વાયુર્યમોઽગ્નિર્વરુણઃ શશાઙ્કઃ
પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ ।
નમો નમસ્તેઽસ્તુ સહસ્રકૃત્વઃ
પુનશ્ચ ભૂયોઽપિ નમો નમસ્તે ॥ ૩૯॥
વાયુ:—વાયુદેવ; યમ:—મૃત્યુના દેવ; અગ્નિ:—અગ્નિના દેવ; વરુણ:—જળના દેવ; શશ-અંક:—ચંદ્રદેવ; પ્રજાપતિ:—બ્રહ્મા; ત્વમ્—આપ; પ્રપિતામહ—વડદાદા; ચ—અને; નમ:—મારા નમસ્કાર; નમ:—મારા નમસ્કાર; તે—આપને; અસ્તુ—હજો; સહસ્ર-કૃત્વ:—હજાર વાર; પુન: ચ—અને ફરી; ભૂય:—ફરીથી; અપિ—પણ; નમ:—મારા નમસ્કાર; નમ: તે—મારા નમસ્કાર આપને અર્પિત કરું છું.
Translation
BG 11.39: આપ વાયુ (વાયુદેવ), યમરાજ (મૃત્યુના દેવ), અગ્નિ (અગ્નિના દેવ), વરુણ (જળના દેવ) તથા ચંદ્ર (ચંદ્રદેવ) છો. આપ સર્જક બ્રહ્માના પિતામહ તથા સર્વ પ્રાણીઓના પ્રપિતામહ છો. હું આપને મારા પુન: પુન: સહસ્ર નમસ્કાર કરું છું.
Commentary
શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર આદરની અનુભૂતિથી અર્જુન તેમને પુન: પુન: નમસ્કાર કરે છે, સહસ્ર-કૃત્વ: (સહસ્ર અને સહસ્ર વાર). ભારતમાં, દિવાળીના પર્વમાં ખાંડની મીઠાઈઓ વિવિધ આકારમાં બનાવવામાં આવે છે—હાથી, ઘોડો, પુરુષ, સ્ત્રી, શ્વાન, વગેરે. પણ આ બધામાં નિહિત એક સામગ્રી ખાંડ સમાન હોય છે. એ જ પ્રમાણે, સ્વર્ગ-સ્થિત દેવતાઓનું વિશિષ્ટ વ્યક્તિત્ત્વ તથા સંસારના નિર્વહન માટે અનેરું ઉત્તરદાયિત્ત્વ હોય છે. પરંતુ, તે બધામાં એક સમાન ભગવાન સ્થિત હોય છે, જે તેમની વિશિષ્ટ શક્તિઓનું પ્રાગટ્ય કરે છે.
અન્ય એક ઉદાહરણ સમજીએ. સોનામાંથી વિવિધ પ્રકારનાં આભૂષણો બનાવવામાં આવે છે. તે બધાની પોતાની એક વિશેષ લાક્ષણિકતા હોય છે અને છતાં તે બધાં સોનું જ છે. આમ, જેમ સોનું એ આભૂષણ નથી, પરંતુ આભૂષણો સોનું છે. એ જ પ્રમાણે, ભગવાન સર્વ દેવતાઓમાં છે, પરંતુ દેવતાઓ ભગવાન નથી. તેથી આ શ્લોકમાં અર્જુન કહે છે કે શ્રીકૃષ્ણ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્ર તથા બ્રહ્મા પણ છે.