સઙ્કલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ ।
મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ ॥૨૪॥
શનૈઃ શનૈરુપરમેદ્ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા ।
આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિઞ્ચિદપિ ચિન્તયેત્ ॥૨૫॥
સંકલ્પ—દૃઢ નિર્ધાર; પ્રભવાન્—ઉત્પન્ન; કામાન્—ઈચ્છાઓ; ત્યકત્વા—ત્યજીને; સર્વાન્—સર્વ; અશેષત:—પૂરેપૂરી; મનસા—મનથી; એવ—નિશ્ચિત; ઇન્દ્રિય-ગ્રામમ્—ઇન્દ્રિયોના સમૂહને; વિનિયમ્ય—નિયમન કરીને; સમન્તત:—બધી બાજુથી; શનૈ:—ધીરે; શનૈ:—ધીરે; ઉપરમેત્—શાંતિ પ્રાપ્તિ; બુદ્ધયા—બુદ્ધિ વડે; ધૃતિ-ગૃહીતયા—શાસ્ત્રો અનુસાર દૃઢ સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરવું; આત્મ-સંસ્થમ્—ભગવાનમાં સ્થિત; મન:—મન; કૃત્વા—કરીને; ન—નહી; કિઞ્ચિત્—કંઈપણ; ચિન્તયેત્—વિચારવું જોઈએ.
Translation
BG 6.24-25: સંસારના ચિંતનથી ઉદ્ભવતી સર્વ ઈચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ. ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક, બુદ્ધિપૂર્વક દૃઢ પ્રતીતિ સાથે, મન કેવળ ભગવાનમાં સ્થિર થઇ જશે અને અન્ય કંઈપણ ચિંતન કરશે નહીં.
Commentary
ધ્યાન માટે મનને સંસારમાંથી હટાવવાની અને ભગવાનમાં લગાવવાની બેવડી પ્રક્રિયાનું અનુપાલન કરવાની આવશ્યકતા છે. અહીં, શ્રીકૃષ્ણ આ પ્રક્રિયાનો પ્રથમ ભાગ—સંસારમાંથી મન હટાવવાની પ્રક્રિયા—નાં વર્ણન સાથે આરંભ કરે છે.
જયારે મન સંસારમાં આસક્ત થાય છે ત્યારે સંસારી પદાર્થો, લોકો, અને ઘટનાઓના વિચારો મનમાં આવે છે. પ્રારંભમાં આ વિચારો સ્ફૂરણા (ભાવના અને મંતવ્યોના ચમકારા) સ્વરૂપે હોય છે. જયારે આપણે તેના અમલીકરણ માટે આગ્રહ રાખીએ છીએ ત્યારે તે સંકલ્પ બને છે. આ પ્રમાણે, વિચારો સંકલ્પ (પદાર્થોની શોધ) અને વિકલ્પ (તેમના પ્રત્યે ઘૃણા) ની દિશા તરફ લઇ જાય છે. આ બંનેનો આધાર આસક્તિ હકારાત્મક છે કે નકારાત્મક છે- તેના પર રહેલો છે. આ શોધ અને ઘૃણાનાં બીજ કામનાઓના છોડમાં અંકુરિત થાય છે. “આમ થવું જોઈએ. આમ ન થવું જોઈએ.” જે પ્રમાણે કેમેરાની ફિલ્મ પ્રકાશના સંપર્કમાં આવતાં છબી ઉપસાવે છે તે જ પ્રમાણે સંકલ્પ અને વિકલ્પ બંને મન પર તત્કાળ પ્રભાવ પાડે છે. આમ, તેઓ ભગવાન પર ધ્યાન એકત્રિત કરવામાં પ્રત્યક્ષ રીતે અવરોધ ઉત્પન્ન કરે છે. તેઓ ભડકી ઉઠવાનું કુદરતી વલણ પણ ધરાવે છે અને જે કામના આજે બીજ સ્વરૂપે છે તે આવતી કાલે આગ બની શકે છે. આથી, જે ધ્યાનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે સંસારી પદાર્થો પ્રત્યેના આકર્ષણનો ત્યાગ કરવો જોઈએ.
ધ્યાનની પ્રક્રિયાના પ્રથમ ભાગ—સંસારમાંથી મન હટાવવું—નું વર્ણન કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ તેના દ્વિતીય ભાગ અંગે વાત કરે છે. મનને ભગવાનમાં સ્થિર થવા તૈયાર કરવું જોઈએ. તેઓ કહે છે કે, આ આપમેળે થશે નહીં, પરંતુ દૃઢતાપૂર્વક પ્રયાસો કરવાથી, ધીરે ધીરે સફળતા પ્રાપ્ત થશે.
શાસ્ત્રો અનુસાર દૃઢતાપૂર્વકના સંકલ્પને ધૃતિ કહે છે. સંકલ્પ, બુદ્ધિની દૃઢ પ્રતીતિથી ઉદ્ભવે છે. ઘણાં લોકો ‘સ્વ’નું સ્વરૂપ અને સંસારી શોધની વ્યર્થતા અંગે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાન ધરાવતા હોય છે. પરંતુ તેમનું દૈનિક જીવન તેમના આ જ્ઞાનથી વિસંગત હોય છે અને તેઓ પાપાચાર, વાસના અને વ્યસનોમાં લિપ્ત થયેલા જોવા મળે છે. આમ થવાનું કારણ એ છે કે, તેમની બુદ્ધિ આ જ્ઞાન સાથે સહમત થતી હોતી નથી. સંસારની ક્ષણભંગુરતા અને મનુષ્યના ભગવાન સાથેના શાશ્વત સંબંધ અંગેની બુદ્ધિની દૃઢ પ્રતીતિથી વિવેકબુદ્ધિનું બળ પ્રાપ્ત થાય છે. આમ, બુદ્ધિનો ઉપયોગ કરીને, વ્યક્તિએ ઇન્દ્રિયજન્ય લિપ્તતાનો ત્યાગ કરવો જોઈએ. આને પ્રત્યાહાર કહેવામાં આવે છે અર્થાત્ ઇન્દ્રિયજન્ય પદાર્થો તરફની મન અને ઇન્દ્રિયોની દોટ પરનું નિયંત્રણ. પ્રત્યાહારમાં શીઘ્ર સફળતા પ્રાપ્ત થઇ જતી નથી. તે ધીરજપૂર્વક અને પુનરાવર્તિત અભ્યાસથી પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ શું છે, તે અંગે શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં વર્ણન કરે છે.