Bhagavad Gita: Chapter 6, Verse 4

યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે ।
સર્વસઙ્કલ્પસંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે ॥૪॥

યદા—જયારે; હિ—નિશ્ચિત; ન—નહીં; ઇન્દ્રિય-અર્થેષુ—ઇન્દ્રિય વિષયો માટે; ન—નહીં; કર્મસુ—કર્મમાં; અનુષજ્જતે—આસક્તિ થવી; સર્વ-સંકલ્પ—કર્મફળો અંગેની સર્વ કામનાઓ; સંન્યાસી—ત્યાગી; યોગ-આરૂઢ:—યોગમાં ઉન્નત; તદા—ત્યારે; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 6.4: જયારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વ કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે, તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ કહેવાય છે.

Commentary

યોગમાં જેમ મન ભગવાનમાં આસક્ત થાય છે તેમ સ્વાભાવિક રીતે તે સંસારથી વિરક્ત થાય છે. તેથી વ્યક્તિનું મન સર્વ માયિક કામનાઓથી મુક્ત થયું છે કે કેમ તેનું પરીક્ષણ કરવું એ વ્યક્તિના મનની અવસ્થાનું મૂલ્યાંકન કરવાનો સરળ માપદંડ છે. જયારે વ્યક્તિ ન તો ઇન્દ્રિયજન્ય વિષયોની લાલસા ધરાવે કે ન તો તેની પ્રાપ્તિ માટે કોઈ કર્મનું અનુસરણ કરે ત્યારે તે મનુષ્યને સંસારથી વિરક્ત ગણવામાં આવે છે. આવો મનુષ્ય ઇન્દ્રિય વિષયસુખ માટેના અવસરોનું સર્જન કરવાનું બંધ કરી દે છે, ભૂતકાળનાં સુખોની સ્મૃતિઓને પણ ઓગાળી નાખે છે અને અંતત: ઇન્દ્રિય સુખના સર્વ વિચારોને શાંત કરી દે છે.

હવે મન ઇન્દ્રિયોની વાસનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થી પ્રવૃત્તિઓના વિપુલ પ્રવાહથી ખેંચાઈ જતું નથી. જયારે આપણે મન પર પ્રભુત્વ મેળવવાની કક્ષાએ પહોંચી જઈએ છીએ ત્યારે આપણને યોગ આરૂઢ ગણવામાં આવે છે.