Bhagavad Gita: Chapter 6, Verse 38

કચ્ચિન્નોભયવિભ્રષ્ટશ્છિન્નાભ્રમિવ નશ્યતિ ।
અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથિ ॥૩૮॥

કચ્ચિત્—કે કેમ; ન—નહીં; ઉભય—બંને; વિભ્રષ્ટ:—વિચલિત; છિન્ન—છિન્નભિન્ન; અભ્રમ—વાદળ; ઈવ—જેમ; નશ્યતિ—નષ્ટ થાય છે; અપ્રતિષ્ઠ:—કોઈ આધાર વિના; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; વિમૂઢ:—મોહગ્રસ્ત; બ્રહ્મણ:—ભગવદ્-પ્રાપ્તિના; પથિ—માર્ગમાં.

Translation

BG 6.38: હે મહાબાહુ શ્રીકૃષ્ણ! શું યોગના માર્ગેથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતાઓથી વંચિત રહેતો નથી અને બંને લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યા વિના છિન્નભિન્ન વાદળોની જેમ નષ્ટ થઈ જતો નથી?

Commentary

જીવ માટે સફળતા પ્રાપ્ત કરવાની કામના સ્વાભાવિક છે. જીવ ભગવાનનો અંશ હોવાના કારણે આ ઈચ્છા ઉત્પન્ન થાય છે. ભગવાન સર્વ-સંપૂર્ણ છે અને તેથી જીવાત્મા પણ તેના સ્રોતની સમાન પૂર્ણ અને સિદ્ધ થવાની કામના સેવે છે. સફળતા બે ક્ષેત્રોમાં પ્રાપ્ત કરી શકાય છે—માયિક અને આધ્યાત્મિક. જેઓ સંસારને સુખનો સ્રોત માને છે, તેઓ ભૌતિક ઉત્કર્ષ માટે પ્રયાસો કરે છે અને જેઓ આધ્યાત્મિક સંપત્તિને સંપન્ન કરવા યોગ્ય વાસ્તવિક નિધિ માને છે, તેઓ ભૌતિક પ્રયાસોને અવગણીને તેના માટે પ્રયાસ કરે છે. પરંતુ જો આવા અધ્યાત્મવાદીઓ તેમના પ્રયાસોમાં નિષ્ફળ થાય છે તો તેઓ દેખીતી રીતે ન તો આધ્યાત્મિક સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે કે ન તો ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે. આમ વિચારીને અર્જુન પૂછે છે કે શું તેમની પરિસ્થિતિ છિન્નભિન્ન થયેલા વાદળ જેવી થાય છે? જે વાદળ તેના સમૂહથી છુટ્ટું પડી જાય છે તે વ્યર્થ થઈ જાય છે. તે ન તો પર્યાપ્ત છાંયડો પૂરો પડે છે કે ન તો તે આવશ્યક વજન વધારીને વરસાદને સંગ્રહી શકે છે. તે કેવળ વાયુ સાથે ફંગોળાતું રહે છે અને અસ્તિત્ત્વહીન બનીને આકાશમાં જ નષ્ટ થઈ જાય છે. અર્જુન પૂછે છે કે શું અસફળ યોગી બંને લોકમાં સ્થાન પામ્યા વિના આવું ભાગ્ય ભોગવે છે?