સુખમાત્યન્તિકં યત્તદ્ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ્ ।
વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ ॥૨૧॥
સુખમ્—સુખ; આત્યન્તિકમ્—અસીમ; યત્—જે; તત્—તે; બુદ્ધિ—બુદ્ધિ દ્વારા; ગ્રાહ્યમ્—ગ્રહણ કરવા યોગ્ય; અતિન્દ્રિયમ્—ઇન્દ્રિયાતીત; વેત્તિ—જાણે છે; યત્ર—જેમાં; ન—કદી નહીં; ચ—અને; એવ—નિશ્ચિત; અયમ્—આ; સ્થિત:—સ્થિત; ચલતિ—વિચલિત થાય છે; તત્ત્વત:—સનાતન સત્યથી.
Translation
BG 6.21: યોગની તે આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે, તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપિ સનાતન સત્યથી વિચલિત થતો નથી.
Commentary
આનંદ માટેની કામના એ આત્માની મૂળભૂત પ્રકૃતિ છે. આ એ વાસ્તવિકતામાંથી ફલિત થાય છે કે, આપણે ભગવાનના સૂક્ષ્મ અંશ છીએ, જેઓ આનંદ સિંધુ છે. વૈદિક શાસ્ત્રોના અનેક અવતરણો દ્વારા આ સિદ્ધ કરવામાં આવ્યું છે, જેનો ઉલ્લેખ શ્લોક ૫.૨૧ માં કરવામાં આવ્યો છે. અહીં ભગવાનની અસીમ આનંદ સિંધુ પ્રકૃતિને સિદ્ધ કરતા અનેક અવતરણો આપવામાં આવ્યા છે:
રસો વૈ સ: રસં હ્યેવાયં લબ્ધ્વાઽઽનન્દી ભવતિ (તૈતરીય ઉપનિષદ્ ૨.૭)
“ભગવાન સ્વયં આનંદ છે; પ્રત્યેક આત્મા તેની પ્રાપ્તિથી આનંદમય થઈ જાય છે.
આનન્દમયોઽભ્યાસાત્ (બ્રહ્મ સૂત્ર ૧.૧.૧૨)
“ભગવાન આનંદનું સાક્ષાત સ્વરૂપ છે.”
સત્યજ્ઞાનાનન્તાનન્દમાત્રૈકરસમૂર્તય: (ભાગવતમ્ ૧૦.૧૩.૫૪)
“ભગવાનનું દિવ્ય સ્વરૂપ શાશ્વતતા, જ્ઞાન અને આનંદથી બનેલું છે.”
આનન્દ સિંધુ મધ્ય તવ વાસા, બિનુ જાને કત મરસી પિયાસા (રામાયણ)
“ભગવાન, જે આનંદ સિંધુ છે, તેઓ તમારી અંદર બિરાજમાન છે. તેમને જાણ્યા વિના તમારી આનંદ પ્રાપ્તિની તરસ કેવી રીતે તૃપ્ત થશે?”
અનેક કલ્પોથી આપણે પૂર્ણ આનંદ માટે તરસી રહ્યા છીએ અને આપણે જે કંઈપણ કરીએ છીએ, તે એ જ આનંદની શોધ માટે કરીએ છીએ. પરંતુ તૃપ્તિના વિષયોથી મન અને ઇન્દ્રિયોને કેવળ વાસ્તવિક આનંદના આભાસી પ્રતિબિંબની જ અનુભૂતિ થાય છે. આવી ઇન્દ્રિય-તૃપ્તિ ભગવાનના અનંત આનંદ માટે તરસી રહેલા અંદરના આત્માની ઝંખના તૃપ્ત કરવા માટે નિષ્ફળ નીવડે છે.
જયારે મન ભગવાન સાથે તાદાત્મ્ય સાધે છે ત્યારે આત્મા અકથનીય અને ઉત્કૃષ્ટ આનંદની અનુભૂતિ કરે છે, જે ઇન્દ્રિયોના ક્ષેત્રથી પરે હોય છે. વૈદિક શાસ્ત્રોમાં આ અવસ્થાને સમાધિ કહે છે. મહર્ષિ પતંજલિ કહે છે: સમાધિસિદ્ધિરીશ્વર પ્રણિધાનાત્ (પતંજલિ યોગદર્શન ૨.૪૫) “સમાધિમાં સિદ્ધ થવા માટે ભગવાનને શરણાગત થાઓ.” સમાધિની અવસ્થામાં, પૂર્ણ તૃપ્તિ અને સંતોષની અનુભૂતિ કરતા આત્માની કોઈ કામના શેષ રહેતી નથી, પરિણામે પરમ સત્યથી એક ક્ષણ માટે પણ વિચલિત થયા વિના તેમાં દૃઢતાથી સ્થિત થઈ જાય છે.