તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ ।
ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે ॥૧૨॥
સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિરઃ ।
સમ્પ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન્ ॥૧૩॥
તત્ર—ત્યાં; એક-અગ્રમ્—એકાગ્ર; મન:—મન; કૃત્વા—કરીને; યત ચિત્ત—મનને વશમાં કરી; ઇન્દ્રિય—ઇન્દ્રિયો; ક્રિય:—કાર્યો; ઉપવિશ્ય—બેસીને; આસને—આસન ઉપર; યુઞ્જ્યાત્ યોગમ્—યોગ સાધનાનો અભ્યાસ કરવો; આત્મ વિશુદ્ધયે—મનના શુદ્ધિકરણ માટે; સમમ્—સીધું; કાય—શરીર; શિર:—માથું; ગ્રીવમ્—ગરદન; ધારયન્—ધરીને; અચલમ્—અચળ; સ્થિર:—સ્થિર; સમ્પ્રેક્ષ્ય—તાકીને; નાસિક-અગ્રમ્—નાકના અગ્રભાગને; સ્વમ્—પોતાના; દિશ:—દિશાઓ; ચ—અને; અનવલોકયન્—ન જોઇને.
Translation
BG 6.12-13: તેના પર દૃઢતાપૂર્વક બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને, મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેણે શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દૃઢતાપૂર્વક સ્થિત કરીને આંખનાં હલન ચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ.
Commentary
ધ્યાન માટેના આસનનું વર્ણન કરીને શ્રીકૃષ્ણ હવે મનને કેન્દ્રિત કરવા માટે શરીરની ઉત્તમ મુદ્રાનું વર્ણન કરે છે. સાધના દરમિયાન પ્રાય: લોકોમાં આળસ અને ઝોકું ખાઈ લેવાની વૃત્તિ રહેલી હોય છે. આમ થવાનું કારણ એ છે કે, એક માયિક મન જેટલું ઇન્દ્રિય પદાર્થોનું આસ્વાદન કરે છે તેટલું પ્રારંભિક અવસ્થામાં ભગવાનના ચિંતનમાંથી આનંદ પ્રાપ્તિ કરી શકતું નથી. આને કારણે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે મન સુસ્ત થઈ જવાની સંભાવનાઓ રહે છે. તેથી, તમે કદાપિ ભોજન દરમિયાન કોઈને ઝોકું ખાતા જોયા નહીં હોય, પરંતુ તમે ધ્યાન દરમિયાન કે ભગવાનના નામ-સ્મરણ દરમિયાન લોકોને નિદ્રામાં સરકતા જોવો છો. આ નિવારવા માટે શ્રીકૃષ્ણ ટટ્ટાર બેસવાનો ઉપદેશ આપે છે. બ્રહ્મ સૂત્ર પણ ધ્યાનની મુદ્રા અંગે ત્રણ સૂત્રોનું વર્ણન કરે છે:
આસિન: સમ્ભવાત્ (૪.૧.૭) “સાધના કરવા તમે ઉચિત રીતે બેસો.”
અચલત્વં ચાપેક્ષ્ય (૪.૧.૯) “સુનિશ્ચિત કરો કે તમે ટટ્ટાર અને સ્થિર બેઠા છો.”
ધ્યાનાચ્ચ (૪.૧.૮) “આ મુદ્રામાં બેસીને મનને ધ્યાનમાં કેન્દ્રિત કરો.”
હઠયોગ પ્રદીપિકામાં ધ્યાન માટેના અનેક આસનો જેવા કે, પદ્માસન, અર્ધ પદ્માસન, ધ્યાનવીર આસન, સિદ્ધાસન, અને સુખાસન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાંથી આપણને અનુકૂળ હોય એવા કોઈ પણ આસનને અપનાવી શકીએ કે જેમાં ધ્યાનની અવધિ દરમિયાન આપણે સુવિધાપૂર્વક અને હલનચલન કર્યા વિના બેસી શકીએ. મહર્ષિ પતંજલિ કહે છે:
સ્થિરસુખમાસનમ્ (પતંજલિ યોગ સૂત્ર ૨.૪૬)
“ધ્યાનનો અભ્યાસ કરતી વખતે તમારી સુવિધાનુસાર મુદ્રામાં હલનચલન વિના બેસો.”
કેટલાક લોકો ઘૂંટણની સમસ્યાને કારણે જમીન પર બેસી શકતા નથી. તેમણે નિરાશ થવું જોઈએ નહિ, કારણ કે તેઓ ખુરશી પર બેસીને પણ ધ્યાનનો અભ્યાસ કરી શકે છે, તેમણે કેવળ હલનચલન વિના અને ટટ્ટાર બેસવાની શરત પાળવાની રહે છે.
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે, દૃષ્ટિને ચકળવકળ ફેરવ્યા વિના નાસિકાના અગ્રભાગ પર કેન્દ્રિત કરવી જોઈએ. વિકલ્પ તરીકે આંખોને બંધ પણ રાખી શકાય. આ બન્ને પધ્ધતિ સંસારી પ્રલોભનોને અટકાવવામાં સહાયરૂપ થશે.
બાહ્ય બેઠક અને મુદ્રા આ બંને ઉચિત હોવા આવશ્યક છે પરંતુ ધ્યાન એ હકીકતમાં આંતરિક યાત્રા છે. ધ્યાન દ્વારા આપણે આંતરિક ગહનતા સુધી પંહોચી શકીએ છીએ અને અનંત જન્મોથી એકત્રિત થયેલી અશુદ્ધિને સાફ કરીને મનને શુદ્ધ કરી શકીએ છીએ. મનને કેન્દ્રિત કરવાનાં અભ્યાસ દ્વારા આપણે તેની પ્રચ્છન્ન શક્તિઓની સંવાદિતા સાધવાનું કાર્ય કરી શકીએ છે. ધ્યાનની સાધના આપણા વ્યક્તિત્ત્વને સુવ્યવસ્થિત કરવામાં, આપણી આંતરિક ચેતનાને જાગૃત કરવામાં અને આત્મજ્ઞાનની વ્યાપકતા વધારવામાં સહાય કરે છે. ધ્યાનથી પ્રાપ્ત થતા આધ્યાત્મિક લાભની ચર્ચા આગળ શ્લોક સં. ૬.૧૫ના ભાવાર્થમાં કરવામાં આવશે. તેના કેટલાક અન્ય લાભ આ પ્રમાણે છે:
૧. તે ઉચ્છ્રંખલ મન પર લગામનું કાર્ય કરે છે અને કઠિન લક્ષ્યને સાધવા માટે વિચારશક્તિમાં સંવાદિતા લાવે છે.
૨. તે વિપરીત પરિસ્થિતિઓમાં મનનું સમતોલન જાળવી રાખવામાં સહાય કરે છે.
૩. તે દૃઢ સંકલ્પ શક્તિનો વિકાસ કરવામાં સહાય કરે છે, જે જીવનમાં સફળ થવા માટે આવશ્યક છે.
૪. તે વ્યક્તિને કુસંસ્કારોનું નિવારણ કરવા અને સદ્ગુણોને કેળવવા માટે યોગ્ય બનાવે છે.
ઉત્તમ પ્રકારનું ધ્યાન એ છે કે જેમાં મનને ભગવાન ઉપર કેન્દ્રિત કરવામાં આવે. આવનારા બે શ્લોકમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.