Bhagavad Gita: Chapter 11, Verse 3

એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર ।
દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ ॥ ૩॥

એવમ્—આ રીતે; એતત્—આ; યથા—જેમ; આત્થ:—કહ્યું છે; ત્વમ્—આપે; આત્માનમ્—પોતાના વિષે; પરમ-ઈશ્વર—પરમેશ્વર; દૃષ્ટુમ્—જોવા; ઈચ્છામિ—ઈચ્છું છું; તે—આપનું; રૂપમ્—રૂપ; ઐશ્વરમ્—દિવ્ય; પુરુષ-ઉત્તમ્—પુરુષોત્તમ.

Translation

BG 11.3: હે પરમેશ્વર! આપ વાસ્તવમાં એ જ છો જેનું આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે. હે પુરુષોત્તમ! હવે, હું આપના દિવ્ય વિશ્વરૂપના સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું.

Commentary

અર્જુન શ્રીકૃષ્ણનું પુરુષોત્તમ કહીને સંબોધન કરે છે, કારણ કે તેમનાં સમાન અન્ય કોઈ મનુષ્ય નથી. પ્રાય: વિદ્વાનોને તેમના શુષ્ક બૌદ્ધિક વિશ્લેષણના આધારે ભગવાનના સાકાર સ્વરૂપની વિભાવનાનો સ્વીકાર કરવામાં કઠિનતા પ્રતીત થાય છે. તેઓ ભગવાનનો કેવળ નિરાકાર પ્રકાશ સ્વરૂપે સ્વીકાર કરે છે, જે ભગવાન નિર્ગુણ, નિર્વિશેષ, નિ:શક્તિક અને લીલા રહિત છે. પરંતુ જો આપણે અતિ સૂક્ષ્મ આત્માઓ સાકાર સ્વરૂપ ધારણ કરી શકીએ છીએ, તો પછી પરમેશ્વરના સાકાર સ્વરૂપનો શા માટે અસ્વીકાર કરવો જોઈએ? તેઓ કેવળ સાકાર સ્વરૂપ ધરાવતા નથી પરંતુ સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે અને તેથી જ તેઓ પરમ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ છે. આપણા વ્યક્તિત્વ અને ભગવાનના વ્યક્તિત્વ વચ્ચે એ ભિન્નતા છે કે તેઓ કેવળ પૂર્ણ પુરુષોત્તમ જ નથી; તેઓ નિરાકાર સર્વ-વ્યાપક સ્વરૂપ પણ ધરાવે છે, જે ગુણ અને રૂપથી રહિત છે.

અર્જુન ઘોષિત કરે છે કે તે શ્રીકૃષ્ણની દિવ્ય વિભૂતિની વાસ્તવિકતાનો પૂર્ણત: એ જ પ્રમાણે સ્વીકાર કરે છે, જે રીતે તેની સમક્ષ વર્ણન કરવામાં આવ્યું છે. તેને ભગવાનનાં સાકાર સ્વરૂપમાં પૂર્ણ શ્રદ્ધા છે અને છતાં, તે શ્રીકૃષ્ણના વિશ્વરૂપ કે જે ઐશ્વર્યોથી પરિપૂર્ણ છે, તેનું દર્શન કરવા ઈચ્છે છે. તે તેનું ચર્મચક્ષુથી દર્શન કરવા ઈચ્છે છે.