Bhagavad Gita: Chapter 11, Verse 20

દ્યાવાપૃથિવ્યોરિદમન્તરં હિ
વ્યાપ્તં ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ ।
દૃષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં
લોકત્રયં પ્રવ્યથિતં મહાત્મન્ ॥ ૨૦॥

ધ્યૌ-આ-પૃથિવ્યો:—સ્વર્ગ અને પૃથ્વીની મધ્યે; ઈદમ્—આ; અન્તરમ્—વચ્ચેનું અંતર; હિ—ખરેખર; વ્યાપ્તમ્—વ્યાપ્ત; ત્વયા—આપના દ્વારા; એકેન—એકમાત્ર; દિશ:—દિશાઓ; ચ—અને; સર્વ:—સર્વ; દૃષ્ટ્વા—જોઇને; અદ્ભુતમ્—અદ્ભુત; રૂપમ્—રૂપ; ઉગ્રમ્—ભયાનક; તવ—આપના; ઈદમ્—આ; લોક—લોકો; ત્રયમ્—ત્રણ; પ્રવ્યથિતમ્—અત્યંત વ્યથિત; મહા-આત્માન્—સર્વ પ્રાણીઓમાં મહાન.

Translation

BG 11.20: સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી વ્યાપ્ત છે. હે સર્વ જીવોમાં શ્રેષ્ઠતમ, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકોને ભયથી કાંપતો જોઉં છું.

Commentary

અર્જુન કહે છે, “હે સર્વવ્યાપક પરમાત્મા! આપ દશે દિશાઓમાં, સમગ્ર પૃથ્વીમાં, આકાશથી ઉપર અને તેમની મધ્યેના અવકાશમાં વ્યાપ્ત છો. સર્વ જીવંત પ્રાણીઓ આપના ભયથી ધ્રુજી રહ્યાં છે.” શા માટે ત્રણેય લોક વિશ્વરૂપની સમક્ષ થરથર કાંપી રહ્યા છે કે જયારે તેમણે એ રૂપનું દર્શન પણ કર્યું નથી? અર્જુન સૂચવે છે કે પ્રત્યેક જીવ ભગવાનનાં નિયમોના ભયથી કાર્ય કરે છે. તેમની આજ્ઞાનું સ્થાન સર્વત્ર છે તથા પ્રત્યેક જીવ તેમનું પાલન કરવા બાધ્ય છે.

         કરમ પ્રધાન બિસ્વ કરિ રાખા, જો જસ કરઇ સો તસ ફલુ ચાખા (રામાયણ)

“સમગ્ર વિશ્વ કર્મના નિયમ પ્રમાણે કાર્ય કરે છે. આપણે જે કરીએ છીએ, આપણે તેનું કાર્મિક ફળ ચાખવું પડે છે.” કર્મના નિયમ પ્રમાણે અન્ય અસંખ્ય નિયમો અસ્તિત્વમાં છે. અનેક વૈજ્ઞાનિકો પ્રકૃતિના ભૌતિક નિયમોનો આવિષ્કાર કરીને તથા તેના સિદ્ધાંતોની રચના કરીને તેમનો જીવનનિર્વાહ કરે છે પરંતુ તેઓ નિયમની રચના કરી શકતા નથી. ભગવાન સર્વોચ્ચ નિયમ-રચયિતા છે અને પ્રત્યેક જીવ તેમનાં નિયમોના પ્રભુત્ત્વને આધીન છે.