Bhagavad Gita: Chapter 6, Verse 47

યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાન્તરાત્મના ।
શ્રદ્ધાવાન્ભજતે યો માં સ મે યુક્તતમો મતઃ ॥૪૭॥

યોગિનામ્—યોગીઓમાંથી; અપિ—પરંતુ; સર્વેષામ્—સર્વ પ્રકારનાં; મત્-ગતેન્—મારામાં પરાયણ; અન્ત:—અંદર; આત્મના—મનથી; શ્રદ્ધાવાન્—પૂર્ણ શ્રદ્ધા સાથે; ભજતે—ભક્તિમાં પરાયણ રહે છે; ય:—જે; મામ્—મને; સ:—તે; મે—મારા દ્વારા; યુક્તતમ:—પરમ યોગી; મત:—માનવામાં આવે છે.

Translation

BG 6.47: સર્વ યોગીઓમાં જેમનું મન નિત્ય મારામાં તલ્લીન રહે છે, જે પૂર્ણ શ્રદ્ધાથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેમને હું સર્વ શ્રેષ્ઠ માનું છે.

Commentary

યોગીઓમાં પણ કર્મયોગી, ભક્તિયોગી, જ્ઞાનયોગી, અષ્ટાંગ યોગી વગેરે પ્રકારના યોગીઓનો સમાવેશ થાય છે. આ શ્લોક કયા પ્રકારનો યોગ સર્વ શ્રેષ્ઠ છે તે અંગેની ચર્ચા પર વિરામ મૂકે છે. શ્રીકૃષ્ણ ઘોષિત કરે છે કે, શ્રેષ્ઠ અષ્ટાંગ યોગી અને હઠયોગી કરતાં પણ ભક્તિ યોગી સર્વશ્રેષ્ઠ છે. આનું કારણ એ છે કે, ભક્તિ એ ભગવાનની સર્વશ્રેષ્ઠ શક્તિ છે. તે એક એવી શક્તિ છે કે, જે ભગવાનને બાંધીને તેમને પણ ભક્તના દાસ બનાવી દે છે. તેથી જ ભગવાન ભાગવતમ્ માં કહે છે:

           અહં ભક્ત-પરાધીનો હ્યસ્વતંત્ર ઈવ દ્વિજ

          સાધુભિર્ગ્રસ્તહૃદયો ભક્તૈર્ભક્તજનપ્રિય: (૯.૪.૬૩)

“હું પરમ સ્વતંત્ર છું અને છતાં હું મારા ભક્તનો દાસ બની જાઉં છે. તેઓ મારા હૃદય પર વિજય પ્રાપ્ત કરે છે. મારા ભક્તોની તો શું વાત કરું, મારા ભક્તોનાં ભક્તો પણ મને અતિ પ્રિય છે.” ભક્તિયોગી દિવ્ય પ્રેમની શક્તિથી સંપન્ન હોય છે અને ભગવાનને સર્વાધિક પ્રિય હોય છે. સ્વયં ભગવાન તેમને સર્વશ્રેષ્ઠ માને છે.

આ શ્લોકમાં શ્રીકૃષ્ણે ભજતે  શબ્દનો ઉપયોગ કર્યો છે. તે ‘ભજ’ મૂળ શબ્દ પરથી આવેલો છે, જેનો અર્થ છે, “સેવા કરવી”. ભક્તિ માટે ‘પૂજા’ એટલે કે “પ્રશસ્તિ કરવી” કરતાં તે અધિક સાર્થક શબ્દ છે. અહીં, શ્રીકૃષ્ણ એ લોકો અંગે ઉલ્લેખ કરી રહ્યા છે કે જેઓ તેમની કેવળ પ્રશસ્તિ જ કરતા નથી પરંતુ પ્રેમપૂર્ણ ભક્તિથી તેમની સેવા પણ કરે છે. આ પ્રમાણે તેઓ ભગવાનના દાસ તરીકે આત્માની પ્રાકૃતિક અવસ્થામાં સ્થિત રહે છે, જયારે અન્ય પ્રકારના યોગીઓ સાક્ષાત્કારની દૃષ્ટિએ હજી પણ અપૂર્ણ છે. તેઓ સ્વયંને ભગવાન સાથે જોડી તો દે છે પરંતુ હજી પોતાને એ જ્ઞાનમાં સ્થિત કરી શક્યા નથી કે તેઓ ભગવાનનાં નિત્ય દાસ છે. 

            મુક્તાનામપિ સિદ્ધાનાં નારાયણપરાયણ:

           સુદુર્લભ: પ્રશાન્તાત્મા કોટીષ્વપિ મહામુને  (ભાગવતમ્ ૬.૧૪.૫)

“અનેક લાખ જેટલા પૂર્ણ અને મુક્ત સંતોમાંથી, પરમાત્મા નારાયણની ભક્તિમાં પરાયણ હોય એવો પ્રશાંત મનુષ્ય અતિ દુર્લભ હોય છે.”

આ શ્લોકની અન્ય સમજૂતી એ છે કે ભક્તિયોગ સૌથી અંતરંગ અને પૂર્ણ ભગવદ્-પ્રાપ્તિ કરાવે છે. આ અંગેની સમજૂતી શ્લોક ૧૮. ૫૫ માં પણ આપવામાં આવી છે જેમાં શ્રીકૃષ્ણ કહે છે કે, કેવળ ભક્તિ યોગી ભગવાનના વાસ્તવિક સ્વરૂપને સમજે છે.