Bhagavad Gita: Chapter 6, Verse 8

જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ ।
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ॥૮॥

જ્ઞાન—જ્ઞાન; વિજ્ઞાન—અનુભૂત જ્ઞાન, આંતરિક જ્ઞાન; તૃપ્ત આત્મા—સંતુષ્ટ જીવાત્મા; કૂટ-સ્થ:—અક્ષુબ્ધ; વિજિત-ઇન્દ્રિય:—ઇન્દ્રિયોને જીતી લેનાર; યુક્ત:—જે પરમાત્મા સાથે નિરંતર સંસર્ગમાં રહે છે; ઇતિ—એ રીતે; ઉચ્યતે—કહેવાય છે; યોગી—યોગી; સમ—સમદર્શી; લોષ્ટા—કાંકરા; અશ્મ—પથરા; કાઞ્ચનઃ:—સોનુ.

Translation

BG 6.8: યોગી કે જે જ્ઞાન અને વિવેકબુદ્ધિથી તૃપ્ત થયેલા છે; અને જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે. તેઓ સર્વ પદાર્થો — ધૂળ, પથરા, અને સુવર્ણને એકસમાન જોવે છે.

Commentary

જ્ઞાન એ ગુરુ-વચનનું શ્રવણ કરીને તથા શાસ્ત્રોનું અધ્યયન કરીને પ્રાપ્ત કરેલી સૈદ્ધાંતિક સમજ છે. વિજ્ઞાન એ જ્ઞાનની અનુભૂતિ છે, જે આંતરિક જાગૃતિ અને અંદરથી પ્રગટ થયેલી પ્રજ્ઞાનું સ્વરૂપ ધારણ કરે છે. સિદ્ધ યોગીની બુદ્ધિ, જ્ઞાન અને વિજ્ઞાન બંનેથી પ્રકાશિત થાય છે. વિવેક સંપન્ન યોગી, સર્વ માયિક પદાર્થોને માયિક ઉર્જાના રૂપાંતરણના સ્વરૂપે જોવે છે. આવા યોગી પદાર્થો વચ્ચે તેની આકર્ષિતતાના આધારે ભેદ કરતા નથી. પ્રબુદ્ધ યોગી સર્વ પદાર્થોને તેના ભગવાન સાથેના સંબંધનાં રૂપે જોવે છે. માયિક શક્તિ ભગવાન સાથે સંબંધ ધરાવે છે, તેથી સર્વ પદાર્થો ભગવાનની સેવા અર્થે હોય છે.

કૂટસ્થ શબ્દનો પ્રયોગ તેમના માટે કરવામાં આવ્યો છે કે જે ઇન્દ્રિય બોધના માયિક શક્તિ સાથેના અસ્થિર સંપર્કથી મનને દૂર રાખે છે. તેઓ ન તો સુખદાયક પરિસ્થિતિઓની ઈચ્છા કરે છે કે ન તો દુઃખદાયક પરિસ્થિતિઓની ઉપેક્ષા કરે છે.વિજિતેન્દ્રિય એ છે કે જેણે ઇન્દ્રિયોને પરાજિત કરી છે. યુક્ત શબ્દનો અર્થ છે, જે પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં છે. આવો મનુષ્ય ભગવાનના દિવ્ય  આનંદનું આસ્વાદન કરે છે અને તેથી તૃપ્ત આત્મા અથવા તો અનુભૂત જ્ઞાનના ગુણથી પૂર્ણપણે સંતુષ્ટ થઈ જાય છે.