Bhagavad Gita: Chapter 6, Verse 2

યં સંન્યાસમિતિ પ્રાહુર્યોગં તં વિદ્ધિ પાણ્ડવ ।
ન હ્યસંન્યસ્તસઙ્કલ્પો યોગી ભવતિ કશ્ચન ॥૨॥

યમ્—જે; સંન્યાસમ્—સંન્યાસ; ઇતિ—એમ; પ્રાહુ:—તેઓ કહે છે; યોગમ્—યોગ; તમ્—તેને; વિદ્ધિ:—જાણ; પાણ્ડવ —અર્જુન, પાંડુપુત્ર, ન—કદી નહીં; હિ—નિશ્ચિત; અસંન્યસ્ત—પરિત્યાગ કર્યા વિના; સંકલ્પ:—ઈચ્છા; યોગી—યોગી; ભવતિ—થાય છે કશ્ચન—કોઈ પણ.

Translation

BG 6.2: જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે, કારણ કે સાંસારિક ઈચ્છાઓના પરિત્યાગ વિના કોઈપણ યોગી બની શકતું નથી.

Commentary

સંન્યાસી એ છે કે જે મન અને ઇન્દ્રિયોના સુખોનો પરિત્યાગ કરે છે. પરંતુ કેવળ પરિત્યાગ એ લક્ષ્ય નથી અથવા તો તે લક્ષ્ય સુધી પહોંચવા માટે પર્યાપ્ત નથી. વૈરાગ્યનો અર્થ છે કે આપણી ખોટી દિશામાં થતી દોડ બંધ થઈ જવી. આપણે સંસારમાં આનંદ શોધી રહ્યા હતા અને આપણને એ જ્ઞાત થઈ ગયું કે ભૌતિક સુખોમાં આનંદ નથી અને પરિણામે આપણે સંસારની દિશામાં દોડવાનું બંધ કરી દીધું. પરંતુ કેવળ રોકાઈ જવાથી ગંતવ્ય સુધી પહોંચી શકાતું નથી. આત્માનું ગંતવ્ય ભગવદ્-પ્રાપ્તિ છે. ભગવાન તરફ જવાની ક્રિયા— મનને ભગવાન તરફ લઈ જવાની ક્રિયા—એ યોગમાર્ગ છે. જેમને જીવનના લક્ષ્ય અંગેનું અપૂર્ણ જ્ઞાન છે, તેઓ વૈરાગ્યને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ લક્ષ્ય તરીકે જોવે છે. જેઓ જીવનના લક્ષ્ય અંગે વાસ્તવિક જ્ઞાન ધરાવે છે, તેઓ ભગવદ્-સાક્ષાત્કારને તેમના આધ્યાત્મિક પ્રયાસોના પરમ લક્ષ્ય તરીકે સ્વીકારે છે.

શ્લોક ૫.૪ના ભાવાર્થમાં સ્પષ્ટ જણાવ્યું છે કે બે પ્રકારના વૈરાગ્ય હોય છે-ફલ્ગુ વૈરાગ્ય અને યુક્ત વૈરાગ્ય. ફલ્ગુ વૈરાગ્ય અર્થાત્ જેમાં સાંસારિક પદાર્થોને માયા શક્તિના વિષયોનાં રૂપમાં જોવામાં આવે છે અને તેઓ આધ્યાત્મિક ઉન્નતિ માટે હાનિકારક હોવાથી તેમનો પરિત્યાગ કરવામાં આવે છે છે. યુક્ત વૈરાગ્ય અર્થાત્ જેમાં પ્રત્યેક પદાર્થને ભગવદ્-સંબધી રૂપમાં જોવામાં આવે છે અને તેથી તેનો ઉપયોગ ભગવદ્-સેવામાં થાય છે. પ્રથમ પ્રકારના વૈરાગ્ય માટે એમ કહી શકાય, “ધનનો પરિત્યાગ કરો. તેને સ્પર્શ પણ ન કરો. તે માયાનું સ્વરૂપ છે અને તે આધ્યાત્મિક માર્ગમાં અવરોધ છે.” બીજા પ્રકારના વૈરાગ્ય માટે કહી શકાય કે, “ધન પણ ભગવદ્-શક્તિનું સ્વરૂપ છે. તેનો વ્યય ન કરો અથવા તેનો ત્યાગ ન કરો; તમારા આધિપત્યમાં જે કંઈ છે, તેનો ઉપયોગ ભગવદ્-સેવામાં કરો.”

ફલ્ગુ વૈરાગ્ય અસ્થિર છે અને સરળતાથી સંસાર પ્રત્યેની આસક્તિમાં રૂપાંતરિત થઇ શકે છે. ફલ્ગુ શબ્દ ભારતના બિહાર રાજ્યના ગયા શહેરની એક નદી પરથી આવ્યો છે. ફલ્ગુ નદી સપાટીથી નીચે વહે છે. ઉપરથી એમ લાગે છે કે તેમાં પાણી નથી, પરંતુ તમે થોડા ફૂટ ખોદકામ કરો તો તરત પાણીનો પ્રવાહ જોવા મળે છે. આ જ પ્રમાણે, ઘણાં લોકો આશ્રમમાં જવા માટે તેમજ નિવાસ કરવા માટે સંસારનો ત્યાગ કરે છે પરંતુ થોડાં જ વર્ષોમાં તેમનો વૈરાગ્ય નષ્ટ થઈ જાય છે અને મન પુન: સંસારમાં આસક્ત થઈ જાય છે. તેમનો વૈરાગ્ય ફલ્ગુ વૈરાગ્ય હોય છે. સંસાર કષ્ટદાયક અને ઉપદ્રવી લાગતાં તેઓ તેનાથી ભાગીને આશ્રમનો આશ્રય લે છે. પરંતુ જયારે તેમને લાગે છે કે આધ્યાત્મિક જીવન પણ કઠિન અને દુષ્કર છે, તો તેઓ આધ્યાત્મિકતાથી પણ વિરક્ત થઈ જાય છે! જયારે અન્ય એવા લોકો છે જેઓ ભગવાન સાથે તેમનો પ્રેમપૂર્ણ સંબંધ સ્થાપિત કરે છે. ભગવાનની સેવા કરવાની ઈચ્છાથી પ્રેરિત થઈને તેઓ સંસારનો પરિત્યાગ કરીને આશ્રમમાં નિવાસ કરે છે. તેમનો પરિત્યાગ યુક્ત વૈરાગ્ય છે. સામાન્યત: તેઓ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ તેમની આધ્યાત્મિક યાત્રામાં અગ્રેસર રહે છે.

આ શ્લોકની પ્રથમ પંક્તિમાં, શ્રીકૃષ્ણ કહે છે કે, વાસ્તવિક સંન્યાસી એ છે કે જે યોગી છે અર્થાત્ જે મનને પ્રેમભાવયુક્ત સેવાથી ભગવાન સાથે યુક્ત કરી દે છે. દ્વિતીય પંક્તિમાં શ્રીકૃષ્ણ કહે છે કે, કોઈપણ વ્યક્તિ સાંસારિક કામનાઓનો ત્યાગ કર્યા વિના યોગી થઈ શકતો નથી. જો મનમાં સાંસારિક કામનાઓ હશે તો તે સ્વાભાવિક રીતે સંસાર તરફ જ જશે. કારણ કે, મનને જ ભગવાનમાં જોડવાનું છે અને એ ત્યારે જ શક્ય બની શકે જો મન સર્વ સાંસારિક કામનાઓથી મુક્ત હોય. આ પ્રમાણે, યોગી બનવા માટે વ્યક્તિએ આંતરિક રીતે સંન્યાસી હોવું આવશ્યક છે; અને મનુષ્ય કેવળ તો જ સંન્યાસી બની શકે, જો તે યોગી હોય.