખુલી ગયા છે. આંકડાશાસ્ત્ર દર્શાવે છે કે અમેરિકામાં દરેક દસ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ‘યોગા’નો અભ્યાસ કરે છે. પરંતુ આ ‘યોગા’ શબ્દ સંસ્કૃત ગ્રંથોમાં સ્થાન ધરાવતો નથી. વાસ્તવિક શબ્દ છે ‘યોગ’- અર્થાત્ ‘જોડાણ’. તેનો અર્થ છે વ્યક્તિગત ચેતનાનું દિવ્ય ચેતના સાથેનું જોડાણ. બીજા શબ્દોમાં કહીએ તો, યોગી એ છે કે જેનું મન પૂર્ણતયા ભગવાનમાં તન્મય છે. એનો અર્થ એ પણ છે કે આવા યોગીનું મન સહજ રીતે સંસાર પ્રત્યે અનાસક્ત હોય છે. આમ, વાસ્તવિક યોગી, વાસ્તવિક સંન્યાસી પણ હોય છે.

જે મનુષ્યો કર્મયોગનું પાલન કરે છે, તેઓ દરેક કર્તવ્ય ભગવાનની વિનમ્ર સેવાની ભાવના સાથે કરે છે અને તેનું જે કંઈ પણ ફળ હોય તે પ્રત્યે કોઈ આસક્તિ ધરાવતા નથી. આવા મનુષ્યો ગૃહસ્થ જીવન (પરિવાર સાથેનું જીવન) જીવતા હોવા છતાં, વાસ્તવિક યોગી અને સાચા વિરક્ત છે.