નાત્યશ્નતસ્તુ યોગોઽસ્તિ ન ચૈકાન્તમનશ્નતઃ ।
ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન ॥૧૬॥
ન—નહીં; અતિ—અતિશય; અશ્નત:—ખાવાવાળાનો; તુ—પરંતુ; યોગ:—યોગ; અસ્તિ—થાય છે; ન—નહીં; ચ—અને; એકાન્તમ્—બિલકુલ; અનશ્નત:—ખાવાનો ત્યાગ કરનારને; ન—નહીં; ચ—અને; અતિ—અતિશય; સ્વપ્ન-શીલસ્ય—ઉંઘનારને; જાગ્રત:—જે પર્યાપ્ત નિંદ્રા નથી કરતો; ન—નહીં; એવ—નિશ્ચિત; ચ—અને; અર્જુન—અર્જુન.
Translation
BG 6.16: હે અર્જુન! જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે, અતિ નિંદ્રા કરે છે કે અતિ અલ્પ નિંદ્રા કરે છે, તે યોગમાં સફળતા પ્રાપ્ત કરતો નથી.
Commentary
ધ્યાનના વિષયનું અને તેના દ્વારા સિદ્ધ થતા પરમ લક્ષ્યનું વર્ણન કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ કેટલાક અનુસરણીય નિયમો પ્રદાન કરે છે. તેઓ કહે છે કે, જે લોકો શારીરિક જાળવણી અંગેના નિયમોનું પાલન કરતા નથી, તેઓ યોગમાં સફળ થઈ શકતા નથી. આ માર્ગ પરના નવસાધકો ઘણીવાર તેમના અપર્યાપ્ત જ્ઞાનને કારણે કહે છે: “તમે આત્મા છો અને શરીર નથી. તેથી શારીરિક માવજતને ભૂલીને કેવળ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થાઓ.”
જો કે આવું તત્ત્વજ્ઞાન વ્યક્તિને આગળ લઈ જઈ શકતું નથી. એ સત્ય છે કે આપણે શરીર નથી, આમ છતાં, જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી શરીર આપણું વાહક છે અને તેની માવજત કરવી એ આપણી ફરજ છે. આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતા કહે છે કે, શરીર માધ્યં ખલુ ધર્મ સાધનમ્ “શરીર ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થવા માટેનું વાહન છે.” જો શરીર અસ્વસ્થ થઈ જશે, તો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ અટકી જશે. રામાયણ વર્ણન કરે છે: તનુ બિનુ ભજન વેદ નહિં વરના “આધ્યાત્મિક વ્યસ્તતાને કારણે આપણે શરીરની અવગણના કરીએ તેને વેદો સંમતિ આપતા નથી.” વાસ્તવમાં, તેઓ ભૌતિક વિજ્ઞાનની સહાયથી શરીરની ઉચિત કાળજી લેવાનો ઉપદેશ આપે છે.” ઈશોપનિષદ્દ કહે છે:
અન્ધં તમ: પ્રવિશન્તિ યેઽવિદ્યામુપાસતે
તતો ભૂય ઈવ તે તમો ય ઉ વિદ્યાયાં રતાઃ (૯)
“જેઓ કેવળ ભૌતિક વિજ્ઞાનનું સંવર્ધન કરે છે તેઓ નરકમાં જાય છે. પરંતુ જે કેવળ આધ્યાત્મિક વિજ્ઞાનનું સંવર્ધન કરે છે તે અધિક અંધકારમય નરકમાં જાય છે.” ભૌતિક વિજ્ઞાન આપણા શરીરની દેખભાળ કરવા માટે આવશ્યક છે, જયારે આધ્યાત્મિક વિજ્ઞાન આપણી અંદર રહેલી આંતરિક દિવ્યતાના પ્રાગટ્ય માટે આવશ્યક છે. આપણે જીવનનાં ધ્યેય સુધી પહોંચવા માટે આ બન્નેનું જીવનમાં સંતુલન કરવું જોઈએ. તેથી, યોગાસન, પ્રાણાયામ અને ઉચિત આહારનું વિજ્ઞાન એ વૈદિક જ્ઞાનનાં અનિવાર્ય અંગ છે. ભૌતિક જ્ઞાન માટે ચારેય વેદોના સહયોગી વેદો છે. અથર્વવેદનો સહયોગી વેદ આયુર્વેદ છે, જે ઔષધ અને સુસ્વાસ્થ્ય અંગેનું પ્રાચીન વિજ્ઞાન છે. આ દર્શાવે છે કે, વેદો શારીરિક આરોગ્યની જાળવણી ઉપર વિશેષ ભાર મૂકે છે. તદ્દનુસાર, શ્રીકૃષ્ણ કહે છે કે, અતિ આહાર અને નિરાહાર, અતિ સક્રિયતા અને સંપૂર્ણ નિષ્ક્રિયતા વગેરે આ સર્વ યોગ માટે અવરોધરૂપ છે. આધ્યાત્મિક સાધકે તાજું ભોજન અને પોષક આહાર આરોગીને, પ્રતિદિન વ્યાયામ કરીને અને પ્રતિ રાત્રિ ઉચિત માત્રામાં નિંદ્રા કરીને તેના શરીરની ઉચિત કાળજી લેવી જોઈએ.