પૂર્વાભ્યાસેન તેનૈવ હ્રિયતે હ્યવશોઽપિ સઃ ।
જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દબ્રહ્માતિવર્તતે ॥૪૪॥
પૂર્વ—અતીત; અભ્યાસેન—અભ્યાસ દ્વારા; તેન—તેનાથી; એવ—નિશ્ચિત; હ્રિયતે—આકર્ષિત થાય છે; હિ—નક્કી; અવશ:—અસહાય; અપિ—પણ; સ:—તે વ્યક્તિ; જિજ્ઞાસુ:—જિજ્ઞાસુ; અપિ—છતાં; યોગસ્ય—યોગ વિષે; શબ્દ-બ્રહ્મ—વેદોનો સકામ વિભાગ; અતિવર્તતે—અતિક્રમણ કરે છે.
Translation
BG 6.44: ખરેખર, તેઓ તેમના પૂર્વજન્મોના આત્મસંયમનાં બળથી, તેમની ઈચ્છાથી વિપરીત, ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે. આવા જિજ્ઞાસુઓ શાસ્ત્રોનાં કર્મકાંડી સિદ્ધાંતોથી સ્વત: ઉપર ઉઠી જાય છે.
Commentary
એકવાર આધ્યાત્મિક ભાવનાઓ અંકુરિત થઈ જાય છે, પશ્ચાત્ તેને સમાપ્ત કરી શકાતી નથી. વર્તમાન અને પૂર્વજન્મોનાં ભક્તિયુક્ત સંસ્કારો (વૃત્તિઓ અને પ્રભાવો)ને કારણે આત્મા સ્વાભાવિક રીતે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રેરિત થાય છે. આવા મનુષ્યો ભગવાન પ્રત્યે આકર્ષણ અનુભવે છે. આ ખેંચાણને “ભગવાનનું નિમંત્રણ” પણ કહેવામાં આવે છે. અતીતના સંસ્કારોને આધારે ભગવાનનું આ નિમંત્રણ એટલું તીવ્ર હોય છે કે એમ કહેવાય છે, “ભગવાનનું નિમંત્રણ એ મનુષ્યના જીવનનું સૌથી અધિક સશક્ત નિમંત્રણ છે.” જે લોકો તેનો અનુભવ કરે છે તેઓ સમગ્ર વિશ્વને તથા તેમના મિત્રો અને સંબંધીઓની શિખામણોને અવગણીને તેમના હૃદયે અંકિત કરેલા માર્ગ પર ચાલવા નીકળી પડે છે. ઈતિહાસમાં પણ જોવા મળે છે કે મહાન રાજકુમારો, કુલીન પુરુષો, સંપત્તિશાળી ઉદ્યોગપતિઓ વગેરે લોકો તેમના સાંસારિક પદ અને સુવિધાઓનો પરિત્યાગ કરીને તપસ્વીઓ, યોગીઓ, સાધુઓ, રહસ્યવાદીઓ અને સ્વામીઓ બની ગયા છે. તેમની ભૂખ કેવળ ભગવાન અંગેની જ હોવાથી તેઓ કુદરતી રીતે જ ભૌતિક ઉન્નતિ માટે વેદોમાં વર્ણિત કર્મકાંડી સાધનાથી ઉપર ઉઠી જાય છે.