પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ ।
અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ॥૪૫॥
પ્રયત્નાત્—કઠોર સાધના વડે; યતમાન:—પ્રયાસ કરનાર; તુ—તથા; યોગી—યોગી; સંશુદ્ધ—શુદ્ધ થઈને; કિલ્બિષ:—ભૌતિક કામનાઓ દ્વારા; અનેક—અનેક; જન્મ—જન્મ; સંસિદ્ધ:—સિદ્ધિ પ્રાપ્ત કરીને; તત:—ત્યારપછી; યાતિ—પામે છે;પરામ્—સર્વોચ્ચ; ગતિમ્—ગંતવ્ય.
Translation
BG 6.45: જયારે આ યોગીઓ અનેક પૂર્વજન્મોની સંચિત પાત્રતા સાથે અધિક આધ્યાત્મિક પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોમાં વ્યસ્ત થાય છે ત્યારે તેઓ સાંસારિક કામનાઓથી વિશુદ્ધ થઈ જાય છે અને આ જ જીવન દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
Commentary
અનેક પૂર્વજન્મોની સંચિત સાધનાઓ આધ્યાત્મિક પ્રગતિ માટે સહાયરૂપ પવન બની જાય છે. આ લહેરખીમાં, યોગીઓ તેમના પૂર્વજન્મથી ચાલી આવતા જહાજના સઢને વર્તમાન જીવનના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી ઊંચું કરે છે. શ્રીકૃષ્ણ પ્રયત્નાદ્ યતમાનસ્તુ શબ્દનો પ્રયોગ કરે છે, જેનો અર્થ છે, “અગાઉની તુલનામાં અધિક કઠોર પ્રયાસ કરવો”. તુ શબ્દ ઈંગિત કરે છે કે, તેમના વર્તમાન પ્રયાસો, તેમના પૂર્વજન્મો કરતાં અધિક ગહન છે કે જે જન્મોમાં તેઓ યાત્રા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પ્રમાણે તેઓ અતીતની ગતિનો લાભ લેવા માટે સમર્થ બને છે અને અનુકૂળ વાયુને પોતાના લક્ષ્ય તરફ વાળવા માટે અનુમતિ આપે છે. બાહ્ય રીતે જોનારા પ્રેક્ષકોને તો સમગ્ર યાત્રાનું અંતર આ વર્તમાન જીવનમાં જ પસાર કર્યું હોય એમ લાગે છે, પરંતુ શ્રીકૃષ્ણ કહે છે: અનેક જન્મ સંસિદ્ધ: “યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી એ અનેક પૂર્વજન્મોની સંચિત સાધનાઓનું પરિણામ છે.”