Bhagavad Gita: Chapter 6, Verse 26

યતો યતો નિશ્ચરતિ મનશ્ચઞ્ચલમસ્થિરમ્ ।
તતસ્તતો નિયમ્યૈતદાત્મન્યેવ વશં નયેત્ ॥૨૬॥

યત: યત:—જ્યાં જ્યાં; નિશ્ચલતિ—વિચલિત થાય છે; મન:—મન; ચંચલમ્—ચંચળ; અસ્થિરમ્—અસ્થિર; તત:તત:—ત્યાં ત્યાં; નિયમ્ય—નિયમન કરીને; એતત્—આ; આત્મનિ—ભગવાન ઉપર; એવ—જ; વશમ્—વશ; નયેત્—લાવવું જોઈએ.

Translation

BG 6.26: ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જયારે જયારે ભટકતું હોય, ત્યાં ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ.

Commentary

ધ્યાનમાં સફળતા એક દિવસમાં પ્રાપ્ત થઈ શકતી નથી; આ માર્ગ દીર્ઘકાલીન અને શ્રમસાધ્ય છે. જયારે આપણે આપણા મનને ભગવાન પર કેન્દ્રિત કરવાના દૃઢ સંકલ્પ સાથે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે પ્રતીત થાય છે કે તે વારંવાર સંસારી સંકલ્પ અને વિકલ્પમાં ભટક્યા કરે છે. આથી, ધ્યાનની પ્રક્રિયામાં સમાવિષ્ટ આ ત્રણ ચરણોને સમજવા અતિ મહત્ત્વનાં છે:

૧. બુદ્ધિની વિવેકશક્તિની સહાયથી આપણે નિશ્ચય કરીએ છીએ કે સંસાર આપણું લક્ષ્ય નથી. તેથી, આપણે બળપૂર્વક મનને સંસારમાંથી હટાવીએ છીએ. આ માટે પ્રયાસ આવશ્યક છે.

૨. પુન: બુદ્ધિની વિવેક શક્તિથી આપણે સમજીએ છીએ કે કેવળ ભગવાન જ આપણા છે અને ભગવદ્-પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે. તેથી, આપણે એ મનને ભગવાન પ્રત્યે કેન્દ્રિત કરીએ છીએ. આ અંગે પણ પ્રયત્નો આવશ્યક છે.

૩. મન ભગવાનથી વિમુખ થઈને પુન: સંસારમાં ભટકવા લાગે છે. આ માટે પ્રયત્નો કરવાની આવશ્યકતા હોતી નથી, તે સ્વત: થઈ જાય છે.

જયારે તૃતીય ચરણ સ્વત: થાય છે ત્યારે પ્રાય: સાધક હતાશ થઈ જાય છે. “મેં મનને ભગવાન પર કેન્દ્રિત કરવાનાં આટલા કઠિન પ્રયાસો કર્યા પરંતુ મન તો સંસારમાં પુન: ચાલ્યું ગયું.” શ્રીકૃષ્ણ આપણને હતાશા અનુભવવાની ના પાડે છે. તેઓ કહે છે કે, મન ચંચળ છે અને આપણે એ પૂર્વ તૈયારી રાખવી જોઈએ કે આપણા તેને નિયંત્રિત કરવાનાં અનેક પ્રયાસો પશ્ચાત્ પણ તે તેની આસક્તિની દિશામાં ભટકી જશે. તેથી, જયારે તે ભટકવા લાગે કે આપણે પુન: ચરણ એક અને બે—સંસારમાંથી મનને વિમુખ કરવું અને ભગવાનની સન્મુખ કરવું—નું પુનરાવર્તન કરવું જોઈએ. પુન: આપણે અનુભવીએ છીએ કે ચરણ ત્રણ સ્વત: ક્રિયાન્વિત થાય છે. આ સ્તરે આપણે હતાશ થવાનું નથી અને પુન: ચરણ ૧ અને ૨ નું પુનરાવર્તન કરવાનું છે.

આ આપણે વારંવાર કરવું પડશે. પશ્ચાત્, ધીરે ધીરે ભગવાન પ્રત્યે મનની આસક્તિમાં વૃદ્ધિ થશે અને સાથોસાથ, સંસાર પ્રત્યેની વિરક્તિમાં પણ વૃદ્ધિ થશે. આ સ્તરે ધ્યાન કરવું ક્રમશ: સુગમ અને સરળ બનતું જશે. પરંતુ પ્રારંભમાં,આપણે મનને અનુશાસિત કરવાના યુદ્ધ માટેની તૈયારી રાખવી પડશે.