તં વિદ્યાદ્ દુઃખસંયોગવિયોગં યોગસઞ્જ્ઞિતમ્ ।
સ નિશ્ચયેન યોક્તવ્યો યોગોઽનિર્વિણ્ણચેતસા ॥૨૩॥
તમ્—તેને; વિદ્યાત્—તારે જાણવું જોઈએ; દુઃખ-સંયોગ-વિયોગ—દુઃખના સંસર્ગથી થતું નિર્મૂલન; યોગ-સઞ્જ્ઞિતમ્—યોગ તરીકે ઓળખાય છે; સ:—તે; નિશ્ચયેન્—દૃઢ નિશ્ચયપૂર્વક; યોક્તવ્ય:—અભ્યાસ કરવો જોઈએ; યોગ:—યોગ; અનિર્વિણ્ણ- ચેતસા—અવિચલિત મન સાથે.
Translation
BG 6.23: દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે. આ યોગની દૃઢતાપૂર્વક કૃતનિશ્ચયી બની, નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ.
Commentary
ભૌતિક વિશ્વ એ માયાનું ક્ષેત્ર છે અને શ્રીકૃષ્ણ દ્વારા શ્લોક ૮.૧૫માં તેને દુ:ખાલયમ્ અશાશ્વતમ્ અર્થાત્ અલ્પકાલીન અને દુઃખોનાં સ્થાન તરીકે પરિભાષિત કરવામાં આવ્યું છે. આ દૃષ્ટિએ ભૌતિક શક્તિ માયાની તુલના અંધકાર સાથે કરવામાં આવી છે. તે આપણને અજ્ઞાનના અંધકારમાં સરકાવીને સંસારમાં યાતના સહન કરવા વિવશ કરી દે છે. આમ છતાં, જયારે આપણે આપણા હૃદયમાં ભગવાનનો પ્રકાશ લઈ આવીએ છીએ ત્યારે માયાનો અંધકાર સહજ રીતે નષ્ટ થઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુ આ વિષયનું સુંદર રીતે નિરૂપણ કરે છે:
કૃષ્ણ—સૂર્ય સમ, માયા હય અન્ધકાર
યાહાં કૃષ્ણ, તાહાં નાહિ માયાર અધિકાર (ચૈતન્ય ચરિતામૃત, મધ્ય લીલા, ૨૨.૩૧)
“ભગવાન સૂર્ય સમાન છે અને માયા અંધકાર સમાન છે. જે પ્રમાણે અંધકાર પ્રકાશ પર આધિપત્ય કરી શકતો નથી, તે પ્રમાણે માયા કદાપિ ભગવાન પર આધિપત્ય કરી શકતી નથી.” હવે, ભગવાનનું સ્વરૂપ દિવ્યાનંદ છે, જયારે માયાનું પરિણામ દુઃખ છે. આ રીતે, જે ભગવાનનો દિવ્યાનંદ પ્રાપ્ત કરી લે છે તેને કદાપિ માયાના દુઃખ પ્રભાવિત કરી શકતા નથી.
આ પ્રમાણે, યોગની અવસ્થા બંનેનું સૂચન કરે છે. ૧) આનંદ પ્રાપ્તિ અને ૨) દુઃખથી મુક્તિ. શ્રીકૃષ્ણ બંને પર ક્રમશ: ભાર મૂકે છે. આ પૂર્વેના શ્લોકમાં યોગના પરિણામ સ્વરૂપ આનંદ પ્રાપ્તિ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો; આ શ્લોકમાં, દુઃખથી મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ શ્લોકની દ્વિતીય પંક્તિમાં શ્રીકૃષ્ણ કહે છે કે દૃઢ સંકલ્પ સાથે અભ્યાસ કરીને આ સિદ્ધાવસ્થા સુધી પહોંચવું જોઈએ. તત્પશ્ચાત્ તેઓ સ્પષ્ટ કરે છે કે આપણે ધ્યાનની સાધના કેવી રીતે કરવી જોઈએ.