ન વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈ-
ર્ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ ।
એવંરૂપઃ શક્ય અહં નૃલોકે
દ્રષ્ટું ત્વદન્યેન કુરુપ્રવીર ॥ ૪૮॥
ન—નહીં; વેદ-યજ્ઞ—વેદયજ્ઞ દ્વારા; અધ્યયનૈ:—વેદ અધ્યયન દ્વારા; ન—નહીં; દાનૈ:—દાન વડે; ન—નહીં; ચ—અને; ક્રિયાભિ:—ક્રિયાકર્મો દ્વારા; ન—નહીં; તપોભિ:—તપ દ્વારા; ઉગ્રૈ:—કઠોર; એવમ્-રૂપ:—આ રૂપમાં; શક્ય:—સંભવ; અહમ્—હું; નૃ-લોકે—આ નશ્વર જગતમાં; દ્રષ્ટુમ્—જોવા માટે; ત્વત્—તારા સિવાય; અન્યેન—અન્ય દ્વારા; કુરુ-પ્રવીર—કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ.
Translation
BG 11.48: હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, ન તો વેદોના અધ્યયનથી કે ન તો યજ્ઞો કરવાથી, ન તો કર્મકાંડો દ્વારા કે ન તો દાન આપવાથી, ન તો કઠોર તપશ્ચર્યાઓ કરીને પણ કોઈ નશ્વર જીવે કદાપિ જોયું નથી, જે તે જોયું છે.
Commentary
શ્રીકૃષ્ણ ઘોષણા કરે છે કે સ્વ-પ્રયાસોની કોઈપણ માત્રા—વેદપાઠોનું અધ્યયન, કર્મકાંડોનાં અનુષ્ઠાનો, કઠોર તપશ્ચર્યાનું અનુસરણ; અન્નનો નિગ્રહ કે દાનના ઉદાર કર્મો—ભગવાનનાં વિરાટરૂપનાં દર્શન કરવા માટે પર્યાપ્ત નથી. આ કેવળ તેમની દિવ્ય કૃપા દ્વારા સંભવ છે. આ અંગે વેદોમાં પણ અનેક સ્થાને પુનરોક્તિ કરવામાં આવી છે:
તસ્ય નો રાસ્વ તસ્ય નો ધેહિ (યજુર્વેદ)
“પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કૃપાના અમૃતથી અભિષિક્ત થયા વિના કોઈ તેમને જોઈ શકતું નથી.”
આ અંગેનો તર્ક અતિ સરળ છે. આપણી શારીરિક આંખો માયાની બનેલી છે અને તેથી આપણે જે કંઈ જોઈએ છીએ, તે માયિક છે. ભગવાન અમાયિક છે, તેઓ દિવ્ય છે. તેમનાં દિવ્ય રૂપનાં દર્શન કરવા માટે આપણને દિવ્ય ચક્ષુઓની આવશ્યકતા છે. જયારે ભગવાન જીવ પર તેમની કૃપા વર્ષા કરે છે, ત્યારે તેઓ આપણી માયિક આંખોને તેમની દિવ્ય શક્તિ પ્રદાન કરે છે અને તત્પશ્ચાત્ જ આપણે તેમને જોઈ શકીએ છીએ.
કોઈ એવો પ્રશ્ન કરી શકે કે અર્જુને જે રૂપ દિવ્ય કૃપાથી જોયું, તે જોવાનું સંજય માટે કેવી રીતે શક્ય બન્યું? મહાભારત વર્ણવે છે કે સંજયે પણ તેમનાં ગુરુ વેદ વ્યાસ, જેઓ ભગવાનનાં અવતાર હતા તેમની કૃપાથી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરી હતી. યુદ્ધ પૂર્વે વેદ વ્યાસે તેમનાં શિષ્ય સંજયને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરી કે જેથી તે યુદ્ધની માહિતી ધૃતરાષ્ટ્રને આપી શકે. તેથી, તેણે પણ એ જ વિશ્વરૂપ જોયું, જેનાં દર્શન અર્જુને કર્યા. પરંતુ, પછી જયારે દુર્યોધન મૃત્યુ પામ્યો ત્યારે સંજય શોકમાં ગરકાવ થઇ ગયા અને તેમણે દિવ્ય દૃષ્ટિ ગુમાવી દીધી.