ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ ।
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ ॥૫॥
ઉદ્ધરેત્—ઉદ્ધાર; આત્મના—મનથી; આત્માનમ્—જીવ; ન—નહીં; આત્માનમ્—જીવ; અવસાદયેત્—પતન; આત્મા—મન; એવ—જ; હિ—ખરેખર; આત્માન:—જીવનું; બન્ધુ:—મિત્ર; એવ—જ; રિપુ:—શત્રુ; આત્મન:—જીવનો.
Translation
BG 6.5: મનુષ્યે મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ અને પતન થવા દેવું જોઈએ નહીં. કારણ કે, મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે.
Commentary
આપણે સ્વયં પોતાના ઉત્થાન કે અધ:પતન માટે ઉત્તરદાયી છીએ. આપણા માટે કોઈ અન્ય ભગવદ્-પ્રાપ્તિના માર્ગે યાત્રા કરી શકે નહીં. સંતો અને ગુરુઓ આપણને માર્ગ દર્શાવે છે, પરંતુ તેના પર યાત્રા આપણે સ્વયં કરવી પડે છે. હિન્દીમાં કહેવત છે: એક પેડ દો પક્ષી બૈઠે, એક ગુરુ એક ચેલા, અપની કરની ગુરુ ઉતરે, અપની કરની ચેલા. “એક વૃક્ષ પર બે પક્ષી બેઠાં છે- એક ગુરુ અને એક શિષ્ય. ગુરુ તેના પોતાના કર્મો દ્વારા ઉતરશે અને શિષ્ય પણ તેના કર્મો દ્વારા જ નીચે ઉતરી શકશે.”
આ જન્મ પૂર્વે આપણા અસંખ્ય જન્મો થઈ ચૂક્યા છે અને ભગવદ્-પ્રાપ્ત સંતો પૃથ્વી પર સદા ઉપસ્થિત રહ્યા છે. જો કોઈપણ સમયે વિશ્વ આવા સંતોથી રહિત રહે તો તે સમયકાળના જીવો ભગવદ્-પ્રાપ્ત થઈ શકે નહીં. તો પછી તેઓ મનુષ્ય જીવનમાં ભગવદ્-પ્રાપ્તિના પરમ ઉદ્દેશ્યને કેવી રીતે સિદ્ધ કરી શકે? આથી, ભગવાન સુનિશ્ચિત કરે છે કે ભગવદ્-પ્રાપ્ત સંતો પ્રત્યેક યુગમાં નિષ્ઠાવાન જીવોને માર્ગદર્શન આપવા તેમજ માનવજાતિને પ્રેરિત કરવા સદા ઉપસ્થિત રહે. આમ, અનંત જન્મોમાં આપણે અનેક વખત ભગવદ્-પ્રાપ્ત સંતોને મળ્યા હોઈશું અને છતાં આપણી ભગવદ્-પ્રાપ્તિ થઈ નહિ. આનો અર્થ એ છે કે, કદાપિ ઉચિત માર્ગદર્શનનાં અભાવની સમસ્યા હતી જ નહીં, પરંતુ તેમનો સ્વીકાર કરવા માટે અથવા તો તેનું અનુસરણ કરવા પ્રત્યે આપણું મૌન- એ સમસ્યા છે. તેથી, સર્વ પ્રથમ આપણે વર્તમાન સમયની આપણી આધ્યાત્મિક કક્ષા માટેના કે તેના અભાવ માટેના ઉત્તરદાયિત્ત્વનો સ્વીકાર કરવો પડશે. તત્પશ્ચાત્ જ આપણે એ વિશ્વાસ જાગૃત કરી શકીશું કે જો આપણે સ્વયં વર્તમાન અવસ્થા માટે જવાબદાર છીએ તો પછી આપણે સ્વ-પ્રયત્નો દ્વારા આપણો ઉદ્ધાર પણ કરી શકીશું.
આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે જો આપણે વિપરીતતાનો સામનો કરવો પડે છે તો આપણને એવી ફરિયાદ કરવાની વૃત્તિ હોય છે કે અન્ય લોકોનાં કારણે આ ઉત્પાત થયો અને તેઓ આપણા શત્રુ છે. પરંતુ, આપણો મહાન શત્રુ આપણું મન છે. આ નકારાત્મકતા જ આપણી પૂર્ણતા માટેની મહાત્ત્વાકાંક્ષાને નિષ્ફળ કરી નાખે છે. શ્રીકૃષ્ણ કહે છે કે, એક બાજુ આત્માના પરમ કલ્યાણકારી રૂપે મનમાં આપણું ઉત્તમ કલ્યાણ કરવાની ક્ષમતા રહેલી છે અને બીજી બાજુ, આપણા મહાન પ્રતિસ્પર્ધી તરીકે આપણને સૌથી અધિક નુકસાન કરવાની પણ તેનામાં ક્ષમતા રહેલી છે. નિયંત્રિત મન અનેક કલ્યાણકારી કાર્યો સંપન્ન કરી શકે છે, જયારે અનિયંત્રિત મન અધમમાં અધમ વિચારો દ્વારા ચેતનાનું પતન કરી શકે છે.
મનનો મિત્ર તરીકે ઉપયોગ કરવા માટે તેની પ્રકૃતિને સમજવી આવશ્યક છે. આપણું મન ચાર કક્ષાએ કાર્ય કરે છે:
૧. મન: જયારે તે વિચારોનું સર્જન કરે છે ત્યારે તેને આપણે મન કહીએ છીએ.
૨. બુદ્ધિ: જયારે તે વિશ્લેષણ કરે છે અને નિર્ણય લે છે ત્યારે તેને આપણે બુદ્ધિ કહીએ છીએ.
૩. ચિત્ત: જયારે તે કોઈ પદાર્થ કે વ્યક્તિ પ્રત્યે આસક્ત થાય છે ત્યારે તેને આપણે ચિત્ત કહીએ છીએ.
૪. અહંકાર: જયારે તે શારીરિક ઓળખ સાથે તાદાત્મ્ય કરે છે અને સંપત્તિ, પ્રતિષ્ઠા, સૌન્દર્ય અને જ્ઞાનનો ગર્વ કરે છે, ત્યારે તેને આપણે અહંકાર કહીએ છીએ.
આ ચાર ભિન્ન-ભિન્ન તત્ત્વો નથી. આ મનના કાર્ય-સંચાલનની કેવળ ચાર કક્ષાઓ છે. તેથી, આપણે તે સર્વનો મન તરીકે અથવા મન-બુદ્ધિ તરીકે અથવા મન-બુદ્ધિ-અહંકાર તરીકે અથવા મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર તરીકે ઉલ્લેખ કરી શકીએ. આ સર્વનો એક સમાન અભિપ્રાય છે.
અહીં જે ‘ego’ શબ્દનો ઉપયોગ થયો છે, તે Freudian psychology ના સૂચિતાર્થથી ભિન્ન છે. ઓસ્ટ્રિયન neurologist સિગમંડ ફ્રોઈડે (૧૮૫૬ – ૧૯૩૯) મન કેવી રીતે કાર્ય કરે છે તે અંગેનો પ્રથમ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રસ્તુત કર્યો. તેના મતાનુસાર ઈગો એ ‘વાસ્તવિક સ્વ’ છે, જે આપણી નિરંકુશ ઈચ્છાઓ (ઇડ) અને મૂલ્ય પ્રણાલી (સુપર ઈગો) કે જે બાળપણમાં શીખવવામાં આવે છે, તે બંને વચ્ચેનો સેતુ છે.
વિવિધ શાસ્ત્રો મનનું આ ચાર પ્રકારમાંથી કોઈ એક દ્વારા તેમાં પ્રસ્તુત વિભાવનાના સ્પષ્ટીકરણના હેતુથી વર્ણન કરે છે. તે સર્વ આપણી અંદર રહેલા એક સમાન ઉપકરણનું સૂચન કરે છે, જેને સામૂહિક રીતે અંત:કરણ અથવા મન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે,
*પંચદશી આ ચારેયનો સામૂહિક રીતે મન તરીકે ઉલ્લેખ કરે છે અને કહે છે કે તે માયિક બંધનનું કારણ છે.
*ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પુન: પુન: મન અને બુદ્ધિની બે ભિન્ન વિષયો તરીકે ચર્ચા કરે છે અને બંનેને ભગવાનને શરણાગત કરવા ઉપર ભાર મૂકે છે.
*યોગ દર્શન પ્રકૃતિના ભિન્ન-ભિન્ન તત્ત્વોનું વિશ્લેષણ કરતી વખતે ત્રણ તત્ત્વોની ચર્ચા કરે છે: મન, બુદ્ધિ અને અહંકાર.
*શંકરાચાર્ય આત્મા માટે ઉપસ્થિત ઉપકરણોની સ્પષ્ટતા કરતી વખતે મનને ચાર વિભાગમાં વર્ગીકૃત કરે છે — મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
આમ, જયારે શ્રીકૃષ્ણ કહે છે કે આપણે સ્વની ઉન્નતિ માટે મનનો ઉપયોગ કરવો જોઈએ, ત્યારે તેમનો ભાવાર્થ એ હોય છે કે આપણે ઉચ્ચતર મનનો ઉપયોગ નિમ્નતર મનની ઉન્નતિ માટે કરવો જોઈએ. બીજા શબ્દોમાં, આપણે મનને નિયંત્રિત કરવા બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. આ કેવી રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત રજૂઆત શ્લોક ૨.૪૧ અને પુન: ૩.૪૩માં કરવામાં આવી છે.