અર્જુન ઉવાચ ।
સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા
જગત્પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ ।
રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવન્તિ
સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસઙ્ઘાઃ ॥ ૩૬॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; સ્થાને—યોગ્ય છે; હ્રષિક-ઈશ—શ્રીકૃષ્ણ, ઇન્દ્રિયોના સ્વામી; તવ—આપના; પ્રકીર્ત્યા—મહિમાથી; જગત્—બ્રહ્માંડ; પ્રહ્રષ્યતિ—હર્ષ પામી રહ્યું છે; અનુરજ્યતે—અનુરક્ત થઈ રહ્યું છે; ચ—અને; રક્ષાંસિ—અસુરો; ભીતાનિ—ભયથી; દિશ:—સર્વ દિશાઓમાં; દ્રવન્તિ—ભાગી રહ્યા છે; સર્વે—સર્વ; નમસ્યન્તિ—નમસ્કાર કરે છે; ચ—અને; સિદ્ધ-સંઘા:—સિદ્ધ સંતોનો સમુદાય.
Translation
BG 11.36: અર્જુને કહ્યું: હે ઇન્દ્રિયોના સ્વામી, સમગ્ર બ્રહ્માંડ આપના મહિમાગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યે અનુરક્ત થાય છે, અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે અને સિદ્ધ સંતોનો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે, તે ઉચિત જ છે.
Commentary
આ શ્લોકમાં તથા આગામી દસ શ્લોકોમાં અર્જુન વિવિધ દૃષ્ટિકોણથી શ્રીકૃષ્ણના મહિમાની પ્રશંસા કરે છે. તે સ્થાને શબ્દનો ઉપયોગ કરે છે જેનો અર્થ છે, ‘તે ઉચિત જ છે.’ જે રાજ્યની પ્રજા તેમનાં રાજાનું સાર્વભૌમત્વ સ્વીકારે છે તે તેમના મહિમાનું ગાન કરવામાં હર્ષ અનુભવે તે સ્વાભાવિક છે. એ પણ સ્વાભાવિક છે કે જે લોકો રાજા પ્રત્યે શત્રુતા ધરાવતા હોય તેઓ તેમની ઉપસ્થિતિમાં ભાગી જાય છે. વળી, રાજા પ્રત્યે તેનાં મંત્રીગણમાં ઊંડો શ્રદ્ધાભાવ હોવો એ પણ સ્વાભાવિક છે. અર્જુન સમરૂપ વર્ણન કરતા કહે છે, બ્રહ્માંડ તેના ભગવાનનું મહિમાગાન કરે છે અસુરો તેમનાથી ભયભીત થાય છે અને સંતસમૂહો તેમને ભક્તિયુક્ત આરાધના સમર્પિત કરે છે તે જ ઉચિત છે.